પાંચમી વખત ગ્રામ પંચાયત 'સમરસ' થશે તો રૂ. 8 લાખની ગ્રાન્ટ વત્તા રૂ. 3 લાખના કામો! - Sandesh
  • Home
  • Gandhinagar
  • પાંચમી વખત ગ્રામ પંચાયત ‘સમરસ’ થશે તો રૂ. 8 લાખની ગ્રાન્ટ વત્તા રૂ. 3 લાખના કામો!

પાંચમી વખત ગ્રામ પંચાયત ‘સમરસ’ થશે તો રૂ. 8 લાખની ગ્રાન્ટ વત્તા રૂ. 3 લાખના કામો!

 | 4:32 am IST
  • Share

સરકારે ચૂંટણીનેબિનહરીફકરવા પ્રોત્સાહક ગ્રાન્ટમાં જંગી વધારો કર્યો

નવા નિર્ણય મુજબ જો કોઈ ગ્રામ પંચાયત પાંચમી વખત મહિલા સમરસ થશે રૂ.16 લાખ સુધીનો લાભ નક્કી

અગાઉ ચોથી વખત સમરસ થવાના તબક્કે પાંચ લાખ સુધીના લાભો મળતા હતા

10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણીને સરકારે બિનહરીફ કરવા ગુજરાત સરકારે પ્રોત્સાહક ગ્રાન્ટમાં જંગી વધારો કર્યો છે. જેમાં આ વખતે પાંચમી વખત સમરસ જાહેર થનારી ગ્રામ પંચાયતને રૂ.આઠ લાખની ગ્રાન્ટ વત્તા વિકાસના કામો માટે રૂપિયા ત્રણ લાખ ચૂકવવા નિર્ણય કર્યો છે. માત્ર પાંચમી વખત જ નહીં પહેલી, બીજી, ત્રીજી અને ચોથી વખત સમરસ થતી પંચાયતો માટે પણ પ્રોત્સાહક ગ્રાન્ટમાં વધારો થયો છે. અગાઉ ચોથી વખત સમરસ થવાના તબક્કે પાંચ લાખ સુધીના લાભો મળતા હતા.

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આશિષ વાળાની સહીથી બુધવારે 14 જુલાઈ 1992થી અમલમાં આવેલી સમરસ ગામ યોજનાના સંદર્ભે ઠરાવ પ્રસિધ્ધ થયો હતો. ત્રિ-સ્તરીય પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત એ તળિયાની સંસ્થા છે. આથી, ગામમાં ચૂંટણી સર્વ સંમતિ અને વિના વિરોધે થાય તો વિકાસ માટેનું હકારાત્મક વાતાવરણ સર્જાય એ ઉદ્દેશ્યથી પ્રોત્સાહક ગ્રાન્ટ, વિકાસના કામો માટેની રકમમાં વધારો કર્યાનું જણાવાયું છે.

વિતેલા અઢી દાયકામાં અનેક ગ્રામ પંચાયતોમાં દર પાંચ વર્ષે યોજાતી ચૂંટણીમાં મતદાન વગર જ સર્વાનુમતે સરપંચ, સભ્યોની વરણી થાય છે. 178થી વધુ ગ્રામ પંચાયતો ત્રીજી-ચોથી વખત સમરસ થઈ છે અને 19 ડિસેમ્બરે યોજાનારા મતદાન પહેલાં પાંચમી વખત સમરસ થઈ શકે તેમ છે. આથી, પહેલીવાર 5,000ની વસતિ ધરાવતા ગામની પંચાયતને પાંચમી વખત સમરસ થવાના તબક્કે રૂ.પ.50 લાખની ગ્રાન્ટ અને વિકાસના કામો માટે ત્રણ લાખ વધારાના તેમજ 5,001થી 25,000ની વસતિવાળા ગામોને રૂ.આઠ લાખની ગ્રાન્ટ અને ત્રણ લાખના કામો એમ કુલ 11 લાખનો લાભ મળશે. તેવી જ રીતે પાંચમી વખત મહિલા સમરસ થનારી ગ્રામ પંચાયતને રૂ.16 લાખના લાભ આપવા નિર્ણય થયો છે.

ગ્રામીણ સમાજ જીવનમાં સંવાદિતતા, સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ચૂંટણી ચિહન કે મેન્ડેટ સાથે ઉમેદવારોને ઉતારવા એ પ્રતિબંધિત બાબત છે. જો કે, ગુજરાતમાં પોતાની વિચારધારાના મૂળિયા ઊંડા કરી તાલુકા-જિલ્લા પંચાયતો અને તેથી આગળ વધી વિધાનસભા-લોકસભાનું ગણિત ઘુંટવા વર્ષોથી ભાજપ-કોંગ્રેસ પાછલા બારણે દાવ અજમાવતા હોય છે. આ વખતે આમ આદમી પાર્ટી-છછઁ ગ્રામ્ય સ્તરે સક્રિય થતા સમરસ ગ્રામ પંચાયતોમાં ઘટાડો થાય તો નવાઈ નહીં. બે દાયકાથી ભાજપ મજબૂત સ્થિતિમાં હોવા છતાંયે પાંચ વર્ષ અગાઉ સમરસ ગ્રામ પંચાયતની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.

5,000થી ઓછી વસતિના ગામો સૌથી વધુ લાભ લેશે

19 ડિસેમ્બરે જ્યાં ચૂંટણી છે તેવી 10,879 ગ્રામ પંચાયતોમાંથી 3,217 ગામોમાં 5,000થી ઓછી વસતિ છે. સમરસ ગામ યોજના જ્યાં એક જ સમૂહ, પરિવારમાંથી આબાદ થયા હોય તેવા ગામોમાં સૌથી વધુ સફળ રહી છે. છેલ્લા એક દાયકામાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટાપાયે સ્થળાંતર થયું છે. આથી, જ્યાં વસતિ ઓછી છે તેવા ગામોમાં આ યોજનાનો સૌથી વધુ લાભ લેવાશે તેમ મનાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો