ફડણવીસે કોપર્ડી જતા આઠવલેને મુંબઇ એરપોર્ટથી પાછા વાળ્યા - Sandesh
  • Home
  • Mumbai
  • ફડણવીસે કોપર્ડી જતા આઠવલેને મુંબઇ એરપોર્ટથી પાછા વાળ્યા

ફડણવીસે કોપર્ડી જતા આઠવલેને મુંબઇ એરપોર્ટથી પાછા વાળ્યા

 | 3:24 am IST

મુંબઇ, તા.૨૩  

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક ફોન કોલના પગલે રામદાસ આઠવલેને તેમની કોપર્ડીની મુલાકાત રદ કરવી પડી હતી. કોપર્ડીની બળાત્કાર પીડિતાના પરિવારને મળવા માટે નીકળેલા આઠવલે મુંબઇ એરપોર્ટ પરથી જ પાછા ફર્યા હતા.  

તાજેતરમાં અહમદનગર જિલ્લાના કોપર્ડીમાં સગીરા પર બળાત્કાર કરીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ બનાવના પગલાં રાજ્યભરમાં પડયા છે. વિધાનસભાના ચોમાસું સત્રમાં પણ આ કેસની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પીડિતાના પરિવારને આશ્વાસન આપવા માટે આરપીઆઇના અધ્યક્ષ રામદાસ આઠવલે કોપર્ડી જવા માટે નીકળ્યા હતા.  

શુક્રવારે સવારે તેઓ મુંબઇ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ફડણવીસે તેમને ફોન કર્યો હતો. પીડિતાનો પરિવાર કોપર્ડી છોડીને બીજા વિસ્તારમાં ચાલ્યો ગયો છે તેમ જણાવતા ફડણવીસે તેમને કોપર્ડી જવાનું ટાળવા કહયું હતું.  જોકે આઠવલેના અંગત સૂત્રોના જણાવવા મુજબ કોપર્ડીમાં કાયદો વ્યવસ્થા જળવાય એ હેતુથી મુખ્યમંત્રીએ આઠવલેને મુલાકત રદ કરવા જણાવ્યું હતું.

પ્રકાશ આંબેડકરને પોલીસે કોપર્ડી જતા રોક્યા  

ભૂતપૂર્વ સાંસદ પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે પોલીસે તેમને કોપર્ડીમાં બળાત્કાર પીડિતાના પરિવારને મળવા જતા રોક્યા હતા. *અમારી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હું જ્યારે કોપર્ડી જઇ રહયો હતો, ત્યારે અડધે રસ્તે પહોંચ્યા બાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા ન હોવાનું જણાવીને કોપર્ડી ન જવાની અમને નોટિસ આપી હતી,*એમ તેમણે ઉમેર્યુ હતું. પોલીસ ઇન્સ્પેક્ટર સૌરભ ત્રિપાઠીએ ગામની સ્થિતિ તણાવગ્રસ્ત હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત આંબેડકર જો ગામમાં આવે તો તેના પર ટમેટાં અને ઇંડા ફેકવાની ગામવાસીઓની તૈયારી હોવાની આંબેડકરના કાર્યકર્તાઓને બાતમી મળી હતી.  દરમિયાન, એનસીપીના અધ્યક્ષ શરદ પવારે આ બાબતે હસ્તક્ષેપ કરીને જાતિવાદનો મુદ્દો ન ચગાવાય તેવી અપીલ કરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન