પંકજ ભુજબળ અને અન્ય આરોપીઓને શોધવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટીમ મોકલાવી - Sandesh
  • Home
  • Mumbai
  • પંકજ ભુજબળ અને અન્ય આરોપીઓને શોધવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટીમ મોકલાવી

પંકજ ભુજબળ અને અન્ય આરોપીઓને શોધવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટીમ મોકલાવી

 | 3:27 am IST

મુંબઇ, તા.૨૨  

પંકજ ભુજબળ અને ચમનકરો માટે તમામ કાનૂન વિકલ્પો પુરા થઇ ગયા હોવાથી મહારાષ્ટ્ર સદન કૌભાંડના કેસમાં હવે વિશેષ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટ સમક્ષ તેમની શરણાગતિ તોળાઇ રહી છે. મુંબઇની એક અદાલતે તેમની વિરૂધ્ધ જારી કરેલા બિન-જામીન પાત્ર વોરન્ટસને રદ કરવાની દાદ ચાહતી તેમની અરજીને સુપ્રીમકોર્ટે ફગાવી દીધાં બાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓ હજી પણ સંતાઇ રહ્યા હોવાથી તેમને શોધવા માટે મુંબઇની બહાર ટીમોને મોકલાવાઇ છે, પરંતુ હજી સુધી તેમની ભાળ નથી મળી.  

સૂત્રોના જણાવ્યાનુસાર, મુંબઇ અને નાસિકમાં તેમના નિવાસસ્થાનો ખાતે ટીમોને મોકલાવાઇ હતી. પંકજ ભુજબળને શોધવા માટે એક ટીમ દક્ષિણ મુંબઇમાં સચિવાલય બિલ્ડિંગમાં પણ ગઇ હતી.  

સુપ્રીમ કોર્ટે ગત સોમવારે બોમ્બે હાઇકોર્ટના આદેશને બહાલ રાખ્યો હતો અને પંકજ ભુજબળે નોંધાવેલી સ્પેશિયલ લીવ પિટિશનને કાઢી નાંખી હતી. અગાઉ કૃષ્ણા ચમનકર (મહારાષ્ટ્ર સદન પ્રોજેક્ટમાં કોન્ટ્રેક્ટર) તથા અન્યો દ્વારા નોંધાવાયેલી સ્પેશિયલ લીવ પિટિશનને પણ સુપ્રીમ કોર્ટે કાઢી નાંખી હતી આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી એર્ટની જનરલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી.  

રોહતગીએ જણાવ્યું હતું કે, મે મહિનામાં ચમનકરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને છ સપ્તાહ માટે વચગાળાની રાહત મેળવી ત્યારે અમને નોટિસ નહોતી અપાઇ. તેથી આરોપીઓ દ્વારા દાદ ચાહવામાં આવેલા કાનૂની ઉપાય વિશે જાણ થયા બાદ અમે પંકજ ભુજબળ વિરૂધ્ધ એવું જાણતા હોવાથી કેવિએટ નોંધાવી હતી કે સમાનતાની ભૂમિકા પર તેઓ પણ સરખી દાદ ચાહશે.