પાયાકોઈની શાળામાં કાણાવાળા પતરા, સડેલા લાકડાને કારણે જોખમ - Sandesh
  • Home
  • Newspaper
  • પાયાકોઈની શાળામાં કાણાવાળા પતરા, સડેલા લાકડાને કારણે જોખમ

પાયાકોઈની શાળામાં કાણાવાળા પતરા, સડેલા લાકડાને કારણે જોખમ

 | 3:13 am IST

ચોમાસામાં પાણી પડે, ઉનાળામાં પંખા વિના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની નોબત

નાયબ જિલ્લા શિક્ષણાધીકારીને રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય

લાકડુ સડી ગયું હોવાથી છત પરનો પંખો પણ ચલાવી શકાતો નથી

ા નસવાડી ા  

નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે ૫૦ વર્ષથી વધુ સમય પહેલા બનેલી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ના બાળકો અભ્યાસ કરે છે. પતરા બેસાડવા માટે લાકડાની કેચી બેસાડેલ છે તે પણ પતરા કાણા હોવાથી ચોમાસામાં વરસાદી પાણી પડે છે જેના લીધે કેચી સડી ગઈ છે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે.

નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે ધોરણ ૧ થી ૫ની શાળા આવેલી જેમાં ૯૦ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળામાં કુલ ૫ ઓરડા આવેલા છે. જેમાં ૩ ઓરડા જર્જરિત છે જેમાં શાળાના ૨ ઓરડા પતરા વાળા છે અને ૧ ઓરડો સ્લેબવાળો છે. આ ઓરડો ૧૯૫૪માં બનાવમાં આવ્યો હતો. જેથી ઓરડો ૫૦ વર્ષથી વધુ જુનો હોવાથી પતરા કટાઈ ગયા છે અને પતરામાં કાણા પડી ગયા છે. ઓરડામાંથી કેટલાક પતરા પણ નીકળી ગયા છે. ઓરડા જર્જરિત હોવાથી ચોમાસામાં વરસાદનું પાણી ઓરડામાં પડે છે, ત્યારે બાળકોને અભ્યાસ કરવું મુશ્કેલ બને છે. ઓરડાના છતના પતરા લગાવવા માટે લાકડાની કેચી પણ સડી ગઈ છે. આ લાકડા ઉપર છતનો પંખો લગાવામાં આવ્યો છે પરંતુ લાકડું સડી ગયુ હોવાથી પંખો ચલાવી શકાતો નથી. જેથી આગામી ગરમીની ઋતુમાં બાળકો મુશ્કેલીમાં મુકાશે. ચોમાસાની ઋતુમાં છતમાંથી પાણી પડે ત્યારે મુશ્કેલી પડે અને ઉનાળાની ઋતુ પંખા વિના મુશ્કેલી પડે એટલે બાળકો દરેક ઋતુમાં અભ્યાસ કરવા હેરાન પરેશાન થાય છે ઓરડામાં એક પાયો પણ તૂટી ગયો છે. જેથી ગ્રામજનો દ્વારા લાકડાનો ટેકો ઉભો કરવામાં આવ્યો છે. બે ઓરડામાં ધોરણ ૧ અને ૨ ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અને એક સ્લેબવાળો ઓરડામાં ધોરણ ૫ ના બાળકો અભ્યાસ કરે છે. શાળાના ઓરડા જર્જરિત હોવાથી શિક્ષકો પણ જીવના જોખમે અભ્યાસ કરાવે છે, નાના નાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર બન્યા છે, આ શાળાના નવા ઓરડા બનાવવા માટે શાળાના આચાર્યે દરખાસ્ત પણ મોકલી આપી છે અને ગામના સરપંચેે પણ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત પણ કરી છે. ગ્રામજનો ઘ્વારા ગ્રામસભામાં પણ આ રજુઆતો વારંવાર કરાઈ છે, છતાં આજ દિન સુધી નવા ઓરડા બનાવવાની મંજૂરી મળી નથી. વહેલી તકે આ શાળાના ઓરડા બનાવવાની મંજૂરી મળે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;