પિતૃઓના તર્પણ માટે ભારતમાં આવેલાં આ તીર્થસ્થાનોએ જઈને શ્રાદ્ધ કરો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • પિતૃઓના તર્પણ માટે ભારતમાં આવેલાં આ તીર્થસ્થાનોએ જઈને શ્રાદ્ધ કરો

પિતૃઓના તર્પણ માટે ભારતમાં આવેલાં આ તીર્થસ્થાનોએ જઈને શ્રાદ્ધ કરો

 | 12:30 am IST
  • Share

શું છે પિતૃદોષ?  

જન્મકુંડળીનું નવમું ઘર જેને પિતાના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન પિતાનાં સુખ, આયુષ્ય તથા સમૃદ્ધિનું કારક હોય છે સાથે વ્યક્તિનું ભાગ્ય, ઉન્નતિ અને ધર્મસંબંધી બાબતો જણાવે છે. સૂર્ય પિતાનો કારક ગ્રહ છે તથા વ્યક્તિની ઉન્નતિ વગેરે તેના પ્રભાવમાં આવતાં ક્ષેત્ર છે. સૂર્યની સાથે જો રાહુ જેવા પાપગ્રહ આવી જાય તો ગ્રહણ યોગ બને છે, તેથી વ્યક્તિને અનેક પ્રકારનાં કષ્ટો થાય છે. તેના ભાગ્યોદયમાં બાધા આવે છે. તેને કાર્યક્ષેત્રમાં પણ સંકટોનો સામનો કરવો પડે છે. એવું પણ માનવામાં આવે છે કે પૂર્વજન્મનાં પાપોના કારણે અથવા પિતૃઓના શાપને કારણે આ દોષ લાગે છે.

પિતૃદોષ નિવારણના ઉપાય

દરેક મહિનાની અમાસે એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી તથા વસ્ત્ર-દક્ષિણા ભેટ આપવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.  

પવિત્ર સ્થાન પર જઈને નારાયણ-નાગબલિની વિધિ કર્મકાંડી બ્રાહ્મણ પાસે કરાવવી જોઈએ.

દાદા, પિતા, કાકા, મોટાભાઈ વગેરેનો આદર કરવાથી, તેમનાં ચરણસ્પર્શ કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને પિતૃદોષ ઓછો થાય છે.

સૂર્ય એ પિતાનો કારક ગ્રહ છે, તેથી તેની સાનુકૂળતા મેળવવા માણેક રત્ન ધારણ કરવું.

સૂર્યોદયના સમયે સૂર્ય દેવતાને પ્રણામ કરી ગાયત્રી મંત્રનો જપ કરવાથી સૂર્ય બળવાન બને છે.

રાશિ અનુસાર પિતૃદોષના ઉપાયો

જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તમે તમારી રાશિ પ્રમાણે ઉપાયો કરી શકો છો. કેટલાક ઉપાયો આ પ્રમાણે છે.  

મેષ : પીપળાના વૃક્ષને સવારે જળ સીંચવું તથા સાંજે દીવો કરવો.

વૃષભ : નવદુર્ગાનું પૂજન કરો તથા કુંવારી કન્યાઓને ખીર ખવડાવવી.

મિથુન : ગરીબ કન્યાના વિવાહમાં કે તે બીમાર હોય ત્યારે યથાશક્તિ મદદ કરવી.

કર્ક : દૂધ તથા અડદમાંથી બનેલી વાનગીનું દાન કરવું.  

સિંહ : અન્ન અથવા પલંગનું દાન કરવું.  

કન્યા : શિવપૂજન કરવું અથવા ગીતાનો પાઠ કરવો.  

તુલા : સિંદૂર, તલ તેલ તથા અડદનું ગરીબને દાન કરવું.  

વૃિૃક : કમળનું ફૂલ તથા ગૂગળની આહુતિ આપીને હવન કરો.

ધન : કુળદેવતાની પૂજા-અર્ચના કરવી જોઈએ.

મકર : રુદ્ર પૂજન અથવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો.

કુંભ : પિતૃતર્પણ તથા ગીતાના પાઠ કરો.

મીન : ભગવાન ગણેશ, હનુમાનજી અથવા  તો પછી ભૈરવજીનો પાઠ કરો.

તર્પણ માટેનાં તીર્થ  

ભાદરવા વદ એકમથી અમાસ સુધીના સમયને પિતૃપક્ષ કે શ્રાદ્ધપક્ષ કહે છે. આ દિવસોમાં પિતૃઓની જે-તે તિથિએ પૂજા-તર્પણ કે તેમની શાંતિ માટે શક્ય તેટલી વિધિ કરવામાં આવે છે. ઘરે જ શ્રાદ્ધ કરી શકાય છે, પરંતુ તીર્થસ્થાનો પર જઈને શક્ય હોય તો તમે શ્રાદ્ધ કરી શકો છો. તીર્થસ્થાનો પર સવિધિ પિંડદાન તથા તર્પણ કરવા માટે પિતૃ ક્ષેત્રોને પુરાણો અનુસાર બોધિગયા, નાભિગયા અથવા વૈતરણી, પદગયા અથવા પીઠાપુર, માતૃગયા અથવા સિદ્ધપુર અને બદરીનાથ એમ પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

બોધિગયા  

બોધિગયા ખૂબ જ પ્રાચીન, પ્રસિદ્ધ, પવિત્ર તીર્થસ્થાન છે. જ્યાં પૂર્વજોનું પિંડદાન કરવામાં આવે છે. તે બિહાર રાજ્યમાં ફલ્ગુ નદીના કિનારે મગધ ક્ષેત્રમાં આવેલું છે. બોધિગયાને વિષ્ણુનગરી પણ કહે છે. અહીં અક્ષયવટ સ્થાન છે જ્યાં પિતૃઓ નિમિત્તે કરવામાં આવેલું દાન અક્ષય હોય છે. પિતૃગણ એવી આશા રાખતા હોય છે કે તેઓ ગયામાં પિંડદાન કરે અને પિતૃઋણમાંથી મુક્ત બને.

નાભિગયા અથવા વૈતરણી

ઓરિસા રાજ્યમાં વૈતરણી નદીના કિનારે જાજપુર ગામમાં નાભિગયા આવેલું છે. વૈતરણી નદી વિશે પુરાણોમાં કહેવાયું છે કે મૃત્યુ બાદ દરેક વ્યક્તિએ આ નદીને પાર કરવી જ પડે છે. જો વ્યક્તિએ પોતાના જીવનમાં શુભ કર્મ કર્યાં હોય તો તે આ નદીને સરળતાથી પાર કરી શકે છે. આ સ્થાન પર પિતૃતર્પણ, પૂજા કરીને આપણા પૂર્વજોને આ નદી પાર કરાવી શકીએ છીએ.

પદગયા અથવા પીઠાપુર

તમિલનાડુ રાજ્યમાં પીઠાપુરમાં રાજમંદિર સ્ટેશન પાસે આ સ્થાન આવેલું છે. અહીં પિતૃતર્પણની વિધિ કરાવવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે.

માતૃગયા અથવા સિદ્ધપુર

માતૃગયા (સિદ્ધપુર) ગુજરાત રાજ્યમાં મહેસાણા નજીક આવેલું છે. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે પોતાની માતાનું પિંડદાન અહીં કર્યું હતું. અહીંના બિંદુ સરોવરના કિનારે પિંડદાન તથા પૂજન કરવામાં આવે છે. આ સિવાય ભરૃચ પાસે આવેલા ચાણોદને પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.

બદરીનાથ

હિમાલયમાં બદરીનાથ નજીક એક શિલા આવેલી છે જેનું નામ બ્રહ્મકપાલી છે, એવું કહેવામાં આવે છે કે અહીં પિંડદાન તથા શ્રાદ્ધ કરવામાં આવે તો ફરી શ્રાદ્ધ કરવાની કોઈ જરૃરિયાત રહેતી નથી.

ઉપરોક્ત તીર્થસ્થાનો સિવાય ગૌતમ ઋષિની તપોભૂમિ ત્ર્યંબકેશ્વર, હરિદ્વાર, કાશીમાં પ્રયાગનો તટ, ઉત્તરાખંડમાં કેદારનાથ પાસે આવેલો હંસ કુંડ, ગુજરાતનાં ચાણોદ-કરનાળી, પ્રાચી (ગીર-સોમનાથ) તીર્થ પણ પિતૃ-તર્પણની વિધિ માટે શ્રેષ્ઠ ગણાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો