પાટિયા- જીવનપુરા માઇનોર કેનાલ તૂટતાં પાણી આવતું નથી - Sandesh
  • Home
  • Baroda
  • પાટિયા- જીવનપુરા માઇનોર કેનાલ તૂટતાં પાણી આવતું નથી

પાટિયા- જીવનપુરા માઇનોર કેનાલ તૂટતાં પાણી આવતું નથી

 | 3:18 am IST

 

તંત્ર દ્વારા કેનાલની સફાઇ કરી પાણી છોડાય તેવી માગણી

કેનાલ પર ઝાડી ઝાંખરાની સફાઇ ન થતાં સિંચાઇની મુશ્કેલી

ા જબુગામ ા

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી ડેમ જિલ્લાની ૨૫ હજાર હેકટર જમીનને સિંચાઇ પુરી પાડીને ખેડૂતો માટે આશીર્વાદરૃપ સાબિત થયો છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી સુખી સિંચાઇની મોટાકાંટવાથી જબુગામ ડિસ્ટ્રિક્ટરીની નીકળતી પાટિયા, જીવનપુરા માઇનોર કેનાલમાં પાણી જ આવતુ નથી. આ વિસ્તારની કેનાલો તૂટેલી હાલતમાં છે એ ઝાડી ઝાંખરા ઉગી નીકળતા ખેડૂતોને સિંચાઇના પાણી મળતાં જ નથી. તંત્ર દ્વારા કેનાલોની સફાઇ કરાઇ નથી. ઝાડી ઝાંખરાના કારણે પાણી છેવાડાના વિસ્તારમાં પહોંચતુ નથી.

બોડેલી તાલુકાના મોટાકાંટવાથી જબુગામ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ સેગા, સિમળી, મોતીપુરા, ગોગડીયા, ડભેરાઇ, નાની બુમેડી, મોટી બુમેડી, પાટિયા, ગડોથ, જીવનપુરા ગામ પાસેથી પસાર થાય છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામોમાંથી પસાર થતી સુખી કેનાલના સ્થિત જોતાં અધિકારીઓની લાપરવાહી સામે આવી છે. કેનાલોની સાફ સફાઇ કરી ઝાડી ઝાંખરા દુર કરી સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસે કેનાલમાં પાણી છોડવા માટેની માગ આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા આ કેનાલોની હજી સુધી સફાઇ હાથ ધરાઇ નથી.

જબુગામ પંથકના આ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીમાં સિંચાઇના પાણી માટે કુવાનું પ્રમાણ નહીંવત હોવાથી વરસાદ કે કેનાલ પર જ ખેડૂતોને આધાર રાખવો પડે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સુખ સિંચાઇ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે હાલ સુખી સિંચાઇની કેનાલોમાં ઝાડી ઝાંખરાનો સામ્રજ્ય સાથે કેટલીક ઠેકાણે સ્ટ્રકચરો પણ તૂટી ગયા છે. જેના કારણે કેનાલોમાં છોડવામાં આવતુ પાણી છેવાડાના ખેડૂતોને મળતુ નથી.

ચાલુ વર્ષે વરસાદ ઓછો પડયો છે છતાં ગત વર્ષ કરતાં સુખી ડેમમાં પાણીની આવક વધુ છે. જેના લીધે પાકોને પણ પાણી મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ડેમમાં પાણીની આવક જોતાં ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સુખી સિંચાઇ ઔવિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતોને આગામી દિવસોમાં સુખીસિંચાઇના પાણીથી વંચિત રહેવુ પડે તેવુ જણાઇ રહ્યુ છે.

અધુરામાં પુરૃ મોટાકાંટવા પાસેથી પસાર થતી જબુગામ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના સ્ટ્રકચરની પાર્ટીશન દિવાલ પણ સાવ તૂટી ગઇ છે.આ કેનાલ મારફતે જબુગામ વિસ્તારના અનેક ગામોના ખેડૂતોને સિંચાઇ માટેના પાણી મળે તેમ નથી. જેના કારણે ખેડૂતોને આગામી દિવસોમાં ખેતીકામ છોડીને મજુરીકામ અર્થે જવુ પડે તેવી દહેશત સેવાઇ રહી છે.

જેથી સુખી સિંચાઇ વિભાગ દ્વારા કેનાલોની સત્વરે મરામ્મત કરાવી કેનાલના ઝાડી ઝાંખરા તાત્કાલિક સાફ કરાવે તેવી ખેડૂતોની માગ ઉઠવા પામી છે.

કેનાલની વર્ષોથી સાફ સફાઇ થઇ નથી

અમારી જબુગામ ડિસ્ટ્રબ્યુટરી કેનાલની કેટલાય વર્ષોથી સાફ સફાઇ થઇ નથી. નાળા કે કોઇ રિપેરિંગનું કામ કર્યું જ નથી. જેથી અમને પાણી મળતું જ નથી. ખરા સમયે પાણી વિના મોલ સુકાઇ જાય છે. અમારે હાલ ખેતરમાં પાણીની જરૃર છે પણ લાવવુ કયાંથી? પાણી છોડે તો પણ પાણી આવી શકે તેમ નથી. કેનાલ કેટલીક જગ્યાએ તૂટેલી છે. ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. એટલે પાણી અડધે જ વેડફાઇ જાય છે.

– અમરસીંગભાઇ રાઠવા, ખેડૂત, નાની બુમેડી

કેનાલમાં કચરૃ, ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે

કેનાલમાં કચરૃ અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. જેના લીદે અમને પાણી મળતુ નથી. પહેલા જીવનપુરા, જબુગામ પાણી પહોંચતુ હતું પણ હવે નહીં પહોંચે કારણ પાણી આગળ બહુ વેડફાઇ જાય છે.

– ગિરીશભાઇ રાઠવા, ખેડૂત, ગડોથ

;