પાછલા છ મહિનામાં સુરતની જ્વેલરી ઈન્ડસ્ટ્રીનો વેપાર માત્ર ૦.૩૫ ટકા રહ્યો - Sandesh
  • Home
  • Surat
  • પાછલા છ મહિનામાં સુરતની જ્વેલરી ઈન્ડસ્ટ્રીનો વેપાર માત્ર ૦.૩૫ ટકા રહ્યો

પાછલા છ મહિનામાં સુરતની જ્વેલરી ઈન્ડસ્ટ્રીનો વેપાર માત્ર ૦.૩૫ ટકા રહ્યો

 | 11:09 pm IST

સુરત, તા. ૨૧  

સોના-ચાંદીનો વેપાર કરનારા ઝવેરીઓના ચહેરા પરનું નૂર ઊડી ગયું છે. પાછલા છ મહિનામાં ગુજરાત સહિત દેશભરમાં ઝવેરીઓના વેપારમાં પાછલા વર્ષની સરખામણીએ ૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સુરતની વાત કરીએ તો માત્ર ૦.૩૫ ટકા જેટલો જ વેપાર રહ્યો છે. એક ગણતરી મુજબ પાછલા છ મહિનામાં સુરત શહેર-જિલ્લાના ૨૫૦૦ જેટલા ઝવેરીઓએ ભેગા મળીને પણ મહિને ૫ કરોડથી વધુના ઝવેરાત વેચ્યા નથી. આગામી વર્ષોમાં પણ ઝવેરાત ઉદ્યોગમાં વેપાર ઠંડો જ રહેવાની શક્યતા જોવાઈ રહી હોઈ ઝવેરીઓની ચિંતામાં વધારો થયો છે.   તાજેતરમાં ઈકરા (ઈન્ડિયન ક્રેડિટ રેટિંગ એજન્સી) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતીય ઝવેરાત ઉદ્યોગની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. પાછલા વર્ષમાં ભારતીય ઝવેરાત ઉદ્યોગે ૫થી ૬ ટકા જેટલો ગ્રોથ નોંધાવ્યો હતો, જેની સરખામણીએ ચાલુ વર્ષના પ્રથમ છ મહિના જૂન અંત સુધીમાં માત્ર ૩ ટકા જ ગ્રોથ જોવા મળ્યો છે. આગામી છ મહિનામાં પણ ગ્રોથ વધે તેવી શક્યતા જોવાતી નથી. ઈકરાના રિપોર્ટ મુજબ તો વર્ષ ૨૦૧૭થી આગામી ત્રણ વર્ષ સુધી ૪ ટકા વધુ ગ્રોથ દેખાય તેવી સંભાવના નથી. દેશભરના મોટા જ્વેલર્સ સાથે ચર્ચા કર્યા બાદ ઈકરાએ રિપોર્ટ તૈયાર કર્યા હોવાનું નોંધ્યું છે.  શહેરના ઝવેરી વિકાસરાજ જુનેજા જણાવે છે કે, ગુજરાતના ઝવેરીઓનું ર્વાિષક ટર્નઓવર ૮૫૦ કરોડથી ૯૦૦ કરોડ માનવામાં આવે છે. ગુજરાતમાં પાછલા છ મહિનામાં માત્ર ૩ ટકાનો ગ્રોથ નોંધાયો છે. તે ગણતરી મુજબ સુરત શહેર-જિલ્લાના ૨૫૦૦ ઝવેરીઓનું મહિને અંદાજે ૭૫ કરોડનું ટર્નઓવર છે. પાછલા છ મહિનામાં ૦.૩૫ ટકા જ ગ્રોથ નોંધાયો છે. તે જોતાં સુરતના ઝવેરીઓ મહિને ૫ કરોડના પણ ઝવેરાત વેચ્યા નથી એવું માની શકાય.  રિપોર્ટ અનુસાર સોનાની ઊંચી કિંમત, બજારમાં પ્રવર્તતી મંદી અને નાણાભીડ, લગ્નસરાની નિરસ ખરીદી તથા ઝવેરાત ઉદ્યોગને એક્સાઈઝના દાયરામાં લેવાની કેન્દ્રની જાહેરાત બાદ ઉદ્યોગની સ્થિતિ વધુ કફોડી થઈ છે. ઝવેરીઓ દ્વારા સતત ૪૨ દિવસ સુધી હડતાળ પાડવાના લીધે દેશભરમાં વેપાર ઠપ રહ્યો હતો. હડતાળ સમેટાયા બાદ કોઈ સિઝન ન હોય હજુ સુધી વેપાર પાટે ચઢયો નથી. ઉપરાંત બે લાખથી વધુની ખરીદી પર પાનકાર્ડની જોગવાઈ પણ ઝવેરીઓને પરેશાન કરી રહી છે. ગ્રાહકો મોટી ખરીદી કરતા ગભરાઈ રહ્યા છે, જેની અસર વેપાર પર પડી છે. આ રિપોર્ટને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ પણ ખૂબ જ ચિંતાજનક જણાવ્યો છે. 

આઈઆઈજેએસના શો પર ઈન્ડસ્ટ્રીની મીટ  

આગામી મહિનામાં મુંબઈમાં આઈઆઈજેએસ-૨૦૧૬ શો યોજાવા જઈ રહ્યો છે. દેશ-વિદેશમાંથી આ શોમાં જ્વેલર્સ તથા બાયર્સ ભાગ લેતા હોઇ જ્વેલરી ઈન્ડસ્ટ્રી આ શો પર આશા રાખીને બેઠું છે.