પાદરા-જંબુસર હાઇવે પર સરદાર પટેલ માર્કેટના દબાણો હટાવાયા - Sandesh
  • Home
  • Baroda
  • પાદરા-જંબુસર હાઇવે પર સરદાર પટેલ માર્કેટના દબાણો હટાવાયા
 | 3:34 am IST

આખરે તંત્ર જાગ્યુંને પગલાં લેવાયા ઃ હંગામી દબાણો પર જેસીબી ફરી વળ્યું

થોડા દિવસ પહેલા દબાણો બાબતે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતોઃ કાચા પાકા મળી કુલ ૫૦ જેટલા દબાણો હટાવવામાં આવ્યા

પાદરા, તા.૨૦

પાદરા – જંબુસર હાઇવે રોડ પર સરદાર પટેલ શાકમાર્કેટ પાસે ગેરકાયદેસર લારી ગલ્લા પથારા સહિતના ૫૦ જેટલા દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવતા રહીશોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

પાદરા – જંબુસર હાઇવે પરના સરદાર પટેલ શાકમાર્કેટ ચાર રસ્તા પાસે ગેરકાયદેસર અડચણરૃપ લારીઓ વાળા દ્વારા આડેધડ લારીઓ ઉભી કરતા વારંવાર ટ્રાફીક થઇ જતો હોય છે. જેથી આ વિસ્તારના રહીશોને અવર જવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી.

જેના કારણે શનિવારની મોડી સાંજના રહીશો યુવાનો વિફર્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન વાહનોની કતારો લાગતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દબાણ કરતા લારી ગલ્લાઓને સોમવાર સુધીમાં ખસી જવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું.

વધુમાં આ લારીઓવાળા દ્વારા ફ્રુટ અને શાકભાજીનો કચરો પાછળ આવેલ વરસાદી કાંસમાં ફેકતા હોવાથી ગંદકીનું પણ સામ્રાજ્ય વધી ગયું હતું. મચ્છરોનો ત્રાસ વધતા આસપાસના રહીશોને રહેવું મુશ્કેલ બન્યું હતું.

આ અગાઉ બે વખત આંદોલનો કરવામાં આવ્યા હતા. વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. છતાં પણ પરિસ્થિતિમાં કોઇ ફેરફાર સત્તાધીશો દ્વારા કરવામાં આવતો ન હતો અને પરિણા શુન્ય આવતું હતું.

આ પ્રશ્ને શનિવારની સાંજે વિસ્તારના રહીશો યુવકો હાઇવે રોડ પર ઉતરી આવ્યા હતા. દબાણો દુર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

દરમિયાન દબાણકર્તાઓ લારી ગલ્લાવાળા સહિત સ્થાનિક રહીશો દ્વારા સામ સામે આક્ષેપ બાજી થવા પામી હતી. ભારે હોબાળો મચતા પોલીસ તેમજ પાદરા નગરપાલિકાના પ્રમુખ પરેશ ગાંધીને પણ ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી.

સ્થાનીક રહીશોનો મિજાજ જોઇ પરેશ ગાંધી સહિત નગરપાલિકા એકશનમાં આવી હતી. સોમવાર સુધીમાં દબાણકર્તાઓને ખસી જવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું.

છતાં પણ કેટલાક લારી ગલ્લા અને દબાણકર્તાઓએ દબાણ હટાવેલા નહીં જેના પગલે આજે બપોરના પાદરા નગર ચીફ ઓફિસર સ્ટાફના માણસો બે જેસીબી મશીનો સાથે સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ ૫૦ થી વધુ લારી ગલ્લા પથારાવાળા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા. પાદરા સરદાર માર્કેટના ચાર રસ્તા પાસેના દબાણો દુર કરવામાં આવતા અન્ય જગ્યાએ દબાણકર્તા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

એક તરફ પાલિકા દ્વારા દબાણ દુર કરવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ નાખેલા કચરો પાલિકાએ કાંસની સાફ સફાઇ તાત્કાલિક શરૃ કરી દીધી હતી. દરમિયાન લોકટોળા ઉમટી પડયા હતા. સ્થાનિક રહીશોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;