પાતાળ-ખડકો દર વર્ષે કેટલા ખસે છે? - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS

પાતાળ-ખડકો દર વર્ષે કેટલા ખસે છે?

 | 1:00 am IST

વિજ્ઞાાનીઓએ પાતાળ-ખડકોની હિલચાલનો જે અભ્યાસ કર્યો એમાં તેમને દરેક ખંડની નીચે રહેલા પાતાળ-ખડકોની હિલચાલ વિશે જાણવા મળ્યું. છેલ્લા ૮૦ વર્ષની હિલચાલ તપાસીને તેમણે બારીકાઈથી બધી જ વિગતો મેળવી છે. ત્યારપછી કમ્પ્યૂટર ઉપર એ હિલચાલની બધી વિગતો નોંધી લીધી. પછી કમ્પ્યૂટરને ગણતરી કરવાની એક ફેર્મ્યુલા એટલે કે સમીકરણોની મસમોટી યાદી આપી. પછી કમ્પ્યૂટરોને કામ સોંપ્યું કે આ ખડકો આ ફેર્મ્યુલા પ્રમાણે ખસતા રહે તો એક હજાર વર્ષમાં, એક લાખ વર્ષમાં, એક કરોડ વર્ષમાં દરેક પાતાળ-ખડક કઈ દિશામાં કેટલી ઝડપે ખસતો જશે અને ક્યાં પહોંચશે? કમ્પ્યૂટરની મદદથી વિજ્ઞાાનીઓએ આગળ તથા પાછળ કયો પાતાળ-ખડક કઈ દિશામાં આગળ વધશે એનો સચોટ અંદાજ મેળવ્યો.

હેલીના ધૂમકેતુ વિશે તો આપણે જાણીએ જ છીએ. આજ જેવા આધુનિક સાધનો અને કમ્પ્યૂટરો નહોતા એ જમાનામાં હેલીએ એક ધૂમકેતુ એટલે કે પૂંછડિયા તારાને આકાશમાં જોયો. પછી રોજ રાત્રે એની જગ્યા અને પૂંછડીની દિશાની નોંધ કરવા માંડી. જ્યાં સુધી ધૂમકેતુ દેખાયો ત્યાં સુધી એનું સ્થાન અને એની પૂંછડીની દિશાની નોંધ કરતા રહ્યા. બારીકીથી આ વિગતો નોંધી લીધા પછી હેલીએ ધૂમકેતુની ચાલનો વળાંક કેવો છે એનું ચિત્ર બનાવ્યું. પછી એની ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કેટલું લાગતું હશે તથા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગતું હશે એની ગણતરી કરી. આ ગણતરીઓના આધારે હેલીએ એ ધૂમકેતુ આગળ શી રીતે કઈ દિશામાં જશે એની આકૃતિ તૈયાર કરી અને એની સ્પીડ કેટલી વધશે તથા કેટલી ઘટશે એની ગણતરી કરી લીધી. એ ગણતરીના આધારે હેલીએ કહ્યું, આ ધૂમકેતુ બરાબર ૭૪થી ૭૯ વર્ષમાં એનો લંબગોળ રસ્તો પૂરો કરીને ફ્રી દેખાશે. એડમન્ડ હેલી નામના આ વિજ્ઞાાનીએ ઈ.સ.૧૭૦૫માં ધૂમકેતુને માત્ર પોતાની આંખો વડે જોતા રહીને અને કાગળમાં એની નોંધ કરતા રહીને એનો આખો માર્ગ વિચારી લીધો હતો. પછી આગાહી કરી દીધી હતી કે હું તો કદાચ એ દ્રશ્ય જોવા જીવતો નહીં રહું, પરંતુ જે જે લોકો જીવતા હશે એ બધા જોઈ શકશે કે આ ધૂમકેતુ બરાબર ૭૪થી ૭૯ વર્ષ પછી ફ્રી આપણા આકાશમાં આવશે.

એડમન્ડ હેલીનું તો ઉંમરના કારણે અવસાન થઈ ગયું. પરંતુ એમની આગાહી પછી બરાબર ૭૬ વર્ષે ૧૭૮૧માં એ ધૂમકેતુ ફ્રી જોવા મળ્યો. એના આવવાની આટલી સચોટ આગાહી કરનાર વિજ્ઞાાની એડમન્ડ હેલીને બધા યાદ રાખે એ માટે ધૂમકેતુને એડમન્ડ હેલીનું નામ આપવામાં આવ્યું. એટલે જ આજે આપણે તેને હેલીના ધૂમકેતુ તરીકે ઓળખીએ છીએ. છેલ્લે હેલીનો ધૂમકેતુ ૧૯૮૬માં દેખાયો હતો અને હવે ફ્રીથી ૨૦૬૧માં દેખાશે એવો અંદાજ છે.

જે પદ્ધતિથી એડમન્ડ હેલીએ પોતાની નરી આંખે નિરીક્ષણ કરીને પોતાની બુદ્ધિથી હેલીનો ધૂમકેતુ કેટલા વળાંકમાં ગતિ કરશે અને કેટલા સમયમાં પાછો આવશે એની સચોટ ગણતરી કરી હતી એ જ પદ્ધતિથી આજના વિજ્ઞાાનીઓએ કમ્પ્યૂટરની મદદથી આપણી પૃથ્વી પર તરતા પાતાળ-ખડકોની ગતિની ગણતરી કરી છે. એમને જાણવા મળ્યું છે કે પાતાળ-ખડકો દર વર્ષે એક ઇંચ જેટલા ખસતા જાય છે. એ બધા કોઈને કોઈ દિશામાં ખસતા જ રહે છે. એમની નીચે ઉકળતો લાવા એમને આમ-તેમ ધકેલતો રહે છે.

પાતાળ-ખડકો એક વિરાટ ખંડ તરીકે બન્યા હતા છતાં લાવાના આ જોરના કારણે જ નીચેથી કોતરાતા રહીને તથા ઉપરથી ધોવાતા રહીને તૂટતા ગયા અને દરેક ટુકડો એકબીજાથી દૂર ખસતો ગયો. કમ્પ્યૂટરની મદદથી વિજ્ઞાાનીઓએ પાતાળ-ખડકોની હિલચાલનો નકશો બનાવ્યો તો ખબર પડી કે પાતાળ-ખડકો તૂટવાની આ ઘટના આજથી ૨૦ કરોડ વર્ષ પહેલાં શરૃ થઈ હતી. એમાંથી બધા પાતાળ-ખડકો ખસતાં ખસતાં એકબીજાથી આડેધડ દૂર જઈ રહ્યા છે. આમને આમ બીજા ૧૭ કરોડ વર્ષ ખસતા રહેશે તો બધા પાતાળ-ખડકો એકબીજા સાથે ફ્રી જોડાઈ જશે. અને ફ્રીથી એક વિરાટ ભૂમિખંડ બની જશે. પાતાળ-ખડકોની ગતિ વિશે આવતા શનિવારે વાત કરીશું.