પ્લાસ્ટિક કચરાના નિકાલના નવા વિકલ્પોની ખોજ આવશ્યક છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પ્લાસ્ટિક કચરાના નિકાલના નવા વિકલ્પોની ખોજ આવશ્યક છે

પ્લાસ્ટિક કચરાના નિકાલના નવા વિકલ્પોની ખોજ આવશ્યક છે

 | 4:03 am IST
  • Share

  • ચિંતાનો વિષય : દુનિયાભરમાં પ્લાસ્ટિકનો જેટલો કચરો દરિયામાં જાય છે તેનો 60 ટકા કચરો ભારતનો હોય છે
  • દુનિયામાં પ્લાસ્ટિકનું ઉત્પાદન આજે 300 કરોડ ટનને આંબી ગયું છે. ઘટના અને ઘટન
  • સિંધુ નદીમાં 1,64,332 ટન ને બ્રહ્મપુત્ર-ગંગા થકી 72,845 ટન પ્લાસ્ટિક કચરો દરિયામાં જાય છે.

 

વિશ્વમાં વધતું જતું પ્લાસ્ટિક પ્રદૂષણ માનવજાત માટે ભારે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. વિશ્વમાં આજે 903 કરોડ ટન જેટલું પ્લાસ્ટિક છે. વ્યંગમાં કહેવાય છે કે, આટલા બધા પ્લાસ્ટિકથી 9 જેટલા એફિલ ટાવરનું નિર્માણ થઈ શકે. રોજ 1.3 કરોડ ટન પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં જાય છે. કુલ ઇંધણના 8 ટકા ઇંધણ પ્લાસ્ટિકના ઉત્પાદન પાછળ ખર્ચાય છે. માણસની રોજિંદી સગવડ માટે પ્લાસ્ટિકની શોધ થઈ હતી, પરંતુ દિનપ્રતિદિન તેના ઉપયોગ વધતો જતાં આજ પ્લાસ્ટિક હવે માનવી માટે ઉપકારકને બદલે અભિશાપરૂપ બની રહ્યું છે. તેના વધતા ઉપયોગથી જળ, જમીન ને હવા પ્રદૂષિત થવા લાગતાં દુનિયાભરમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ થકી નિયંત્રણો લાદવાની ફરજ પડી રહી છે.

દુનિયામાં પ્લાસ્ટિકનું ઉત્પાદન 1960ના અરસામાં 50 લાખ ટન હતું, જે આજે 300 કરોડ ટનને આંબી ગયું છે. વિશ્વમાં 12 અબજ ટન પ્લાસ્ટિકનો કચરો એકત્ર થયો છે. જેને પૂર્ણ રીતે સાફ કરતાં વર્ષો લાગશે. કેમ કે પ્રતિવર્ષ તે વધતો જવાનો છે. વિશ્વમાં પ્લાસ્ટિકના કુલ કચરાના માત્ર 9 ટકાનું જ રિસાઇકલિંગ થાય છે. બાકી કચરો જળ, જમીન કે હવાનું પ્રદૂષણ વધારીને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે. અમેરિકામાં પ્લાસ્ટિકનો વ્યક્તિદીઠ વપરાશ 109 કિલોગ્રામ છે. યુરોપમાં 75, ચીનમાં 38, બ્રાઝિલમાં 35 ને ભારતમાં 11 કિલોગ્રામ છે. આમ ભારતમાં પ્લાસ્ટિકનો વ્યક્તિદીઠ ઉપયોગ ઓછો છે પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વધુ ઉપયોગને કારણે પ્રદૂષણ ફેલાય છે. ભારતમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન 16 ટકાના દરે, ચીનમાં 10 ટકાના દરે ને બ્રિટનમાં 2.5 ટકાના દરે વધે છે. આમ ભારત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં આગળ છે.

ભારતમાં પ્રતિવર્ષ 56 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો બને છે. દુનિયાભરમાં પ્લાસ્ટિકનો જેટલો કચરો દરિયામાં જાય છે તેનો 60 ટકા કચરો ભારતનો હોય છે. ભારતમાં કુલ પ્લાસ્ટિક કચરાના 60 ટકાનું રિસાઇકલિંગ થાય છે. દિલ્હીમાં 690 ટન, ચેન્નાઇમાં 429 ટન, કોલકાતામાં 426 ટન ને મુંબઈમાં 408 ટન જેટલો પ્લાસ્ટિક કચરો જાહેરમાં ફેંકવામાં આવે છે. ભારતમાં દિલ્હી, ચેન્નાઇ, કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરૂ અને અમદાવાદ જેવા શહેરો દેશમાં પ્લાસ્ટિકનું સૌથી વધુ ઉત્પાદન કરતા શહેરો છે. ભારતમાં કુલ કચરાના માત્ર 8 ટકા જ પ્લાસ્ટિક જ કચરો છે. સિંધુ નદીમાં 1,64,332 ટન ને બ્રહ્મપુત્ર-ગંગા થકી 72,845 ટન પ્લાસ્ટિક કચરો દરિયામાં જાય છે ભારત વ્યક્તિદીઠ ઓછો પ્લાસ્ટિક વપરાશ ધરાવતો દેશ હોવા છતાં વિશ્વના સૌથી વધુ 12 પ્લાસ્ટિક પ્રદૂષિત દેશોમાં તેનો સમાવેશ થાય છે, જે ચિંતાજનક છે. ભારતના મુખ્ય શહેરો દૈનિક 26 હજાર ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે. ભારતમાં 70 ટકા પ્લાસ્ટિકની ચીજોનો ઉપયોગ કરીને જાહેરમાં ફેંકી દેવાય છે. આમ ભારતમાં 66 ટકા જેટલા પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન કેન્દ્ર ‘માણસનું ઘર’ છે. ભારતમાં પ્લાસ્ટિકનો વ્યક્તિદીઠ વપરાશ હાલમાં 11 કિલોગ્રામ છે જે 2022ના અંતે વધીને 20 કિલોગ્રામ થવાની સંભાવના છે. ભારતમાં 28 જેટલા રાજ્યો એવા છે કે, જ્યાં પૂર્ણરૂપથી યા આંશિકરૂપે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ ને કાનૂની નિયંત્રણો છે. જોકે તેનો કડક અમલ જોવા મળતો નથી. થોડા સમય માટે પ્લાસ્ટિકના ઉપયોગ સામે જાગૃતિ આવતાં કાગળ કે કપડાંની થેલીઓનું અભિયાન ચાલ્યું હતું પણ આજે શાકની લારીઓ પર પુનઃ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ધૂમ ઉપયોગ થઈ રહ્યો છે. ઝુંબેશને પરિણામે ચાના કપ ને પાણીના ગ્લાસમાં કાગળનો ઉપયોગ થયો છે. હોસ્પિટલ, ફૂડ, યાત્રા, પ્રવાસ, પર્યટન, કરિયાણાનો છૂટક વેપાર, શાકભાજી, ફળફળાદિ, નિકોટીન ને આલ્કોહોલ જેવામાં હજુય સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કાયદો હોવા છતાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

પ્લાસ્ટિકના ઉપયોગને બદલે કાચ, ધાતુઓ, શણ, કાપડ, પેપર, વાંસ ને પાંદડાંનો ઉપયોગ થઈ શકે છે જેનાથી ઓછું નુકસાન થાય છે. માત્ર પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ મૂકવાથી પ્રશ્ન ઉકેલાવાનો નથી પણ પ્રદૂષણ ફેલાવતા સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકીને તેના કડક અમલની જરૂર છે. પ્રતિબંધ મૂકતાં પહેલાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકની પૂર્ણયાદીને તેની વ્યાખ્યા કરવાની જરૂર છે.

પણજી, ત્રિચી, મૈસૂર, પંચગીની જેવા દેશના અનેક શહેરોએ સૂકા કચરાને પોતાની આવકનું સાધન વિવિધ સંશોધનો ને ઉપયોગ થકી બનાવ્યું છે. દુનિયામાં 39 ટકા  પ્લાસ્ટિક કચરાને જમીનમાં દાબી દેવાય છે ને 15 ટકા સળગાવી દેવાય છે. મોટાભાગનો દરિયામાં જાય છે. ભારતમા રોજનું 15 હજાર ટન પ્લાસ્ટિક કચરામાં જાય છે.

વિજ્ઞાાનીઓ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પેટ્રોલ, ડિટરજન્ટ, લુબ્રિકેટ ને સૌંદર્યના સાધનો બનાવવામાં કરવાનું પણ સંશોધનો કરીને સૂચવ્યું છે. ભારતીય વિજ્ઞાાનીઓએ દેહરાદૂનમાં પ્લાસ્ટિકના કચરામાંથી ડીઝલ બનાવવાની ટેક્નિક શોધી છે. 1 ટન પ્લાસ્ટિક કચરામાંથી 800 લિટર ડીઝલ બનાવી શકાય છે. કેરળ, તામિલનાડુ ને મહારાષ્ટ્રમાં આ રીતે ડીઝલ બનાવવાની પ્રક્રિયા શરૂ પણ થઈ ગઈ છે. 2016ના કચરા પ્રતિબંધ કાયદાનો કડક અમલ થાય તો પ્લાસ્ટિકનો કચરો ઘટી શકે. પ્લાસ્ટિકના કચરાને નિયંત્રિત કરવાનું કાર્ય માત્ર કાયદાનું કે સરકારનું નથી. સ્વૈચ્છિક સંસ્થાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ર્ધાિમક સંસ્થાઓ, વહીવટી તંત્ર, ન્યાય તંત્ર, મીડિયાઓની સહિયારી ભૂમિકા મહત્ત્વની છે. પ્લાસ્ટિકના ઉપયોગ સામે મજબૂત જન ઝુંબેશ ને જન જાગૃતિ અભિયાનની અત્યંત આવશ્યકતા છે. સાથે સાથે પ્લાસ્ટિકના કચરાના નિકાલના નવા વિકલ્પોની શોધ ને સંશોધનની પણ જરૂર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો