પોખરાજ : કન્યાના લગ્નનો વિલંબ દૂર કરનાર રત્ન  - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • પોખરાજ : કન્યાના લગ્નનો વિલંબ દૂર કરનાર રત્ન 

પોખરાજ : કન્યાના લગ્નનો વિલંબ દૂર કરનાર રત્ન 

 | 12:30 am IST
  • Share

પોખરાજ ચાર વર્ષ, ત્રણ મહિના અને ૧૮ દિવસ સુધી સારો પ્રભાવ આપે છે. તે ગુરુ ગ્રહનું રત્ન છે. ગુરુ એટલે જ્ઞાાન, ગ્રહમંડળમાં અત્યંત શાંત, સૌમ્ય અને ધીમા ગ્રહ તરીકે દેવગુરુ બૃહસ્પતિનું સ્થાન છે. ગુરુ ખરેખર દેવસત્વનો ગ્રહ છે. તેને ખરાબ શું કહેવાય તેની જરા પણ જાણકારી નથી. ગુરુ બુદ્ધિમત્તાનો કારક છે. તે પોતે શુભ ગ્રહ હોવાથી બીજા કોઈ ગ્રહ સાથે તેની યુતિ થાય ત્યારે ગમે તેવા અનિષ્ટ ગ્રહની અશુભ તાકાત ઓછી કરાવવાનું સામર્થ્ય ગુરુમાં છે. કોઈ પણ શુભ કાર્યમાં ગુરુ પ્રથમ જોવામાં આવે છે.

ગુરુના રત્નને પોખરાજ કહેવાય છે. ભારતમાં પાંચ રંગના પોખરાજ વધુ મળે છેઃ ૧. હળદર જેવા રંગનો ૨. કેસર ઘોળ્યું હોય તેવા કેસરિયા વર્ણનો ૩. લીંબુની છાલના રંગ જેવો પીળો ૪. સોનાના જેવો સુવર્ણ અને ૫. સફેદ રંગનો. બજારમાં પોખરાજના ઉપરત્નો સોનલો, ગોલ્ડન ટોપાઝ, ગીલસન્ટ વગેરે મળે છે. શ્રીલંકા, બ્રાઝિલ, આસામ, બ્રિટન વગેરે જેવા દેશોમાં પોખરાજ મળે છે. 

પોખરાજ કોણે ધારણ કરવું?

જે વ્યક્તિની જન્મકુંડળીમાં પાંચમા, છઠ્ઠા, આઠમા કે બારમા સ્થાનનો માલિક ગુરુ હોય કે તે સ્થાનમાં પડયો હોય તેણે પોખરાજ રત્ન અચૂક પહેરવું.

જે વ્યક્તિની જન્મતારીખ ૩, ૧૨, ૨૧, ૩૦ હોય એવી વ્યક્તિએ પહેલી આંગળીમાં ૫ કેરેટનું શુદ્ધ પોખરાજ સોનામાં જડાવી પહેરવું.

મેષ લગ્નમાં ગુરુ નવમા અને બારમાનો અધિપતિ છે. નવમા સ્થાનમાં હોવાથી બારમા સ્થાનના અધિપતિ હોવાનો દોષ લાગતો નથી. આ જાતકો માટે પોખરાજ શુભ ફળદાયી બને છે.

ગુરુ સાતમા અને દસમા ભાવનો અધિપતિ કર્ક લગ્નમાં થાય તો આ જાતકો પોખરાજ ધારણ કરે તો સંતાન, જ્ઞાાન, ભાગ્ય, પુષ્કળ ધન અને અતિશય સુખ પ્રાપ્ત થાય છે. ગુરુની મહાદશામાં આ જાતકો પોખરાજ અને મોતી એક જ વીંટીમાં જડાવી ધારણ કરવું જોઈએ.

મીન લગ્ન માટે ગુરુ સ્વયં લગ્નેશ છે અને દસમા ભાવનો સ્વામી છે. માટે આવા જાતકોએ ભાગ્યેશ મંગળ રત્ન પરવાળા સાથે જો પોખરાજ ધારણ કરવામાં આવે તો અતિ ઉત્તમ કુળ પ્રાપ્ત થાય છે. જે કન્યાના લગ્ન થવામાં મુશ્કેલીઓ ઊભી થતી હોય અને કોઈ કારણથી લગ્નયોગ વિલંબનો હોય તો તેવી કન્યાએ તર્જની (પહેલી) આંગળીમાં પોખરાજ પહેરવો જોઈએ.

ગુરુ ગ્રહની કૃપાથી દુષ્ટ શક્તિ દૂર ભાગે છે. જે વ્યક્તિને નજર, બાધા કે ભૂતપિશાચ આ ત્રણનો યોગ સંભવે ત્યારે હેરાન-પરેશાન થાય છે. આવા સમયે પોખરાજ ધારણ કરવાથી ફાયદો થાય છે. જે ઘરમાં વાસ્તુદોષ હોય અને ઈશાન ખૂણામાં સંડાસ-બાથરૃમ હોય તેવા ઘરના માલિકે અવશ્ય પોખરાજ ધારણ કરવો.

પોખરાજ ધારણ કરવાની વિધિ

ગુરુવાર, ગુરુપુષ્ય યોગ, અમૃતસિદ્ધિયોગમાં સવારે સૂર્યોદયના સમયથી અગિયાર સુધીના સમયમાં સોનામાં જડાવેલ પોખરાજ તર્જની (પહેલી) આંગળીમાં ધારણ કરવું.

ઁ ગ્રાં ગ્રીં ગ્રાં સઃ ગુરવે નમઃ અથવા ઁ બૃં બૃહસ્પત્યૈ નમઃ મંત્રના ૭૬,૦૦૦ જપ કરીને પછી વીંટી ધારણ કરવી. 

પોખરાજની વીંટી ચાર વર્ષ, ત્રણ મહિના અને ૧૮ દિવસ સુધી સારો પ્રભાવ આપે છે. ત્યારબાદ ફરીથી મંત્રજાપ અને યજ્ઞા કરી તેને ધારણ કરવી. પોખરાજ ૪ કેરેટથી ૭ કેરેટ સુધી પહેરી શકાય.

જમણા હાથની તર્જની (પહેલી) આંગળીમાં ગુરુવારે જ વીંટી પહેરવી.

       – અમિત ખન્ના

ગુરુના અન્ય ઉપાયો

પાંચ ગુરુવાર શિવમંદિરમાં બુંદીના લાડુ ધરાવવાથી ગુરુ શુભ ફળ આપે છે.

સાત ગુરુવાર ઘોડાને ચણાની દાળ ખવડાવવી. 

પીળા વસ્ત્રો, ચણાની દાળ, મીઠાનું દાન કરવાથી ગુરુ પ્રસન્ન રહે છે.

ગુરુવારે એકટાણું કરવું, દૂધી-ચણાનું શાક ખાવું કે ચણાની વાનગી ખાવી.

મોજશોખ, વાસના પર નિયંત્રણ કરો.

પોલિયો, મૂત્રાશયના દર્દ, વાયુવિકાર, હાડકાંના દર્દ, કોઢ, દાહ, કમળો વગેરેમાં પોખરાજ રત્ન ઉત્તમ રહે છે.

ગુરુવારના દિવસે વહેતા પાણીમાં તેલ, બદામ, નારિયેળ પધરાવવું.

સોનું, પોખરાજ, કાંસાનું પાત્ર, ખાંડ, ઘી, ચણાની દાળ, હળદર, પુસ્તક વગેરેમાંથી કોઈ પણ વસ્તુનું દાન કરવું.

માથા પર હળદર અને કેસરનો ચાંલ્લો કરવો જોઈએ.

ઘરની સામે ખાડો હોય તો તેને માટીથી ભરી દેવો. ખાડો રહેવા દેવો નહીં.

ગુરુવારના દિવસે પીળા વસ્ત્રમાં એક કિલો ચણાની દાળ બાંધીને શિવમંદિરમાં દાન આપવાથી પ્રગતિ અને ઉન્નતિ થાય છે.

કુળગુરુ કે કુળપુરોહિતનાં આશીર્વાદ લેવાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો