પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાફ્લા પર હુમલાના  ષડ્યંત્રમાં સપડાયેલા એક યુવાનની સનસનીખેજ દાસ્તાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાફ્લા પર હુમલાના  ષડ્યંત્રમાં સપડાયેલા એક યુવાનની સનસનીખેજ દાસ્તાન

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાફ્લા પર હુમલાના  ષડ્યંત્રમાં સપડાયેલા એક યુવાનની સનસનીખેજ દાસ્તાન

 | 12:30 am IST
  • Share

તારીખ ૨ જુલાઈ, ૨૦૦૯. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા શાલીમાર ગાર્ડન વિસ્તાર ખાતે માતા-પિતા સાથે રહેતો હોનહાર એમ.બી.એ યુવાન રણવીરસિંહ રાતની ટ્રેનમાં ઉત્તરાખંડના દહેરાદૂન જવા માટે ઘરેથી નીકળે છે. એણે ઘરે કહ્યું હોય છે કે દહેરાદૂનમાં એનો ઈન્ટરવ્યૂ છે. જતી વખતે માતા એને દહીં અને સાકર ખવરાવે છે. રણવીરસિંહ માતા-પિતાને પગે લાગે છે. માતા કહે છે, ”બેટા, મારા આશીર્વાદ છે. આ નોકરી તને જરૃર મળી જશે.”

પિતા પણ એને આશીર્વાદ આપતાં પૂછે છે, ”બેટા, તારી રિટર્ન ટિકિટ ક્યારની છે?”

”ચાર તારીખની રાતની છે પપ્પા!”

”અરે, પણ તારો ઈન્ટરવ્યૂ તો કાલે સવારે જ છે. તો પછી બે આખા દિવસ તું ત્યાં શું કરીશ?”

”પપ્પા, મારો એક ફ્રેન્ડ રામકુમાર ત્યાં રહે છે એને મળવાનું છે.”

”ઠીક છે!” માએ કહ્યું, ”પણ ધ્યાન રાખજે જમાનો બહુ ખરાબ છે. કોઈ અજાણ્યાનું ખાઈશ પણ નહીં અને મોઢેય ના લાગીશ. પહોંચીને તરત જ ફેન કરજે અને જલદી ઘરે આવતો રહેજે.”

તારીખ ૪ જુલાઈ,૨૦૦૯. સવારના સાત વાગ્યા હતા. રણવીરની માતા રસોડામાં બોલી રહી હતી, ”કહું છું. ગઈ કાલ સાંજથી આ છોકરાનો ફેન બંધ છે. તમે લગાડોને ફેન!” વાત ચાલતી હતી ત્યાં જ પાડોશમાં રહેતા શર્માજી દોડતાં રવિન્દ્ર પાલના ઘરમાં આવી ગયા. એમના હાથમાં છાપું હતું. તેમણે હાંફ્તાં હાંફ્તા કહ્યું, ”રવિન્દ્ર ગજબ થઈ ગયો. આ છાપું જો.”

રવિન્દ્ર પાલે છાપું હાથમાં લીધું. એટલી વારમાં તેમની પત્ની પણ બહાર આવી ગયાં હતાં. પહેલાં પાને એક મોટી તસવીર છપાયેલી હતી. એ તસવીરમાં જંગલમાં એક લાશ પડી હતી અને એની આસપાસ દોઢ ડઝન જેટલા પોલીસો ઊભા હતા. એ લાશ તેમના દીકરા રણવીરની હતી. તસવીર જોઈને માતા-પિતાની ચીસ નીકળી ગઈ. ઘરમાં રાડારાડ થઈ ગઈ. આડોશી-પાડોશીઓ દોડી આવ્યા. રણવીરનાં માતા-પિતાને માંડ માંડ શાંત પાડયાં.

રવિન્દ્ર પાલના હાથ-પગ ધ્રૂજી રહ્યાં હતા. એકનો એક દીકરો ખતમ થઈ ગયો હતો, પણ કારણ જાણવું જરૃરી હતું. તેમણે આંસુના પરદા આડેથી છાપાની હેડલાઈન વાંચી. ‘રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલા કાફ્લા પર હુમલો કરવાનું કાવતરું કરનાર એક બદમાશ ઠાર!’

સમાચાર વાંચીને તેમના પગતળેથી જમીન સરકી ગઈ. તેમણે તરત જ સમાચારની ડિટેઈલ વાંચવા માંડી. સમાચારમાં લખ્યું હતું કે, ‘૩ જુલાઈ, ૨૦૦૯. આજ રોજ દેશનાં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે આવેલા જોલી ગ્રાંટથી મસૂરી જવા રવાના થવાનાં હતાં. તે દરમિયાન તેમના રૃટનો સમગ્ર વિસ્તાર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. બપોરના સમયે ત્રણ યુવાનો બાઈક લઈને મોહિની રોડ પર ઊભા હતા. આરાધર ચોકી ઈન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટર જી.ડી.ભટ્ટે તેમની પૂછપરછ કરતાં એક યુવાન પાસેથી દેશી તમંચો બરામદ થયો. પોલીસે તરત જ કંટ્રોલરૃમને જાણ કરી. વધારે પૂછપરછ કરતાં એક યુવાને સબ ઈ. જી.ડી.ભટ્ટની રિવોલ્વર છીનવી લીધી અને ત્રણેય ભાગી છૂટયા. તરત જ ત્યાં ઊભેલા ચાર પોલીસ કોન્સ્ટેબલો અને સબ ઈ. જી.ડી. ભટ્ટે એમનો પીછો કર્યો, પણ ત્રણેય યુવાનો લાડપુરના જંગલમાં ગરક થઈ ગયા. પોલીસે જંગલ ખૂંદતા તરત જ તેમને એ યુવાનો દેખાયા. યુવાનોએ તરત જ ફયરિંગ કર્યું. સામે પોલીસે પણ ફયરિંગ કર્યું. એ વખતે બે યુવાનો છટકી ગયા અને એક યુવાન સાથે પોલીસનો આમનોસામનો થયો. ઈન્સ્પેક્ટરના કહેવાથી એક કોન્સ્ટેબલે તરત જ ઉત્તરાખંડ પોલીસ કંટ્રોલ રૃમ પર તાત્કાલિક મેસેજ મોકલ્યો કે લાડપુરના જંગલમાં એક બદમાશ સાથે ફયરિંગ થઈ રહ્યું છે, જલદી હથિયારબંધ કાફ્લો મોકલો. મેસેજ મળતા જ પોલીસનો મોટો કાફ્લો ત્યાં પહોંચી ગયો. યુવાનના માથે ખૂન સવાર હતું. એ આડેધડ ગોળીઓ ચલાવી રહ્યો હતો. આખરે પોલીસની એક ગોળી એને પણ વાગી અને મૃત્યુ પામ્યો. ઉત્તરાખંડના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે એ એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો યુવાન અને ભાગી છૂટેલા એના બદમાશ મિત્રો રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાફ્લા પર હુમલો કરવાના ઈરાદે જ તમંચો લઈને આવ્યા હતા. ઉત્તરાખંડ પોલીસે એ બદમાશનું એન્કાઉન્ટર કરીને દેશના રાષ્ટ્રપતિનો જીવ બચાવ્યો છે અને એના દોસ્તોને પણ પોલીસ શોધી રહી છે. આ યુવાન કોઈ આતંકવાદી સંગઠનનો છે કે પછી કોઈ સોપારી કિલર એ બધી તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. ઉત્તરાખંડના પોલીસ અધિકારીઓએ આ એન્કાઉન્ટર કરનારા પોલીસકર્મીઓનું સન્માન કરી તેમને શાબાશી આપી છે.”

સમાચારનો એક એક શબ્દ રણવીરસિંહના પિતાના હૈયામાં ભાલો બનીને ભોંકાઈ ગયો હતો. રણવીરસિંહની બહેન, માતા અને દાદીમા પોક મૂકીને રડતાં રડતાં કહેવા લાગ્યાં, ”મારો દીકરો આવો છે જ નહીં. નક્કી દાળમાં કંઈક કાળું છે. એ તો બિચારો નોકરીનો ઈન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો. એ આતંકવાદી કે બદમાશ નથી.”

આડોશી-પાડોશીઓમાં ચર્ચા થવા લાગી. જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ રણવીરસિંહનાં સગાં તેમના ઘરે આવતાં ગયાં. સૌ એનાં માતા-પિતાને આશ્વાસન આપતાં હતાં, પણ સવાલ તો બધાના દિમાગમાં હતો કે શું ખરેખર ભલોભોળો દેખાતો એમ.બી.એ સ્કોલર રણવીરસિંહ રાષ્ટ્રપતિ પર હુમલો કરવાનો હતો? શું ખરેખર એ આતંકવાદી હતો? સવાલ અનેક હતા, પણ જવાબો હજુ ભાવિના ગર્ભમાં કેદ હતા.

દીકરો ચાલ્યો ગયો હતો. એનાં માતા-પિતા અને કેટલાંક સગાં-વ્હાલાં અને દોસ્તો તાત્કાલિક દહેરાદૂન જવા રવાના થયા. તેઓ દહેરાદૂન પોલીસચોકીએ પહોંચ્યા અને પોલીસને જાણ કરી કે તેમનો દીકરો તો અહીં ઈન્ટરવ્યૂ આપવા માટે આવ્યો હતો. એ બદમાશ નથી. પોલીસે એમની કોઈ વાત સાંભળ્યા વિના કાઢી મૂકતાં કહ્યું, ”તમારો દીકરો આતંકી હતો. એ દેશ પર કલંક છે. આ ચિઠ્ઠી લઈ નીકળો અને મડદાઘરમાંથી તમારા દીકરાની લાશ લઈને ચાલ્યા જાઓ.”

રણવીરના પરિવારજનોને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા. પોલીસના વલણથી પરિવારજનો હેબતાઈ ગયા, પણ હાર ના માની. તેમણે પોલીસ સ્ટેશનની બહાર ધરણાં કર્યાં અને રોકકળ શરૃ કરી. જ્યાં સુધી રણવીરની લાશનું પોસ્ટમોર્ટમ ન થાય અને તેને ન્યાય ન મળે ત્યાં સુધી અહીંથી ખસવાની ના પાડી દીધી. પોલીસનું મગજ ફટી ગયું. પચ્ચીસ જેટલા પોલીસવાળા બહાર આવી ગયા અને તેમના પર બેરહેમીથી લાઠી વીંઝવા લાગ્યા. રણવીરનાં પિતા, માતા, બહેન અને સગાં વ્હાલાઓનાં કપાળ ફ્ૂટી ગયાં. રસ્તા આંસુઓ અને લોહીથી ભીંજાઈ ગયા, પણ પોલીસની લાઠી બંધ ન થઈ.

એ વખતે ત્યાં એક પ્રખ્યાત ચેનલનો પત્રકાર પણ ઊભો હતો. પોલીસના આ વર્તનથી એને પણ આંચકો લાગ્યો. એ રણવીરના પિતા પાસે ગયો અને કહ્યું, ”વડીલ, તમે બધા મારી સાથે ચાલો. આ રીતે ધરણાં કરવાથી ડંડા સિવાય કશું નહીં મળે. મને તમે સાચી માહિતી આપો. હું એને મીડિયામાં રજૂ કરીશ. પછી આ પોલીસ દોડતી તમારી પાસે આવશે.”

પરિવારજનો પત્રકાર સાથે ગયા અને સાચી હકીકત કહીને પુરાવા આપ્યા. પત્રકારને પણ પોલીસની કાર્યવાહી પર શંકા ગઈ હતી. આથી એણે વધારે તપાસ કરી. રણવીર જ્યાં ઈન્ટરવ્યૂ આપવા માટે આવ્યો હતો એ કંપની પર તપાસ કરી. એ લોકોએ પણ એ વાત સ્વીકારી. એ પછી રણવીરના દોસ્ત રામકુમારના ઘરે તપાસ થઈ. રામકુમાર તો એ વખતે ન મળ્યો, પણ પાડોશીઓએ રણવીરનો ફેટો જોઈ સ્વીકાર્યું એ ત્યાં ગયો હતો જરૃર.

પત્રકાર સમજી ગયો કે ભયંકર રમત રમાઈ રહી હતી. એ જ દિવસે ટીવી ચેનલમાં આ સમાચાર પ્રકાશિત થયા કે, ”પોલીસ જેને બદમાશ અને આતંકી સંગઠનનો સાગરીત કહી રહી છે એ તો ગાઝિયાબાદના સંસ્કારી પરિવારનો એજ્યુકેટેડ દીકરો છે. એ દહેરાદૂનમાં ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. આ રહ્યાં એના પુરાવા. જો ખરેખર આ ગુનેગાર છે તો પોલીસ પોસ્ટમોર્ટમ વિના જ પરિવારજનોને લાશ સોંપવાનો પ્રયત્ન શા માટે કરી રહી છે?” પુરાવા સાથેની સ્ટોરી આવતા જ દહેરાદૂનમાં હડકંપ મચી ગયો. બીજા દિવસના છાપામાં પણ રણવીરના અસલી પુરાવા સાથે સમાચારો પ્રગટ થયા. એ દરમિયાન રણવીરના પરિવારજનો આ કેસની ન્યાયિક તપાસ માટે છેક સરકાર સુધી પહોંચી ગયા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા સીબીઆઈ તપાસની માંગ કરી.

સરકારને પણ દાળમાં કંઈ કાળું લાગતાં તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવ્યું અને તપાસ પોલીસ પાસેથી લઈને સીબીઆઈને સોંપી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ગણતરીના કલાકોમાં જ આવી ગયો અને જે આવ્યો તે હચમચાવી દેનારો હતો. રણવીરના શરીર પર કુલ ૨૨ ગોળીઓ વાગેલી હતી અને તેમાંથી ૧૭ તો સાવ નજીકથી મારેલી હતી. તેના શરીર પર ગંભીર ઈજાનાં ૧૮ નિશાન હતાં. જો ભાગંભાગીમાં ફયરિંગ થયું હતું તો આટલી બધી ગોળીઓ શરીરમાં કેવી રીતે લાગી અને એ પણ નજીકથી? શરીર પર મારનાં નિશાન કેવી રીતે આવ્યાં? આ પ્રશ્નોએ ઉત્તરાખંડ પોલીસને કઠેડામાં ખડી કરી દીધી. પોલીસ અધિકારીઓ પોતાની પોલ અને સાચી કહાની ખૂલી જવાના ડરથી થથરી ગયા. આ ઘટના પાછળ જે સાચી કહાની હતી એ હચમચાવી દેનારી હતી અને હવે જે થવાનું હતું એ ભારતવર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બનનારું હતું. એ સાચી કહાની શું હતી એ જાણીશું આવતા બુધવારે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન