પર્ફોર્મન્સ આપવાની ભૂખ સંતોષાય તેમ નથીઃ મનોજ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પર્ફોર્મન્સ આપવાની ભૂખ સંતોષાય તેમ નથીઃ મનોજ

પર્ફોર્મન્સ આપવાની ભૂખ સંતોષાય તેમ નથીઃ મનોજ

 | 2:14 am IST

બાવીસ વર્ષથી અભિનય કરતા હોવા છતાં મનોજ બાજપાઈમાં અભિનયની ભૂખ જોવા મળે છે. પોતે યંત્રવત્ ન બની જતાં દરેક પાત્રમાં પ્રાણ ફૂંકવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેમાં સફળ પણ રહે છે જે આપણે ફિલ્મીપડદે જોઈ શકીએ છીએ. અભિનેતા તરીકે હંમેશાં વખણાવા છતાં આળસ કે અભિમાનથી દૂર રહીને કઈ રીતે પોતાની અંદર ઉત્તમ પર્ફોર્મન્સની ભૂખ જાળવી શક્યા છે તે જાણીએ. ઓવર ટુ મનોજ બાજપાઈઃ એ ભૂખને જગાડવી નથી પડતી. દેવદાસમાં દિલીપસાબનો ડાયલોગ છે ને,”યહ કભી ન બુજનેવાલી પ્યાસ હૈ”. આ ભૂખ જલદી સંતોષાય તેમ નથી. મારી અંદર જેટલું છે તેના દસ ટકા પણ બહાર આવ્યું નથી. મેં ભૂતકાળમાં કરેલું કામ મને ટોકે છે. તેમાં મને ખામી દેખાય છે. મને લાગે છે કે હું હજુ બહેતરીન પર્ફોર્મન્સ આપી શકું છું પરંતુ તે મુજબના રોલ નથી ઓફર થતા. જેવી કોઈ અસરકારક ભૂમિકા મળે છે કે હું તેની તૈયારીઓ પર પોતાને ન્યોછાવર કરી દઉં છું.

વાસ્તવિક ઘટનાઓથી પ્રેરીત ફિલ્મોનો આજકાલ સિનેજગતમાં ટ્રેન્ડ ચાલ્યો છે તે અંગે વાત કરતાં અભિનેતા કહે છે કે, એક જ સમયગાળામાં અમુક ચોક્કસ પ્રકારની ફિલ્મો આવવા લાગે તેને આપણે ટ્રેન્ડ માની લઈએ છીએ. શરૃઆતમાં દરેક જોનરની ફિલ્મ આવવી એક યોગાનુયોગ જ હોય છે. કાલે બે-ત્રણ એક્શનપેક ફિલ્મોને સફળતા મળવા દો પછી જુઓ એ જોનરની ફિલ્મો ઉપરાઉપરી બનવા લાગશે. રહી વાત અમારી ફિલ્મ બુધિયાઃ બોર્ન ટુ રનની તો એ અમે ખાસ્સા સમય પહેલા શૂટ કરી હતી. આ પ્રકારની ફિલ્મો ઘેટાચાલ ધરાવતા ટ્રેન્ડને જોઈને નથી બનતી. અમુક એવી વાર્તા હોય છે જેની સાથે લેખક-દિગ્દર્શકને પ્રેમ થઈ જાય છે અને તે ફિલ્મ બની જાય છે. પછી ભલે ને તેમની સામે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન હોય! બુધિયાઃ બોર્ન ટુ રનફિલ્મ માટે ડિસ્ટ્રિબ્યૂટર શોધતા અમારે એક વર્ષ લાગ્યું હતુ. સ્મોલ બજેટ ફિલ્મોના નિર્માણ અને રિલીઝની જે યાત્રા હોય છે તે ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે.

ફિલ્મ નિર્માણમાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેટ ક્ષેત્રે ઝુકાવ્યું છે તેને કારણે સ્મોલબજેટ ફિલ્મોને ફાયદો થયો છે કે કેમ તેવો સવાલ પૂછતાં મનોજે કહ્યું કે, એક સમયે તેમના કારણે માર્ગ સરળ થઈ ગયો હતો. તેમના રસના કેન્દ્રમાં સ્મોલ બજેટ ફિલ્મો હતી. પરંતુ હવે તેમને બિગ બજેટ ફિલ્મોમાં વધુ રસ પડે છે. એટલે સ્મોલ બજેટ ફિલ્મને સિનેમાહોલ સુધી પહોંચતા બહુ સંઘર્ષ કરવો પડે છે. બીજી સમસ્યા એ પણ છે કે, જેમણે સ્મોલ બજેટ ફિલ્મના હિતમાં કામ કરવાનું શરૃ કર્યું હતું તેઓ પણ હવે મેગા બજેટ ફિલ્મો તરફ વળી ગયા છે. તેમની પહેલી પસંદગી હવે જાણીતા સ્ટાર છે અને તે સ્વાભાવિક છે. તેઓ કશું ખોટું કરી રહ્યા નથી. બજારવાદ બધે ભારે પડી રહ્યો છે. આ સંજોગોમાં બુધિયા…જેવી ફિલ્મોની નિર્માણ પ્રક્રિયાને એન્જોય કરી શકીએ તો કંઈક વાત જામે. મનોજ બાજપાઈ આ પ્રકારે ફિલ્મ નિર્માણ યાત્રા માણે છે. તે કહે છે કે, હું ક્યારેય બડાશ નથી હાંકતો કે હું પાંચ ફિલ્મો કરી રહ્યો છું કે સાત ફિલ્મો કરી રહ્યો છું. આ વર્ષે યોગાનુયોગ મારી બધી ફિલ્મો સાથે આવી રહી છે. આ બધી ફિલ્મો ઘણા સમય પહેલાં બની ગઈ હતી, જે રિલીઝ હવે થઈ રહી છે. આ વર્ષ તેમના માટે ભાગ્યશાળી રહ્યું. દરેક ફિલ્મને વિતરક મળી ગયા. કોઈને લાગતું હશે કે મનોજ બાજપાઈની પાંચે પાંચ આંગળીઓ આજે ઘીમાં છે પરંતુ આ બધી ફિલ્મોના સર્જનની યાત્રા લાંબી અને સંઘર્ષપૂર્ણ રહી છે. આજે બિગબજેટ ફિલ્મોની સાથે સ્મોલબજેટ ફિલ્મોને રિલીઝ માટે મલ્ટિપ્લેક્સ સિનેમાહોલ છે. ત્યારે વર્તમાન સમયને સિનેમાનો સુવર્ણયુગ ગણવો જોઈએ તેમ કેટલાક લોકોનું માનવું છે. આ બાબત સાથે અસહમતી દર્શાવતા મનોજ બાજપાઈ કહે છે કે, હજી તો શરૃઆત થઈ છે પણ સુવર્ણયુગ ન કહી શકાય. જે દિવસે દેશના દરેક ખૂણામાં સિનેમાહોલ ખૂલશે. ફિલ્મ રિલીઝ થયા પછી તેની કમાણી સીધી નિર્માતાઓના ખિસ્સામાં જશે. આપણા દેશમાં એટલી તાકાત છે કે આપણે દર બીજી ફિલ્મ એવેન્જર્સ‘ (હોલિવૂડ ફિલ્મ)ના સ્તરની બનાવી શકીએ તેમ છીએ. તેમ ન બનવા પાછળનું કારણ એ છે કે આપણી પાસે સિનેમાહોલ જ ઓછા છે. આપણી વસ્તીનો બહુ નાનો ભાગ થિએટરમાં ફિલ્મ જોવા જાય છે. તેમાં જો વધારો થઈ જાય તો ત્રણસોથી પાંચસો કરોડની ફિલ્મો બની શકે તેમ છે. હા અમારા જેવા કલાકાર બહુ વ્યસ્ત છે પણ સુવર્ણયુગમાં ગણતરી થાય તે માટે સિનેમાને અનુકૂળ વાતાવરણની જરૃરિયાત છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન