પોલીસ ભાઈલોગને મિટાવી દે પણ અહીં તો પોલીસે ભાઈ બનાવી લીધો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • પોલીસ ભાઈલોગને મિટાવી દે પણ અહીં તો પોલીસે ભાઈ બનાવી લીધો

પોલીસ ભાઈલોગને મિટાવી દે પણ અહીં તો પોલીસે ભાઈ બનાવી લીધો

 | 3:00 am IST
  • Share

એક સમાચાર વાંચવામાં આવ્યા કે એક ગામમાં બધા માથું ખંજવાળવા લાગ્યા. શું એ ગામમાં બધાને માથામાં જૂ કે લીખો પડી હશે? કે પછી બધાને ખોડો થયો હશે? આમ સામૂહિક ‘માથું ખંજવાળ’ પ્રોગ્રામ કેમ રાખ્યો હશે?

કદાચ માણસ કાંઈ ભૂલી જાય તો માથું ખંજવાળે એટલે આમ તો મગજને ઠપકારે છે. પાવર આઘો-પાછો થાય ને જૂના મોડેલના રેડિયાને ઠપકારવો પડેને આ તેવું! પાવરનું કનેક્શન મગજ સાથે જોડાય ને કદાચ મગજની સરકિટ ચાલુ થાય! પણ એ તો એકલદોકલ માથું ખંજવાળવાની પ્રક્રિયા થઈ. પણ અહીં તો આખું ગામ માથું ખંજવાળવા લાગ્યું.

આ ગામમાં એવું બન્યું કે એક પરણેલી પત્ની (જોકે પત્ની હોય એટલે એ પરણેલી જ હોયને?) પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. પોલીસે બંનેને પકડયાં. પોલીસનું કામ છે અપરાધીને રિમાન્ડ પર લઈ તેમની સ્ટાઈલ પ્રમાણે થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપવાનું. ગામની પરણેતર ભાગી જાય એ નાના ગામ માટે રસપૂર્વકની કલંક રૂપ ઘટના ગણાય. સાલુ, આપણા ગામમાં આવી ઘટના બને? આવો અફસોસ વ્યક્ત કરતાં કરતાં મૂળ ઘટનાના રસનું તેઓ કલ્પનાયાન કરતા હતા. પોલીસ બંનેને ઝૂડશે. ઢૂંસ કાઢી નાખશે. છોકરાનાં તો છોતરાં કાઢી નાખવાં જોઈએ. એવો મારવો જોઈએ કે બીજી વાર ગામમાં કોઈ આવી હિંમત ન કરી શકે. જોકે પોલીસ સુધી આવા અનુભવી વૃદ્ધોના અભિપ્રાયો પહોંચ્યા નહીં ને મારાવાલા પોલીસે એક નવો જ મનોવૈજ્ઞાાનિક પ્રયોગ કર્યો ત્યારે બધાં મનોકલ્પનો હડૂડૂહુસ કરતાં તૂટી પડયાં ને બધા માથું ખણવા લાગ્યા. દિલીપ રોયનું એક પુસ્તક છે ‘ચમત્કારો હજુ પણ બને છે.’ પોલીસે ચમત્કાર કર્યો. તેના અમને મળેલા અહેવાલ મુજબ પોલીસે પેલી પરણેતરને પૂછયું, ‘તું આ છોકરા સાથે કેમ ભાગી ગઈ?’

બાઈએ જવાબ આપ્યો કે- ‘તે મારો પ્રેમી છે.’

‘તો, તારા પતિ શું છે?’

‘એ પતિ છે, પ્રેમી નથી.’

બાઈનો જે પતિ હતો તે તેનો પ્રેમી ન હતો અને જે પ્રેમી હતો તે પતિ ન હતો. બાઈએ વિચાર્યું કે પ્રેમી અને પતિનો સમન્વય કેવી રીતે થાય? પતિ પ્રેમી થઈ શકે તેમ ન હતો; પણ પ્રેમીના પતિ બનવાના ચાન્સ ઉજળા હતા. એટલે અધ્યાત્મની ભાષામાં કહીએ તો દ્વૈતમાંથી અદ્વૈત તરફ જવા માટે બાઈએ આ સાહસિક પગલું ઉઠાવ્યું હતું. પહેલાં છાનું-છાનું વિશિષ્ટ રીતે અદ્વૈત ચાલતું હતું; પણ તેના કરતાં શુદ્ધ અદ્વૈત જ શું ખોટું? પોલીસ અધિકારી દર્શનના ઉચ્ચ અભ્યાસી હતા. તેઓ પ્રેમની આ ભાવનાને સમજી ગયા. તેમણે બાઈને પૂછયું- ‘તારે તો શુદ્ધ પ્રેમ જ જોઈએ છેને?’

‘હા, મારે તો પ્રેમ જ જોઈએ છીએ.’ પેલા યુવાનને પૂછયું, ‘તારે શું જોઈએ છે?’ ‘આ બાઈનો પ્રેમ જોઈએ છે.”તમારો બંનેનો પ્રેમ જળવાઈ રહે. સામાજિક ભાવના અને સાંસ્કૃતિક વિચારધારા પણ જળવાય તેવો હું પ્રબંધ કરું છું. તેમાં તમે બંને મને સાથ આપશોને? પેલાં બંને ખુશ થઈ ગયાં. આ પોલીસ અધિકારી આપણા પ્રેમની કદર કરે છે. પોલીસ અધિકારીએ એક રાખડી મંગાવી ને પેલી પરણેલી સ્ત્રીને કહ્યું-‘આ રાખડી તું આ યુવાનને બાંધ?’ ‘હેં?’ યુવાન ડઘાઈ ગયો. પરણેતર પગને અંગૂઠે જમીન ખોતરવા લાગી. પરણેતરે પેલા પ્રેમીને રાખડી બાંધી. ચ્યવનપ્રાશ દ્વારા શરીરનો કાયાકલ્પ થાય છે, ફાર્મસીવાળા આવી જાહેરાતો આપતા હોય છે. કાયાકલ્પની તો ખબર નથી, પણ પોલીસે અહીં બંનેના ‘સંબંધનો કાયાકલ્પ’ કરી નાખ્યો!

પતિ બનવા નીકળેલા યુવાનને પોલીસે ભાઈ બનાવી દીધો. પોલીસ દ્વારા ઘણા ભાઈલોગ બન્યા છે; પણ પોલીસે ઘણાને ભાઈલોગ તરીકે મિટાવી પણ દીધા છે. પણ અહીં ભાઈ, દૂર ભાઈ બનવાની પ્રક્રિયા થઈ છે; તેવું અમારા ચકુભાઈનું માનવું છે. પોલીસે રાખડી દ્વારા યુવાન પાસેથી એક લાઇસન્સ પાછું ખેંચી લીધું છે. સ્ત્રીના પતિને પણ સંતોષ થાય કે ચલો, પ્રેમી હવે ભાઈના રોલમાં આવ્યો છે. પણ સમાજ આ માનવા તૈયાર નથી. ઘણા પોલીસ અધિકારીઓએ ગુનેગારના જીવનમાં પરિવર્તન લાવ્યું હોય તેવી ઘણી કથાઓ છે. સમાજના એક આગેવાને તો કહ્યું- ‘ઉપાડી ગયો, ભેગાં ફર્યાં. હવે રાખડી બાંધી ધૂળ ને રાખ!’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો