ન્યૂ સમારોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા માતા અને ૬ વર્ષની પુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ન્યૂ સમારોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા માતા અને ૬ વર્ષની પુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત

ન્યૂ સમારોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા માતા અને ૬ વર્ષની પુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત

 | 3:41 am IST

 

 

હત્યા કે આત્મહત્યા ? બે જુદાજુદા એંગલ પર તપાસ કરતી પોલીસ

પોલીસે માતાપુત્રીના મૃતદેહનું પેનલ ઁસ્ કરાવ્યું, મોતનું કારણ જાણવા વિસેરા લીધા

માતાપુત્રીના શરીરમાંથી પોઈઝન મળ્યું ? પતિ તેજસ પટેલની આકરી પૂછપરછ

ા વડોદરા ા

શહેરના ન્યૂ સમા રોડ પર ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં માતાપુત્રીના રવિવારે મધરાતે રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક ભેદ ભરમો સર્જાયા છે. સયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલી પેનલ પીએમમાં માતાપુત્રીના શરીરમાંથી પોઈઝનની હાજરી મળી છે. જોકે, મૃતક માતાના ગળાના ભાગે ઈજાના નિશાન જણાયા છે. જે ઝપાઝપીમાં થયા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.

પોલીસે હાલ અકસ્માત મોતના કાગળો તૈયાર કરી મૃતક શોભના પટેલના પતિની પુછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત મૃતકના વિસેરા પણ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણી શકાશે, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.  

મૂળ ગોધરાના તેજસ અંતરસિંહ પટેલના વર્ષ ૨૦૧૨માં શોભના (ઉં..૩૬. રહે, ચંદનપાર્ક સોસાયટી, ન્યુ સમા રોડ) સાથે લગ્ન થયા હતા. દંપતિને સંતાનમાં એક ૬ વર્ષની પુત્રી કાવ્યા હતી. લગ્ન બાદ તેજસ અને શોભના ગોધરામાં જ રહેતાં હતા. જોકે, ગોધરામાં તેજસને નોકરી મળતી ન હતી.  

જેથી ચાર વર્ષ પહેલા પતિપત્ની પુત્રી કાવ્યાને લઈ વડોદરા રહેવા આવ્યા હતા. શરૂઆતમાં બે મકાનમાં ભાડેથી રહ્યા હતા, પરંતુ ભાડૂ નહીં પોસાતા તેજસે ન્યુ સમા રોડ પર ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં સસરાના ઘરે જ ઘર જમાઈ તરીકે રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેજસ સેન્ટ્રલ સ્ક્વેર મોલમાં આવેલા ક્રોમા સેન્ટરમાં સેલ્સમેન તરીકે નોકરી શરૂ કરી હતી. જ્યારે શોભના ઘરકામ કરતી હતી. ગઈકાલે રવિવારે શોભનાની ભાભી કાવ્યાનેે લઈ સોસાયટીમાં યોજાયેલા ગરબામાં ગઈ હતી. જ્યાંથી રાતે ૧૧.૩૦ વાગ્યે પુત્રી ઘરે પરત આવી હતી.  

દરમિયાન મધરાતે બે વાગ્યાની આસપાસ તેજસ લધુશંકા માટે ઉઠયો હતો, તે વખતે પુત્રી કાવ્યા ઉંધી હાલતમાં સુતેલી હતી. જેથી તેણે પુત્રીને સીધી સુવડાવવાનો પ્રયાસ કરતાં શરીરમાં કોઈ હલચલ જણાઈ ન હતી. ત્યારબાદ બાજુમાં સુતેલી પત્નીને જોતાં તેનું શરીર પણ નિસ્ચેત અવસ્થામાં હતું. જેથી તેજસે બુમાબુમ કરી નીચેના માળે રહેતાં સાળા તથા સસરાને બોલાવી લીધા હતા. ત્યારબાદ માતાપુત્રીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરને બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાની જાણ સમા પોલીસ મથકે કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ સમા પોલીસ મથકનો કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો. પોલીસને પ્રથમ નજરે જોતા શંકાસ્પદ હાલતમાં માતાપુત્રીના મોત થયાનું જણાતા પોલીસ માતાપુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા.

જ્યાં પોલીસના પ્રાથમિક રિપોર્ટમાં માતાપુત્રીના મોત ઝેરી દવા પીવાના કારણે થયા હોવાનું બહાર આવ્યું હતું. સમા પોલીસે હાલ અકસ્માત મોતના કાગળો તૈયાર કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રે ૧૧.૩૦ વાગે માતા શોભના અને પુત્રી કાવ્યા મોબાઈલ ફોનમાં કંઈક જોઇ રહ્યા હતા

સમા પીઆઈ નિલેશ બ્રહ્મભટ્ટે તેજસ પટેલની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, મોડીરાતે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ પુત્રી કાવ્યા ગરબા રમી ઘરે આવી હતી. ત્યારબાદ શોભના અને પુત્રી કાવ્યા બેડ પર મોબાઈલ ફોનમાં કંઈક જોતા હતા. જ્યારે મને ઉંઘ આવતાં સુઈ ગયો હતો. મોડીરાતે બે વાગ્યાની આસપાસ ઉઠયો હતો, ત્યારે બંનેના શરીરમાં કોઈ હલનચલન જણાયું ન હતું. એટલે, સાળા અને સસરાને ઘટનાની જાણ કરી બંનેને દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરે પત્ની અને પુત્રીને મૃત જાહેર કર્યા હતા.

ગળાના ભાગે નિશાન જોતા મારી બહેનની હત્યા થઈ હોવાનું લાગી રહ્યું છે

રવિવારે રાત્રે મારી બહેન અને મારી ભાણી ગરબા રમવા ગયા હતા. જ્યાંથી આવ્યા બાદ મારી ભાણીએ મને શુભ રાત્રી પણ કહ્યું હતુ અને તેઓ ઉપરના મકાનમાં સુવા માટે ગયા હતા. જ્યાં રાત્રિના ૧૨ થી ૨ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હોવાનું લાગે છે. મારી બહેનના ગળાના ભાગે જે નિશાન છે તેને જોતા તેની હત્યા થઈ હોવાનું મને લાગે છે. શૈલેન્દ્રસિંહ બારીયા, મૃતકનો ભાઈ  

તેજસ ધો.૧૨ પાસ છે, શોભના ગ્રેજ્યુએટ હતી

મૃતક શોભના તેના પતિ તેજસ કરતાં લગભગ પાંચ વર્ષ મોટી હતી. તેજસ ધો. ૧૨ સુધી જ ભણેલો છે. જ્યારે શોભના ગ્રેજ્યુએટ હતી. તેજસના સાસુસસરા બંને વચ્ચે સારું બનતું હતું, તેવું કહી રહ્યાં છે, પરંતુ રવિવારે મોડીરાતે ઘરની ચાર દિવાલો વચ્ચે એવું શું બન્યું કે, માતાપુત્રીને આપઘાત કરવો પડયો.? તે સૌથી મોટો સવાલ છે. શું હત્યાની ઘટનાને આપઘાતમાં ખપાવી દેવાનો પ્રયાસ થયો છે? આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ કરવામાં આવી રહી છે.        ભરત રાઠોડ, એસીપી

મરનાર મહિલાના ગળા પર ઈજાના નિશાન, હત્યાની દિશામાં પણ પોલીસની તપાસ

મૃતક શોભનાબેન પટેલના ગળા પર ઈજાના નિશાન કંઈક અજુગતું બન્યું હોવાની ચાડી ખાઈ રહ્યાં છેે. જ્યારે પુત્રી કાવ્યાના શરીરે કોઈ નિશાન જણાયા નથી. એટલે, ઘટના પહેલા થયેલી ઝપાઝપીમાં શોભનાબેનને ગળા પર નખ વાગ્યા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. આ બાબતે પોલીસે તેજસની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, શોભના સોનાની ચેન પહેરતી હતી. એટલે, રિએક્શન આવ્યું હશે. જોકે, પોલીસને તેની આ વાત ગળે ઉતરતી નથી. કારણ કે, ડૉક્ટરે પણ શોભનાબેનના ગળાના ભાગે નખના નિશાન હોવાનું પોલીસને જણાવ્યું છે. જેથી તેજસ કોઈ હકિકત છુપાવી રહ્યો હોવાની પોલીસને પ્રબળ શંકા છે. પોલીસ આપઘાતની સાથે હત્યાની દિશામાં પણ તપાસ કરી રહી છે. જેને લઈ પોલીસ તેજસની આકરી પુછપરછ કરી રહી છે.  

અગાસી પરની ઓરડીમાંથી ઉંદર મારવાની દવા મળી

મૃતક માતાપુત્રીના શરીરમાંથી પોઈઝનની હાજરી મળતાં પોલીસે ઘરમાં તપાસ કરી હતી. જોકે, કોઈ ઝેરી દવા મળી ન હતી. ત્યારબાદ પોલીસે ચોથા માળે ધાબા પર બનાવેલી ઓરડીમાં તપાસ કરતાં તેમાંથી ઉંદર મારવાની દવા મળી હતી. ખરેખર, માતાપુત્રીએ આજ દવા પીધી છે કે પછી અન્ય કોઈ ઝેરી દવા? તે વિસેરાનો રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે.

પત્ની અને પુત્રીની અંતિમવિધિમાં તેજસ ઉપસ્થિત ન રહ્યો

મૃતક શોભનાનો પરિવાર મૂળ ગોધરાનો છે. સમી સાંજે શોભના અને પુત્રી કાવ્યાના મૃતદેહનું પીએમ થયા બાદ અંતિમવીધિ માટે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જેથી તેઓ બંનેના મૃતદેહને ગોધરાના શહેરા ખાતે આવેલા ગામમાં લઈ ગયા હતા. જોકે, તેજસ પોલીસના રડારમાં હોઈ પત્ની અને પુત્રીની અંતિમવીધિમાં ગયો ન હતો.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;