પુરના પાણી ઓસરતા જામનગરમાં ઠેર-ઠેર તારાજીના દ્રષ્યો : લોકોએ વિસ્તારોમાં જાતે સફાઈ કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Jamnagar
 • પુરના પાણી ઓસરતા જામનગરમાં ઠેર-ઠેર તારાજીના દ્રષ્યો : લોકોએ વિસ્તારોમાં જાતે સફાઈ કરી

પુરના પાણી ઓસરતા જામનગરમાં ઠેર-ઠેર તારાજીના દ્રષ્યો : લોકોએ વિસ્તારોમાં જાતે સફાઈ કરી

 | 7:00 am IST
 • Share

 • જામનગરઃ જામનગરમાં પુરના પાણી ઓસર્યા બાદ શહેરના વોર્ડ નં.૪, ૧૦, ૧૧, ૧ર, ૧પના ડઝનબંધ વિસ્તારોમાં તારાજીના દ્રષ્યો સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાનું તંત્ર સવારથી બપોર સુધીમાં મુખ્યમંત્રીના આગમનની તૈયારીમાં પડી ગયું હોવાથી સંખ્યાબંધ વિસ્તારોમાં સવારે ૧૦ થી ૧ર સુધીમાં સફાઈ કામદારો ડોકાયા નથી. શહેરના ગઢની રાંગ વિસ્તારના ઘાંચીની ખડકી, પટણીવાડ,ધાંચીવાડ, ટીટાફળી, સૈયદફળી, વોર્ડ નં.૪ના કે.પી.શાહની વાડી, રામેશ્વરનગર પાછળના માટેલચોક, શિવમ સોસાયટી, નવાગામ ઘેડની મધુરમ, ઈન્દીરા, સોસાયટી, નાગેશ્વર કોલોની વિસ્તારની તમામ ગલીઓના મકાનોમાં પુરના પાણી ઘુસ્યા હતા. સામાન્ય પરિવારોના ઘરવખરીને ભારે નુકશાન પહોંચ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાંની ફરિયાદ છે કે, સફાઈ કામદારો ડોકાયા નથી. સફાઈ તંત્ર જાણે પડી ભાંગ્યું હોય તેવી હાલત હતી.
 • સ્મશાન પાછળના વિસ્તારમાં વાહનો તણાઈ આવ્યા ઃ રસ્તો નાશ પામ્યો
 • રંગમતી નદીના કાંઠે સ્મશાનની પાછળના વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી સોમવારે રાત્રે ઉતર્યા હતા. નદીના તાકતવર પ્રવાહમાં નદીના પટમાં પડેલા વાહનો રોડ ક્રોસ કરીને સામેના વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમ લત્તાવાસીઓ જણાવે છે. આ વિસ્તારના રોડનું સંપુર્ણ ધોવાણ થઈ ગયું છે.
 • નાગેશ્વર કોલોની વિસ્તારમાં કીચડનું સામ્રાજ્ય

રંગમતી નદીના સામા કાંઠે આવેલા નાગેશ્વર વિસ્તારમાં આવેલી કોલોનીઓની સંખ્યાબંધ ગલીઓમાં નદીના પાણી ઓસર્યા બાદ ભારે કીચડ પડી રહ્યો છે. જે ઉપાડવા મશીનરી કામે લાગે તો જ વિસ્તારમાં સફાઈ થાય તેમ છે. પરંતુ આ વિસ્તારમાં સફાઈનું કામ આજે શરુ થયું નથી.

 • સ્મશાન ખેદાન-મેદાન ઃ સફાઈ ચાલુ
 • જામનગરમાં નદી કાંઠે આવેલા આદર્શ સ્મશાનમાં પુરના પાણી ઘુસ્યા બાદ સ્મશાનમાં રહેલા લાકડાનો ૬૦ ટન જેટલો જથ્થો તણાઈ ગયો હતો. સ્મશાનની ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં પણ પાણી ઘુસી જતાં ભઠ્ઠીઓ ઠપ્પ થઈ હતી. બચેલા લાકડા પણ મોટી માત્રામાં પલળેલી અવસ્થામાં છે. સમાજ સેવક મહાવીરદળના સ્મશાન સંચાલકોએ સ્મશાનમાં માણસો અને જેસીબી કામે લગાડીને સફાઈનું અને વહેલાસર ભઠ્ઠી ચાલુ થાય તે માટે મરામતનું કામ શરુ કરાવ્યું છે.
 • ઘાંચીવાડમાં મકાનો તહેસ-નહેસ
  શહેરના ગઢની રાંગના ઘાંચીવાડમાં મોટી સંખ્યામાં માલધારીઓ રહે છે. જેના મકાનોને ભારે નુકશાની થવા પામી છે. વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોઈ જાતની સફાઈ કે અન્ય કામગીરી કરવામાં આવી ન હોવાથી આ વિસ્તારના લોકોએ જાતે સફાઈ શરુ કરી દીધી હતી.
 • કે.પી. શાહની વાડીમાં જાત મહેનત જીંદાબાદ
  જામનગરમાં રામેશ્વરનગર અને તેની પાછળના કે.પી.શાહની વાડી તરીકે ઓળખાતા વિવિધ સોસાયટીઓના વિસ્તારોમાં લોકોએ તંત્રની અપેક્ષા રાખ્યા વીના રાહ જોયા વગર ગલીઓની સફાઈ પોત પોતાના ભાગ પુરતી શરુ કરી દીધી હતી. શહેરની સંખ્યાબંધ ગલીઓમાં આવા દ્રષ્યો સર્જાયા હતા.
 • ગઢની રાંગ વિસ્તારમાં કોર્પોરેટરે ગાડું ખેંચ્યું
  શહેરના ગઢની રાંગના વિસ્તારોમાં સફાઈ કામદારો અને વાહનો માંગ્યા છતાં તંત્રએ ન ફાળવ્યાનો વિપક્ષી મહિલા કોર્પોરેટર જેનબબેન ખફીએ તંત્ર પર આક્ષેપ કર્યો હતો. તંત્રએ કચરો ઠાલવવા ગાડી ન ફાળવતાં લત્તાવાસીઓ અને કોર્પોરેટરે ગાડાનો મેળ કરીને કચરો ભરી ભરીને ડમ્પીંગ પોઈન્ટ પર ઠાલવ્યો હતો.
 • નાગમતી નદી પરનો બ્રીજ ક્ષતીગ્રસ્ત
  શહેરમાં રંગમતી અને નાગમતી બંન્ને નદીઓમાં પુરની સ્થિતિને કારણે જ્યાં આ બંન્ને નદીઓ મળે છે. તે સુભાષબ્રીજ પાસેના પુલમાં ભારે નુકશાની થઈ છે. જે વાહન વ્યવહાર માટે બંધ થયો છે. તંત્રએ જો કે, આ સ્થળે ચેતવણી સુચક પાટીયા મુકવાની તસ્દી પણ લીધી નથી. લોકો પોતાની મેળે પાછા જાય છે.
 • થાંભલો પડી જતાં માર્ગ બંધ
  નદીના કાંઠે-કાંઠે વ્હોરાના હજીરાથી ગુલાબનગર જવાના માર્ગે પુરના કારણે આખી દીવાલ તેમજ વિજ થાંભલો ધરાશાયી થઈ ગયા હતા. પરિણામે આ માર્ગ બંધ થયો હતો. લોકોને લાંબુ ફરીને જવું પડયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન