પંખીના માળા જેવડાં પંડોળી ગામમાં ૮૫ કિડની વેચાઇ! - Sandesh
  • Home
  • Baroda
  • પંખીના માળા જેવડાં પંડોળી ગામમાં ૮૫ કિડની વેચાઇ!

પંખીના માળા જેવડાં પંડોળી ગામમાં ૮૫ કિડની વેચાઇ!

 | 12:31 am IST

વડોદરા, તા.૭  

આણંદ સરોગેટ મધરનું સેન્ટર છે, તો આણંદ જિલ્લાનું પંખીના માળા જેવડું અને સાવ અજાણ્યું પંડોળી ગામ આંતરરાષ્ટ્રીય સ્તર પર સૌથી વધુ કિડનીદાતા ધરાવતા ગામ તરીકે કુખ્યાત બન્યું છે. ભારતીય કાયદામાં લખાયું છે કે, લોહીના સંબંધ હોય તેને જ કિડની આપી શકાય. જો, સગાંને આપવાની થાય તો તેમાં ક્યાંક લોભ – લાલચ કે નાણાકીય વ્યવહાર હોવા ન જોઈએ. સગાંને કિડની આપવાના કાયદા સૌથી અઘરાં છે અને તે કાયદા હેઠળ જ પંડોળી ગામમાંથી એક બે નહીં ૮૫ જણાંએ પોતાની એક-એક કિડનીનો સોદો કરી નાખ્યો છે, પરંતુ પોલીસ તંત્રને આમાં કશું જ શંકાસ્પદ નથી લાગતું. બીજી બાજુ કિડની વેચવાનો ધંધો ફુલોફાલ્યો છે. પંડોળી ગામની વસતી માંડ ૨૦ હજારની છે. ગામમાં અલગ અલગ ૧૪ પરાં છે. ગામમાં ૧૦ હજાર મતદારો છે અને ક્ષત્રિયોના મકાનો વધારે છે. અહીંના ગ્રામજનો મોટાભાગે ખેતમજૂરી અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે. સંદેશે આ ગામની મુલાકાત લેતાં તૂટેલાં ઝૂંપડાઓમાં નિઃસહાય અવસ્થામાં જીવન વીતાવતા લોકોની દારૃણ ગરીબીનો વરવો ચહેરો સામે આવ્યો હતો. મોટાભાગના લોકોએ દેવું ભરપાઈ કરવા, લગ્નમાં પત્નીના દાગીના લેવા, ગીરવે મૂકેલી જમીન છોડાવવા કિડનીઓ વેચી હોવાનો ચિતાર સામે આવ્યો હતો. છેલ્લાં ૧૨ વર્ષથી તંત્રના નાક નીચે ચાલતું કિડની કૌભાંડ પંડોળીના અમીરમીયા સાથે બનેલી ઘટના બાદ માર્ચ, ૨૦૧૬માં બહાર આવ્યું છે.   મારાં પુત્રને ‘ ૧૦ હજાર આપવાનું કહી કિડની કાઢી લીધી

આંતરરાષ્ટ્રીય સ્તર પર સૌથી વધુ કિડનીદાતા ધરાવતું ગામ  

પંડોળી ગામના અમીર બન્નુમીયાં મલેક (ઉં.વ.૨૭)ને રૃ.૧૦ હજારની જરૃર પડી હતી. અમીરે તેની વાત રિયાઝને કરતા તેણે રફિક સાથે ભેટો કરાવ્યો હતો. રફિકે હું તને વગર વ્યાજે રૃપિયા અપાવીશ, તેમ કહી તા.૧૦ ફેેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ દિલ્હીીની હોસ્પિટલમાં લઈ ગયો. અમીરને ઇન્જેક્શન આપતા બેભાન થઈ ગયો હતો. ત્રણ દિવસ બાદ તે સ્વસ્થ થતાં પેટના ભાગે ચેકો હતો. તેણે ચેકા વિશે પૂૂછતાં એક કિડની કાઢી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

પૂનમે પુત્ર અને સંબંધીની પણ કિડની વેચાવી

પંડોળી ગામના ૪૦ વર્ષીય પૂનમ મંગળભાઈ સોલંકીએ સૌપ્રથમ કિડનીના સોદાની શરૃઆત કરી હતી. લગભગ ૧૨ વર્ષ પહેલાં નડિયાદની મૂળજીભાઈ હોસ્પિટલમાં પૂૂનમે મુંબઈના જનાર્દન ગુરુદાસને કિડની આપી હતી. મુંબઈના પરિવારે મારાં પુત્રના હાથમાં ૬૦ હજાર રૃપિયા આપ્યા હતા. તે પછી મેં મારાં પુત્ર નરેન્દ્ર (ઉં.વ.૨૭)ની પણ એક કિડનીનો રૃ.૨.૫૦ લાખમાં સોદો કર્યાે હતો. એજન્ટ શેરુ (અમદાવાદ) અને મુકેશ ચૌધરી થકી તેણે શ્રીલંકા જઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. 

બે બહેનોનાં લગ્ન કરવા માટે કિડની વેચી હતી

પંડોળીના લક્ષ્મીપુરા ગામમાં રહેતો ૩૬ વર્ષીય મહેન્દ્ર ઊર્ફે રમેશ અંબાલાલ ગોહેલ લગભગ ૧૨ વર્ષ પહેલાં નડિયાદ સંતરામ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. જ્યાં તેનો પરિચય પ્રોફેસર મિનેષ પટેલ (રહે, નડિયાદ) સાથે થયો હતો. મિનેષ પટેલે વડોદરામાં રહેતી તેમની બહેનને કિડનીની જરૃર હોવાનું કહ્યું હતું. જ્યાં નડિયાદની મૂળજીભાઈ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. તે વખતે મહેન્દ્રને રૃ.૧.૨૦ લાખ મળ્યાં હતા, જેમાં બે બહેનોનાં અને પોતાના લગ્ન કર્યા. તેમજ પિતાનું દેવુ ભરપાઈ કર્યું હતું.

દાગીના નહીં આપતાં પિયરમાં ગયેલ પત્નીને પાછી લાવવા કિડની વેચી

પંડોળી ગામના ગોહેલપુરામાં રહેતો ૨૪ વર્ષીય અશોક ગોરધનભાઈ ગોહેલને પૈસાની સખત જરૃર હતી. તેવામાં ગામનો કનુ ગોહેલ કિડની વેચી રૃપિયા કમાયો હોવાની જાણ તેને થઈ. ૬ મહિના પહેલાં અશોકનો પરિચય અરવિંદ ઊર્ફે ટીકા સાથે થયો હતોે. અરવિંદે તેની મુલાકાત દલાલ જાવેદ સાથે કરાવી હતી. જાવેદે એક કિડની આપીશ તો રૃ.૨.૫૦ લાખ મળશે, તેમ કહેતા અશોક તૈયાર થઈ ગયો હતો. જાવેદ તેને તા.૨૪ જાન્યુઆરીએ દિલ્હી લઈ ગયો. જ્યાં તેની એક કિડની કાઢી લઈ રૃપિયા ૨.૩૦ લાખ આપ્યાં હતા. વર્ષ ૨૦૧૩માં અશોકે લગ્ન કર્યા, જેમાં રૃ.૧ લાખનું દેવું થઈ ગયું. તેમજ પત્નીને લગ્ન વખતે દાગીના ચઢાવ્યાં ન હોવાથી તેને મોકલતાં ન હતા, જેથી દેવું ઊતારવા અને પત્નીને ઘરે લાવવા અશોકે કિડની વેચી હતી.  

 

જમીન છોડાવવા અને બે બહેનોનાં લગ્ન કરાવવા કિડની આપી

પંડોળી ગામના ગોહેલપુરામાં રહેતા ખેતમજૂર ૩૫ વર્ષીય કનુ મફતભાઈ ગોહેલને સંતાનમાં બે બાળકો છે. તે ઘરમાં સૌથી મોટો છે. પિતાના અવસાન બાદ જમીન ગીરવે મૂકી બે બહેનો અને પોતાના લગ્ન કર્યા. જમીન છોડાવવા અને દેવું ઊતારવા કનુએ પોતાની એક કિડની વેચવાનું નક્કી કર્યું. ઘરમાં કોઈને જાણ કર્યા વગર તે દલાલ મુકેશ ચૌધરી થકી દિલ્હી ગયો. જ્યાં એક કિડનીનો સોદો કરતાં રૃ.૨.૩૦ લાખ કનુને મળ્યાં. આ રૃપિયામાંથી તેણે જમીન છોડાવી અને બાકીનું દેવું ભરપાઈ કર્યું. કનુ કહે છે કે, કિડની કાઢી લીધા પછી પેટમાં દુઃખાવો ઉપડે છે. આજે પણ મારી જમીન ગીરવે મુકવી પડે તેવી સ્થિતિ છે. કારણ કે, નાનાભાઈના પણ લગ્ન કરાવાના હજુ બાકી છે.