ફેસ ટુ ફેસ , બેસ્ટ ટુ વેસ્ટ:   દાસ્તાન-એ-શક્લ  - Sandesh
1.6M
1M
1.7M
APPS

ફેસ ટુ ફેસ , બેસ્ટ ટુ વેસ્ટ:   દાસ્તાન-એ-શક્લ 

 | 12:30 am IST
  • Share

તમે. હા તમે જ. તમે સવારે ઊઠો છો અને નજર સામે તમારી સપનાની રાણી દેખાઈ. એ તમારી પ્રેમિકા પણ બની ગઈ. તમે સ્વર્ગમાં મહાલવા લાગ્યા. તમે એ પ્રેમિકાની સાથે સાત સાત જનમનાં સપનાં જોવા લાગ્યા. એ પ્રેમિકાનો હાથ પકડીને એટલું બધું ચાલ્યા કે જાણે બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ ગઈ. તેની આંખોમાં આંખ નાખીને જોયું તો સાગર ઘૂઘવતા દેખાયા. તમે એમાં વહાણમાં બેસીને ન જાણે કેટલા બધા દૂર ચાલ્યા ગયા કે કોઈના હાથમાં ન આવ્યા. સાંજ સુધીમાં તો એવા માથાડૂબ પ્રેમમાં પડી ગયા કે જિંદગીનાં ભૂત-વર્તમાન-ભવિષ્યનું કાયમી સ્વચ્છતા અભિયાન થઈ ગયું. સાંજ પૂરી થવા આવી. ધીમે ધીમે રાત પડી. તમે ને તમારી પ્રેમિકા બંને એકલાં ઘરે પાછાં આવ્યાં. જિંદગીની છેલ્લી રાત હોય તો પણ મંજૂર- એવી અભૂતપૂર્વ રાત તમે બંનેએ પસાર કરી. સવારે ઊઠીને જોયું તો બાજુમાં કોઈ સ્ત્રી સૂતી હતી પણ આ કોણ? આ ચહેરો તો પહેલી વખત જોયો!

લયલા મજનૂ, હીર-રાંઝા, રોમિયો-જુલિયેટ, શિરીં-ફ્રહાદ, જેક-રોઝ, સલીમ-અનારકલી આ જેટલા પણ મહાન પ્રેમીઓની જોડ છેને, એ બધાના પ્રેમનું પાણી મપાઈ જાય જો પોતાના પ્રેમનો ચહેરો બદલાઈ જાય તો. પોતાના પ્રેમનો ચહેરો દરરોજ બદલાઈ જતો હોય તો કેટલા મહાન પ્રેમ છત્રીસ કલાક પણ ટકી શકે? ‘તારા દિલને પ્રેમ કરું છું, તારા આત્માને ચાહું છું’ – વાળો ઢોંગ પ્રેમની પ્રપોઝલ વખતે ગાઈવગાડીને કર્યો હતો તેનું પિપૂડું વાગી જાય. પ્રેમ રહી જાય કોરાણે અને મહાન પ્રેમી ચાલતી પકડે. ચહેરો જ માણસની ઓળખ છે. ચહેરા વિના તો માણસ ભગવાનને પણ નથી પૂજતો. નિરાકાર અને સર્વવ્યાપી ભગવાનને પણ પૂજાવું હોય તો એના કહેવાતા ભક્તોને એક ચહેરો દેખાડવો પડે છે. અહીં સંસારમાં તો જોયાનું સુખ ને જોયાનું દુઃખ છે ભાઈ. વધતા ઓછા અંશે શો-બિઝનેસ; પછી એ ધર્મ હોય કે સંબંધ. ફ્ેસની જ વેલ્યૂ.

વેલ, આ કોઈ કલ્પના નથી. આ બાયોલોજીની વિચિત્રતા પણ છે. રેર છે. પણ બેહદ રસપ્રદ છે. પ્રોસ્પેનોસિયા. સરળ શબ્દોમાં ફ્ેસ બ્લાઇન્ડનેસ. ચહેરા યાદ ન રહે. બાકી બધું જ યાદ રહે પણ ચહેરા યાદ ન રહે. મેરી એન સેહાર્ટ અને તેની એક દીકરી ઇવી પ્રિચાર્ડ. બંનેને ચહેરાઓ યાદ ન રહે. લાંબી ખોજ પછી માલૂમ પડયું કે મેરી ન્યુરોલોજિકલ ડિસઓર્ડરથી પીડાય છે. પાડોશી અજાણ્યો લાગે. કામ કરવા જાય ત્યાં બધા અજાણ્યા લાગે. અરે, ઘરે કામ કરવા આવતી હાઉસહોલ્ડ હેલ્પર રોજ નવી આવતી હોય એવું લાગે. નવા દોસ્તો ન બનાવી શકાય, કારણ કે બીજા દિવસે તો એ દોસ્તનો ચહેરો યાદ રહેવાનો નથી. રસ્તે ચાલતા કોઈ સાથે આંખ ન મિલાવી શકાય. જો કોઈ જાણીતું મળી જાય તો એ બંને મા-દીકરી તો ઓળખી શકવાનાં નથી. ટ્રેજેડી તો ત્યારે થાય જ્યારે ઘરનાં જ સગાં-સંબંધીને ઓળખી ન શકાય. બહારનો માણસ તો આ પ્રોબ્લેમ સમજવાનો નથી. કોઈને કારણ કહીએ તો બહાનાંબાજી લાગે. જિંદગી જીવવી અઘરી થઈ જાય. નજીકના માણસોને યાદ રાખવા તેના અવાજ, સુગંધ, કપડાં યાદ રાખવાં પડે.

દુનિયામાં પ્રલય લાવવો હોય તો કોઈ કોરોના જેવા વાઇરસ બનાવવાની જરૃર નથી. આ ચહેરા ભૂલવાની બીમારી ચેપી બની જાય અને આખી દુનિયા સરકસ બની જાય. બીજા જ દિવસે અડધોઅડધ પોતાનાં ઘર છોડી દે. જે ચહેરો ત્રીસ-પચાસ-સિત્તેર વર્ષ જોયો છે એ જ ચહેરો અત્યારે ગાયબ થઈ જાય અને ઘરમાં બધા જ નવા ચહેરા ફ્રતા દેખાય તો? માણસને કેટલો સમજાવીએ કે ફ્ક્ત ચહેરો બદલાયો છે માણસ નહીં. તે માનશે? કેટલા માનશે? ફ્ેસ વેલ્યૂ પર તો લાગણી, પ્રેમ, સંબંધ, ભરોસો, બિઝનેસ ટકેલા છે. માનવ સભ્યતાનો ઈતિહાસ ર્ડાિવનના સિદ્ધાંત ઉપર ઊભો હોય તો એના પાયામાં આ ફ્ેસ વેલ્યૂ છે. ચહેરો યાદ છે ત્યાં સુધી પોતીકા. ચહેરો ગયો તો ટાટા બાય બાય.

રેર જ જોવા મળતી એક બીમારી અને એના ઉપરથી કરેલું હાયપોથિસીસ શું સૂચવે છે? દયા, અનુકંપા, પ્રેરણા, ભાઈચારો, સહાનુભૂતિ, ભાવના, ઊર્િમઓ, સંવેગો, ક્ષોભ, સંતાપ, ગ્લાનિ, મનોભાવ આ બધા ચહેરાના ગુલામ છે. આખી જિંદગી જેની સેવા કરી હોય એ માણસ પળભરમાં છોડી દે એવું બને – જો ચહેરો ન ઓળખાય તો કે ચહેરો ન યાદ આવે તો. પ્રેમની કસમો-વાદો-મેસેજો બધું હવામાં ગૂલ. ડીપી ચેન્જડ? લવ ઓલસો ચેન્જ. માણસનું જ નહીં પણ વ્યક્તિત્વનું અસ્તિત્વ પણ પચ્ચીસ સેન્ટિમીટરનો પરિઘ ધરાવતા થોબડાનું ગુલામ છે. શાયરો કહે છે કે નકાબ ઊતરે એટલે માણસનો અસલી ચહેરો સામે આવે.

જોકે ઘણા પ્રેમવીરો-ભડવીરો ઈતિહાસમાં થઈ ગયા છે ને વર્તમાનમાં પણ છે. પત્નીને અલઝાઇમર થઈ ગયો હોય, પતિને ઓળખતી પણ ન હોય તો પણ પતિ સાથ ન છોડે. દીકરો ગાંડો હોય તો પણ મા એને આખી જિંદગી પાલવે. છે એવા ઘણા સવાયા મનુષ્યો જે થિયરોટિકલ સિદ્ધાંતોને અતિક્રમી ગયા છે. સાવ સાધારણ વેશમાં મહાનતાની સાબિતીઓ આપી છે. સંસાર ન છોડીને પણ સંતપણું સાબિત કર્યું હોય એવા ઘણા છે. કદાચ આવી વ્યક્તિઓએ જ વિશ્વાસ ટકાવી રાખ્યો છે. ભવિષ્ય માટેની આશા આવા બહાદુરો બરકરાર રાખે છે. હવા સાથે પ્રામાણિક રહેવા બહુ હિંમત જોઈએ અને તે બધામાં નથી હોતી. તમારા પ્રિયપાત્રનો ચહેરો બદલાઈ ગયો તો ક્યાં સુધી તે સંબંધ નિભાવી શકો? તમારો ચહેરો બદલાઈ જાય તો અરીસો વેરી બની જાય?  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન