ન વેગાન ધારયેત ધીમાન - Sandesh
1.6M
1M
1.7M
APPS

ન વેગાન ધારયેત ધીમાન

 | 3:00 am IST
  • Share

આયુર્વેદમાં રોગોત્પત્તિનાં કારણોમાં આપણા શરીરના તેર પ્રકારના સ્વાભાવિક વેગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તેર પ્રકારના વેગોમાં મળ, મૂત્ર, શુક્ર, વાછૂટ, ઊલટી, ઓડકાર, છીંક, બગાસું, આંસુ, ભૂખ, તરસ, નિદ્રા અને પરિશ્રમથી ઉત્પન્ન શ્વાસનો સમાવેશ થાય છે. શરીરના આ સ્વાભાવિક વેગો કોઈ ને કોઈ શારીરિક ક્રિયાનાં પ્રતીક છે. એટલે આ વેગોને આવતા રોકવાથી હાનિ થવાની શક્યતા રહે છે.

આયુર્વેદના મર્હિષ વાગ્ભટ્ટે આ તેર વેગોની સાથે ચૌદમા ઉધરસના વેગનો પણ સમાવેશ કર્યો છે. તેમણે તે પોતાના ગ્રંથમાં સ્પષ્ટ જ લખ્યું છે કે, મળ, મૂત્ર વગેરે ઉપસ્થિત શરીરના વેગોને રોકવાથી તથા આ અનુપસ્થિત વેગોની બળપૂર્વક પ્રવૃત્તિ કરવાથી શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે. આ પ્રકૃપિત થયેલો વાયુ શરીરમાં વિભિન્ન પ્રકારના વ્યાધિ ઉત્પન્ન ઔકરે છે.

શરીરના સ્વાભાવિક વેગોને રોકવાથી થતા રોગોનું આયુર્વેદના ગ્રંથોમાં વિસ્તૃત નિરૂપણ થયેલું છે. આમાંથી અગત્યના મળ, મૂત્રાદિ વેગોને રોકવાથી શું પરિણામ આવે છે? તેનું સંક્ષિપ્ત નિરૂપણ કરું છું.

મળના સ્વાભાવિક વેગને રોકવાથી શીરઃશૂળ, શરદી, ઓડકાર, હૃદયની ગતિ વધી જવી, પેટ ફૂલી જવું અથવા આફરો થવો, ઉદરપીડા, મૂત્રાવરોધ, આંખોમાં ભારેપણું, કબજિયાત વગેરે થાય છે. આવી અવસ્થા ઉત્પન્ન થાય ત્યારે મળનું ભેદન કરે એવો ઉપચાર ગોઠવવો જોઈએ.

મૂત્રનો વેગ રોકવાથી શરીરમાં દુખાવો, મૂત્રેન્દ્રિયની જડમાં પીડા, મૂત્રાશયમાં ભારેપણું, પથરી, બેચેની, ગભરામણ, સ્વેદાધિક્ય વગેરે ઉત્પન્ન થાય છે. જ્યારે મૂત્રનો વેગ રોકવાથી આવું થાય ત્યારે પ્રાતઃ ભોજન પહેલાં ઘી પીવરાવવાથી લાભ થાય છે.

અપાન વાયુ-વાછૂટનો વેગ રોકવાથી પેટ ભારે થવું, પેટમાં આફરો, શરીરમાં ભારેપણું, બેચેની, અરુચિ, ઊબકા, કબજિયાત, શીરઃશૂળ વગેરે ઉત્પન્ન થાય છે. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે વાયુનો નાશ કરે એવો ઉપચારક્રમ અને આહાર ગોઠવવો જોઈએ.

ભૂખનો આવેગ રોકવાથી શરીરનાં અંગો દુખવાં, અશક્તિ, શરીર દૂબળું થવું, ચક્કર, પેટમાં દુખવું, વગર પરિશ્રમે થાક લાગવો, જ્ઞાાનેન્દ્રિયો-કર્મેન્દ્રિયોની શિથિલતા, કાંતિનો હ્રાસ અને શરીરનો રંગ હણાય છે. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે પચવામાં હળવાં અને પૌષ્ટિક આહાર દ્રવ્યો પ્રયોજવાં જોઈએ.

વીર્યનો વેગ રોકવાથી એટલે કે મૈથુનક્રિયા અધવચ્ચે અટકાવીને બહાર સ્ખલન કરવાથી અંડકોષ એવં ઈન્દ્રિયમાં પીડા, તાવ, બેચેની, હૃદયમાં પીડા, થાક, અંડવૃદ્ધિ અને નપુંસકતા ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં માલિશ, સ્નાન વગેરે સાથે પૌષ્ટિક આહાર દ્રવ્યો પ્રયોજવાં જોઈએ.

આયુર્વેદના મર્હિષ ચરકે પોતાના મહાન ગ્રંથમાં ઉત્તમ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે લખ્યું છે કે, ‘ન વેગાન ધારયેત ધીમાન’ એટલે કે, બુદ્ધિમાન વ્યક્તિઓએ મળમૂત્રાદિના આવેલા વેગોને રોકવા ન જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો