પુત્રીનો કસ્ટડી કેસઃ પિતાને ૩ મહિનાની જેલની સજા ફરમાવતી મુંબઇ હાઇ કોર્ટ - Sandesh
  • Home
  • Mumbai
  • પુત્રીનો કસ્ટડી કેસઃ પિતાને ૩ મહિનાની જેલની સજા ફરમાવતી મુંબઇ હાઇ કોર્ટ

પુત્રીનો કસ્ટડી કેસઃ પિતાને ૩ મહિનાની જેલની સજા ફરમાવતી મુંબઇ હાઇ કોર્ટ

 | 3:44 am IST

મુંબઇ, તા. ૧૯

એક અભૂતપૂર્વ કેસમાં મુંબઇ હાઇ કોર્ટે આઠ વર્ષની પુત્રીને અદાલતનો આદેશ હોવા છતાં તેની માતાને મળવા ન દેનાર બાન્દ્રાના એક રહેવાસીને ત્રણ વર્ષની સિવિલ કેદની સજા ફરમાવી છે અને દંડ પેટે રૃા.પાંચ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.  જસ્ટિસ રેખા સોન્દુરબાલ્દોતાએ શાહિદ પાલવકર (૪૨)ને અદાલતના આદેશના ઉલ્લંઘન બદલ દોષી ઠેરવ્યો હતો. પત્ની સમીરા (૩૧)ને ટપાલ દ્વારા તલાક આપનાર શાહિદે સમીરાને તેમની દીકરીને મળવા નહોતી દીધી એટલું જ નહીં તેના પૂર્વ સાળાએ તેમની પુત્રી પર જાતીય હુમલો કર્યો હોવાનો આરોપ મૂકી ફોજદારી ગનો નોંધાવ્યો હતો. જોકે, આ આરોપ પછી ખોટો પુરવાર થયો હતો.  

શાહિદેને ગેરલાયકપિતા ગણાવતા હાઇ કોર્ટે ફેમિલી કોર્ટ પુત્રીની કસ્ટડી અંગે અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી તેની કસ્ટડી સમીરાને સોંપવાનો આદેશ આપ્યો હતો. પુત્રી પિતા પાસે રહે તે તેણીના હિતમાં નથી. પિતાએ પુત્રીની કસ્ટડી માટે ખુદને ગેરલાક પુરવાર કર્યો છે. પુત્રીની કસ્ટડી તાકીદે માતાને સોંપવામાં આવે, એમ જસ્ટિસ સોન્દુરબાલ્દોતાએ જણાવ્યું હતું.

પિતાએ એક પુત્રીને તેની માતાને ઇરાદપૂર્વક મળવા દીધી નહોતી. માતા તેની પુત્રીને મળી શકે નહીં એટલા માટે આરોપીએ યોજના ઘડી હતી. પોતાની યોજનામાં દીકરીને હાથો બનાવતા પણ તે ખચકાયો નહોતો. આઠ વર્ષની પુત્રી પર જાતીય હુમલો થયો હોવાની ખોટી એફઆઇઆર નોંધાવી, માસૂમની પોલીસે પૂછપરછ કરી, નિવેદન નોંધ્યું અને તબીબી-કાનૂની પરીક્ષણ કરાવ્યું. આ બધી પ્રવૃત્તિઓની દીકરી પર શું અસર થશે તેનો લેશમાત્ર વિચાર તેણે કર્યો નહીં, એવું નિરીક્ષણ જજે કર્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે દુર્ભાગ્યે આ બધામાં તેની ખુદની માતાએ, બાળકીની દાદીમાએ તેને સાથ આપ્યો હતો.

શું છે પ્રકરણ?  

શાહિદ અને સમીરા (નામ બદલ્યાં છે)ના વર્ષ ૨૦૦૬માં નિકાહ (લગ્ન) થયાં હતાં અને એક વર્ષ પછી પુત્રીનો જન્મ થયો હતો. તેમનો લગ્નસંબંધ વણસ્યો હતો અને દંપતીએ ૨૦૦૯માં અલગ રહેવાનું શરૂ કર્યું હતું. પુત્રી સમીરા સાથે રહેતી હતી. સમીરાએ દાવો કર્યો છે કે ૨૦૧૧માં શાહિદે તેને ટપાલ દ્વારા તલાકનામુંમોકલાવી છૂટાછેડા આપ્યા હતા. પુત્રીની કસ્ટડી મેળવવા માટે શાહિદે કરેલી અરજી ફેમિલી કોર્ટે નામંજૂર કરી હતી. સમયાંતરે ૨૦૧૩માં દંપતી વચ્ચે કન્સેન્ટ ટર્મ ફાઇલ કરાઇ હતી અને પુત્રીની કસ્ટડી પિતાને અપાઇ હતી તથા માતાને વેકેશન અને બીજા ચોક્સ સમય દરમિયાન પુત્રીને મળવાની મંજૂરી અપાઇ હતી.

ફરિયાદ અને પ્રતિ-ફરિયાદનો દોર  

સમીરાએ અદાલતના આદેશના ઉલ્લંઘની ફરિયાદ કરતી અરજીમાં દાવો કર્યો હતો કે શાહિદે એક યા બીજા કારણસર તેને પુત્રીને મળવા નહોતી દીધી. શાહિદની માતાએ પણ એરલાઇનમાં કામ કરતા સમીરાના ભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેના એમ્પ્લોયરને પત્રો મોકલ્યા હતા. અદાલતના વિવિધ આદેશ છતાં પોતે બાળકીને મળી ન શકે એવો દરેક પ્રયાસ કરાયો હતો એવો દાવો સમીરાએ કર્યો હતો. છેવટે, ઓગસ્ટ ૨૦૧૪માં પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એકટ હેઠળ સમીરા અને તેના ભાઇ વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવાઇ હતી.  સપ્ટેમ્બર-૨૦૧૫માં બીજી ફરિયાદ નોંધાવાઇ હતી. પુત્રીનું તબીબી પરીક્ષણ કરાવાયું અને મેજિસ્ટ્રેટ સમક્ષ તેણીનું નિવેદન નોંધાયું. બાળકીએ મેજિસ્ટ્રેટ સમક્ષ આક્ષેપો નકારી કાઢયા અને કેસ ખોટો ગણાવી બંધ કરી દેવાયો.