પોલીસે દંડ વસૂલી ટાળી કાયદાનું પાલન કરાવ્યું - Sandesh
 • Home
 • Newspaper
 • પોલીસે દંડ વસૂલી ટાળી કાયદાનું પાલન કરાવ્યું

પોલીસે દંડ વસૂલી ટાળી કાયદાનું પાલન કરાવ્યું

 | 3:00 am IST

 • નવા મોટર વ્હિકલ એક્ટ ઃ ટ્રાફિક પોલીસની માનવીય અભિગમ સાથે કાર્યવાહી
 • કેટલીક જગ્યાએ ટ્રાફિકના નિયમો તોડનારને પોલીસે સમજાવી-ચેતવણી આપી છોડી દીધા   
  ા સુરત ા
  સમગ્ર રાજ્યમાં આજથી લાગુ પડેલા નવા મોટર વ્હિકલ એક્ટ મુજબ ટ્રાફિક પોલીસે દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, આ નવા કાયદાનું સખ્તાઇથી અમલીકરણ કરાવવાને બદલે પોલીસતંત્રએ લોકોને જાગૃત કરવાનો અભિગમ અપનાવ્યો હતો. પોલીસે કેટલીક જગ્યાએ ટ્રાફિકના નિયમો તોડનારા વાહનચાલકોને સમજાવી- ચેતવણી આપી છોડી દીધા હતા. આમ, શરૂઆતના દિવસોમાં ઢીલું વલણ દાખવ્યા બાદ પોલીસ સખ્તાઇથી કાર્યવાહી કરશે.
  કેન્દ્ર સરકારે નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ કર્યા બાદ રાજ્ય સરકારે આ નવા કાયદામાં ૨૧૫ જેટલા સુધારા કર્યા હતા અને આજરોજ તા. ૧૬ સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં આ સુધારા સાથે કાયદાનું અમલીકરણ શરૂ કરાયું હતું. નવા કાયદામાં તોતિંગ દંડની જોગવાઇ હોય પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ પણ વર્તાઇ રહ્યા હતા. જોકે, શહેર પોલીસે પહેલેથી જ નરમ વલણ અપનાવ્યું હતંુ. નવા કાયદાનું પાલન કરાવવાના નામે લોકો પર તૂટી પડવાને બદલે પોલીસે જાગૃત કરવાનો અભિગમ અપનાવ્યો હતો. ઇન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે પણ વાહનચાલકોને નવા કાયદાથી વાકેફ કરવા તથા જાગૃત કરવા પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના આપી હતી. જેથી આજે પહેલાં દિવસે ટ્રાફિક પોલીસે નવા કાયદા મુજબ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે હેલ્મેટ વગર, સીટબેલ્ટ વગર, ટ્રિપલ સવારી સહિતના નિયમોના ભંગ બદલ દંડ વસૂલ્યો પણ હતો. જોકે, એકંદરે પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરાનારા સામે ઢીલું વલણ દાખવ્યું હતું. પોલીસે લોકોેને નવા કાયદા અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો તો કેટલાંક વિસ્તારમાં પોલીસે લોકોને ફૂલ આપી સમજાવવા સાથે બીજી વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પકડાયો તો દંડનીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છોડી મૂક્યા હતા. આ રીતે શરૂઆતમાં ઢીલું વલણ દાખવ્યા બાદ પોલીસ નવા કાયદાનું સખ્તાઇથી અમલીકરણ કરાવશે.

  ટેમ્પોચાલકને પોલીસે ફટકારેલો ૫ હજારનો મેમો રદ કરાયો  
  ટ્રાફિકના નવા કાયદા મુજબ આજથી પોલીસે દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી. નવા કાયદામાં તોતિંગ દંડની જોગવાઇના ઊહાપોહ વચ્ચે આજે પહેલા દિવસે સોશિયલ મીડિયામાં ટ્રાફિક પોલીસનો એક મેમો વાયરલ થયો હતો. સહારાદરવાજા ખાતે પોલીસે એક આઈસર ટેમ્પો (નં.જીજેપ યુયુ ૭૮૮૬)ને અટકાવી ડ્રાઇવર પાસે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા. જોકે, ચાલક ગોવિંદ સુરેશ પટેલ (રહે. પારડી, સચિન) પાસે ટેમ્પોનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોય ફરજ પર હાજર પોલીસકર્મીએ મોટર વ્હિકલ એક્ટ કલમ ૧૯૨ મુજબ રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો હતો. ચાલક પાસે ૫ હજારનો દંડ વસૂલી સમાધાન શુલ્ક પાવતી આપી હતી. જે ૫ હજારનો મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, આ મેમો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા ટેમ્પોના ફિટનેસ સર્ટિફિકેટ માટે મેમો આપવાની સત્તા પોલીસ પાસે ન હોય પોલીસે ફટકારેલો આ મેમો રદ્દ કરાયો હતો અને ટેમ્પોચાલક ગોવિંદને બોલાવી પ હજાર પરત કરાયા હતા. ત્યારબાદ ટેમ્પો ડ્રાઇવરને કોર્ટનો મેમો આપવાની તજવીજ હાથ ધરાઇ હતી.

  ૭૦ ટકા ટુ વ્હિલર ચાલકો હેલ્મેટ પહેરતા થઇ ગયા
  નવા મોટર વ્હિકલ એક્ટમાં તોતિંગ દંડની જોગવાઇ હોય વાહનચાલકોમાં ફફડાટ ફેલાય ગયો હતો. નવા કાયદાના દંડના હેવોકને પગલે લોકો ટ્રાફિકના નિયમો પાળતા થઇ ગયા હતા. આજે શહેરના રસ્તાઓ પર ૭૦ ટકા ટુ વ્હિલર ચાલકો હેલ્મેટ સાથે જોવા મળ્યા હતા. જ્યારે હેલ્મેટ વગરના વાહનચાલકોએ રિક્ષા કે બસમાં જવાનું મુનાસીબ માન્યું હતંુ. આમ, જાગૃતિ કહો કે દંડથી બચવા લોકો સ્વૈચ્છિક રીતે ટ્રાફિકના નિયમો ફોલો કરતા થઇ ગયા છે.

  પોલીસકર્મીઓએ પણ નવા કાયદાનું પાલન કર્યુ   
  નવા કાયદા મુજબ લોકો સામે દંડનીય કાર્યવાહી કરતા પહેલાં ખુદ પોલીસ ડિપાર્ટમેન્ટને આ કાયદાનું સખ્તાઇથી પાલન કરવા તાકીદ કરાઇ હતી. ઇન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે એક પરિપત્ર જાહેર કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસકર્મીઓને ૧ હજારના દંડની સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી. જેથી આજે પહેલાં દિવસથી ટુ વ્હિલર ચલાવતા પોલીસકર્મીઓ હેલ્મેટ સાથે જોવાં મળ્યા હતા. મોટાભાગના પોલીસકર્મીઓએ હેલ્મેટ પહેરી ફરિયાદની કોઇ તક આપી ન હતી. પોલીસ મથકોની બહાર પણ પોલીસ કર્મચારીઓએ સાથી કર્મચારીઓના હેલ્મેટ ઉપરાંત વિવિધ ડોક્યુમેન્ટ્સ ચકાસી પોલીસ મથકમાં એન્ટ્રી આપી હતી.

  પહેલા દિવસે ૪૫૬ કેસમાં ૨.૧૧ લાખનો દંડ
  ટ્રાફિકના નવા કાયદા મુજબ આજથી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જે અંતર્ગત પહેલા દિવસે ટ્રાફિક શાખાના ચાર રિજિયનોમાં ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ ૪૫૬ વાહનચાલકો સામે કેસો કરી કુલ્લે રૂપિયા ૨.૧૧ લાખનો દંડ વસૂલવા સાથે ૨ વાહનો પણ જપ્ત કર્યા હતા. ૪ પૈકી રિજિયન ૧માં ૨૫૪ કેસ કરી ૧.૨૩ લાખનો દંડ, રિજિયન ૨માં ૮૬ કેસ કરી ૪૦,૮૦૦નો દંડ અને ૧ વાહન ડિટેઇન કરાયું હતંુ. રિજિયન ૩માં ૩૩ કેસ કરી ૧૬,૫૦૦નો દંડ અને રિજિયન-૪માં ૮૩ કેસ કરી ૩૦ હજારનો દંડ વસૂલી ૧ વાહન ડિટેઇન કરાયું હતું.

  દંડના નવા નિયમોમાં આરટીઓનું સોફ્ટવેર ગૂંચવાતા કામગીરી બંધ
  સુરતઃ  ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન બદલ ફટકારાયેલા મેમોની માંડવાળ ફી ભરવા આરટીઓ પહોંચેલા હજારો વાહનચાલકોએ સોમવારે ધમરધક્કો ખાવાનો વારો આવ્યો હતો. નવા નિયમના અમલીકરણ સાથે જ પહેલા દિવસે આરટીઓના સોફ્ટવેરમાં બદલાયેલા દંડના નિયમો અપડેટ તો થઇ ગયા હતા, પરંતુ વાહનમાલિક અને હંકારનાર અલગ અલગ હોય તેવા કિસ્સામાં ડબલ દંડ લેવો કે સિંગલ તે અંગે કોઇ જ સ્પષ્ટતા નહીં હોવાથી આરટીઓએ દંડ લેવાની કામગીરી બંધ રાખી હતી.  ટ્રાફિક નિયમના ભંગ બદલ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓનો મેમો પકડાવવામાં આવી છે. હવે વાહનચાલક આરટીઓમાં દંડની માંડવાળ ફી ભરવા માટે જાય છે, ત્યારે વાહન જે વ્યક્તિના નામે હોય અને વાહન હંકારતા જે વ્યક્તિ પકડાઇ તે બંને અલગ અલગ હોય તો તેવા કિસ્સામાં આરટીઓ ડબલ દંડ વસૂલે છે. પરંતુ સોમવારથી અમલી થયેલા દંડના નવા એમેન્ડમેન્ટમાં ડબલ દંડ લેવા મુદ્દે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આરટીઓના સોફ્ટવેરમાં નવા દંડ સંદર્ભના ફેરફાર અપડેટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ ડબલ દંડ વસૂલવા સંદર્ભે કોઇ જ જોગવાઇ કરવામાં આવી નથી. દરમિયાન દંડ ડબલ લેવો કે સિંગલ લેવો તેમજ જૂનો મેમો હોય તો તેવા કિસ્સામાં નવા દંડની જોગવાઇ પ્રમાણે દંડ લેવો કે જૂના પ્રમાણે તે અંગે પણ કોઇ સ્પષ્ટતા નહીં હોવાથી સુરત આરટીઓમાં દંડ લેવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી. જેને કારણે હજારો વાહનચાલકોએ આરટીઓના ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો.   જોકે, સોમવાર સાંજ સુધી વડી કચેરીથી દંડ વસૂલવા બાબતે કોઇ સ્પષ્ટ સૂચના નહીં મળતાં સુરત આરટીઓમાં મંગળવારથી જૂની પ્રથા પ્રમાણે ડબલ દંડ લઇ મેમોની માંડવાળી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;