બધા 'સંકલ્પ'ના ચમત્કાર છે - Sandesh

બધા ‘સંકલ્પ’ના ચમત્કાર છે

 | 12:40 am IST

જીવન ધ્યાન : ઓશો

એક સફળ માણસ અને નિષ્ફળ માણસમાં, એક શક્તિશાળી માણસ અને નબળા માણસમાં મુખ્યત્વે ફરક શેનો છે? તે મૂળ કયું તત્ત્વ છે, જે આ બંનેમાં આટલું મોટું અને તે પણ એક-બીજાથી વિરોધી અંતર પેદા કરી દે છે? જો આપણે ઓશોના ધ્યાનની વાત છોડી દઈએ, જે તેમના જીવનનો મુખ્ય સંદેશ છે, તો પછી તેનો જવાબ શું હશે – સંકલ્પ.સંકલ્પનું હોવુંઅને સંકલ્પનું ન હોવું‘, બસ, એના હોવા – ન હોવાથી જિંદગીમાં એટલો ફર્ક પડે છે.

આમ તો રજનીશ જે રીતે સંકલ્પની વ્યાખ્યા કરે છે તેના આધારે તેમનો આ સંકલ્પ ક્યાંકને ક્યાંક જઈને ધ્યાન સાથે જોડાઈ જ જાય છે, ખાસ કરીને ત્યારે તો સીધે-સીધો જોડાય છે, જ્યારે તેઓ એવું કહે છે કે, “સાધકનો અર્થ જ એ છે કે મન જે છે, તે હવે સંકલ્પમાં રૂપાંતરિત થઈ રહ્યું છે.જે મનને સાધી લે, તે સાધક, તે સાધુ. મન સધાય છે સંકલ્પથી, દૃઢ નિૃય કરી લેવાથી અને જેવું મન સધાઈ જાય છે, કે તરત જ ધ્યાનની યાત્રા શરૂ થઈ જાય છે, જે ઓશોની આખરી મંજિલ છે, લાસ્ટ ડેસ્ટિનેશન છે.

ઓશો સંકલ્પ વિશે કંઈ પણ બોલતાં પહેલાં મનની વાત કરે છે, કારણ કે તેમનું માનવું છે કે મનુષ્યનું જે જીવન છે, તે ખરેખર તેના મનનું જીવન જ હોય છે. જેનું મન જેવું હશે, તેવું જ તેનું જીવન હશે. આ મનને જ તે વ્યક્તિત્વનો આધાર માને છે. હવે સ્વાભાવિક છે કે જો આપણે કંઈક બનવું હોય, કંઈક કરવું હોય તો આપણા આ મનને આપણા હિસાબથી કામ કરાવવા માટે તૈયાર કરવું પડશે. આ તૈયારીની શરૂઆત સંકલ્પથી જ થાય છે. એટલા માટે તેમનું કહેવું છે કે, “મનના સંકલ્પની ખૂબ જ અદ્ભૂત સંભાવનાઓ છે. જે લોકો જિંદગીમાં હારે છે, તેમાં પરિસ્થિતિઓ ઓછી હોય છે, તેમના મનની હારવાની સ્વીકૃતિઓ વધારે હોય છે.જો આપણે રજનીશના સંપૂર્ણ જીવન-દર્શનના સંદર્ભમાં આ જ વાતને કહેવા માંગીએ, તો આપણને તે પોતે જ એક સુંદર વાક્ય આપે છે કે, “હકીકતમાં આપણી જે જીવન-ઊર્જા ફેલાયેલી છે, તે પણ સંકલ્પનું જ ફળ છે.  

આપણે બધા, આ સંપૂર્ણ પ્રકૃતિ, પછી તે જીવ હોય કે જડ હોય, ઊર્જાનાં સંઘનનનું જ પરિણામ છીએ. જ્યારે ઊર્જા એકઠી થઈ જાય છે, ત્યારે તે એક રૂપ લઈ લે છે અને આપણે તે રૂપને એક નામ આપી દીધંુ છે – ઝાડ, કૂતરો, માણસ, કીડી, નદી, વગેરે કંઈ પણ. આ ભારતીય દર્શન અને છેક ત્યાં સુધી કે આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાાનિકોનુું પણ માનવું છે કે સંપૂર્ણ જગત ઊર્જાની પૂંજી છે. ઊર્જાના સંદર્ભમાં સંકલ્પની ભૂમિકાને સમજવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. ઓશો કહે છે કે મનુષ્યનું આ આખું વ્યક્તિત્વ, પક્ષીઓનું, છોડનું, પ્રાણીઓનુું તેમના સંકલ્પોનું જ પરિણામ છે. આપણે જે ગંભીર સંકલ્પ કરીએ છીએ, આપણે તે જ થઈ જઈએ છીએ.ખરેખર આ વિચાર આપીને રજનીશે બૃહદારણ્યક ઉપનિષદમાં આપેલ વિચારનું સમર્થન કર્યું છે કે જે તમારી ગંભીર ઈચ્છા હોય છે, તમે તે જ થઈ જાવ છો.

કેવી રીતે પેદા કરવી સંકલ્પશક્તિ? એના વિશે ઓશોએ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કહી છે, જે ખૂબ જ વ્યાવહારિક છે તથા ર્ધાિમક પાખંડવાદની વિરુદ્ધ એક સૈદ્ધાંતિક વક્તવ્ય પણ. તેમનું માનવું છે કે માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પરંતુ દુનિયાના જેટલા પણ ધર્મ છે, તે બધા જ ધર્મોમાં જેટલી પણ સાધનાઓ છે, ભલે તે નાની હોય કે મોટી, તે બધાનો મુખ્ય ઉદ્દેશ છે – વ્યક્તિને સંકલ્પવાન બનાવવાની પૂર્વતૈયારી કરવાનો. દા.ત., એક માણસ એવો નિર્ણય લે કે હું આજે આખો દિવસ કાંઈ જ ખાઈશ નહીં, એટલે કે ઉપવાસ રાખીશ. તો મુખ્યત્વે ભૂખ્યા રહેવાથી તેને કોઈ પુણ્યની પ્રાપ્તિ થવાની નથી. એનાથી તેને કોઈ લાભ થશે નહીં. લાભ થશે તે સંકલ્પથી, જેને તે પૂરો કરે છે. ઉપવાસે રહેવાનો તેનો નિર્ણય જ્યારે પૂરો થઈ જશે, ત્યારે તેનો આત્મા એવું વિચારીને શક્તિવાન થઈ ઊઠશે કે હું આવું કરી શકું છું‘. આવી સ્થિતિમાં તેની અંદરની ઊર્જાનું ક્રિસ્ટલાઈઝેશનશરૂ થઈ જશે. તેની આ ઊર્જા તેનાં કાર્યો, તેનો અવાજ અને તેની દરેક ગતિવિધિઓમાં દેખાવા લાગશે. રજનીશ આ જ વાતને એકદમ સરળ રીતે સમજાવતાં કહે છે કે, “પ્રશ્ન એ છે કે તેણે જે નક્કી કર્યું, તેને પૂરું કરી રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ જે કંઈ પણ નક્કી કરે છે, તેને પૂરું કરી લે છે, ત્યારે તેની અંદરની ઊર્જા બળવાન થઈ જાય છે, તે આત્મવાન થવા લાગે છે.ખૂબ જ જોરદાર શબ્દ છે કે તે આત્મવાન થવા લાગે છે.આત્મા તો બધાંની પાસે હોય છે, પરંતુ આત્મવાન તો કોઈક જ હોય છે. સંકલ્પ લેનાર વ્યક્તિ ધીમે-ધીમે આત્મવાન થવા લાગે છે, તેની આત્માની શક્તિ જાગવા લાગે છે.

ઓશોએ એના વિશે એક ખૂબ જ વ્યાવહારિક વાત કહી છે. તેમની સલાહ એ છે કે લોકોએ શરૂઆતમાં ખૂબ જ નાના-નાના સંકલ્પ લેવા જોઈએ અને તેને કોઈપણ પરિસ્થિતિમાં પૂરા કરવા જોઈએ. આનાથી તેમની ઊર્જા એકઠી થતી જશે અને આ એકઠી થયેલી ઊર્જા તેમને મોટા-મોટા સંકલ્પ લેવામાં સક્ષમ બનાવી નાખશે. તેમણે આ નાના-નાના સંકલ્પોનાં ઉદાહરણ આપ્યાં છે.

ઉદાહરણ ઓશોના પોતાના જ શબ્દોમાં – નાનો એવો સંકલ્પ કે જ્યારે કોઈ ગુસ્સો કરશે, ત્યારે હું હસીશ. અને તમારા પર કરેલા પ્રત્યેક ક્રોધની એટલી ઉદ્ભુત કિંમત તમને મળી જશે કે તમે જેણે ગુસ્સો કર્યો, તેને ધન્યવાદ આપશો. એક નાનો એવો સંકલ્પ કે જ્યારે પણ કોઈ મારા પર ગુસ્સો કરશે, હું હસીશ, ભલે ગમે તે થઈ જાય. તમને પંદર દિવસ પછી જોવા મળશે કે તમે કોઈ બીજી વ્યક્તિ થઈ ગયા છો, તમારી ક્વોલિટી બદલાઈ ગઈ છે. તમે તે જ વ્યક્તિ નથી, જે પંદર દિવસ પહેલાં હતી. ખૂબ જ નાના એવા નિર્ણય કરો અને તેને જીવવાનો પ્રયત્ન કરો અને તે જીવવાના પ્રયત્નોથી ધીમે-ધીમે જ્યારે તમને એવો વિશ્વાસ થવા લાગે કે હવે હું કોઈ મોટો સંકલ્પ કરી શકું તેમ છું, તો થોડા મોટા સંકલ્પ કરો.  

અહીં રજનીશે જે એક ગેરસમજ તરફ સાવધાન કર્યા છે. આ ગેરસમજ નકારાત્મક સંકલ્પને લઈને છે. નકારાત્મક સંકલ્પ ભાગવાનો સંકલ્પ છે, પલાયન કરવાનો સંકલ્પ છે. એને સ્પષ્ટ કરવા માટે તેમણે વાઘનું ઉદાહરણ આપ્યું છે. વાઘ આવી રહ્યો છે. તેને આવતો જોઈને એક માણસ જ્યારે ભાગે છે અને ઝાડ પર ચડે છે, તો તે પણ સંકલ્પ કરે છે. પરંતુ આ સ્થિતિને આપણે એવી નહીં માનીએ કે તે માણસ સંકલ્પવાન બની જશે. આવું એટલા માટે, કારણકે તે ભાગી રહ્યો છે. આ પ્રકારના નિર્ણયોને ઓશોએ નેગેટિવ વિલકહ્યા છે. તેમના જ શબ્દોમાં – નકારાત્મક સંકલ્પનો કોઈ ફાયદો નથી. એ માણસ એનાથી પણ વધારે કમજોર આત્મા લઈને જન્મ લેશે. કારણ કે જ્યાં તેને સંકલ્પ જગાડવાનો અવસર મળ્યો હતો, ત્યાંથી જ તે ભાગી રહ્યો છે.

આચાર્ય રજનીશની આ વાત ખૂબ જ મહત્વની છે. સંકલ્પ વિશે કે સંકલ્પ માટે ક્ષણોની લાંબી શૃંખલા જોઈએ. જે તરત જ થઈ જાય, ક્ષણભરમાં જ પૂરી થઈ જાય, તે ઘટના સંકલ્પ ન કહેવાય. જ્યારે કોઈ ઝેર ખાઈને તથા નદીમાં ડૂબીને કે પહાડ પરથી કૂદીને મરવાનો નિર્ણય લે છે, તો આ ઘટના તો માત્ર ક્ષણભરમાં બનતી ઘટના છે. આમાં વધારે સમય લાગતો નથી. એટલા માટે એ સંકલ્પ નથી, પરંતુ જ્યારે કોઈ યોદ્ધો યુદ્ધના મેદાનમાં જવાનો સંકલ્પ કરે છે, જીવન સાથે લડવાનો સંકલ્પ કરે છે, તે એને નિભાવવામાં વધારે સમય લાગશે. આત્મવાન થવા માટે ક્ષણોની આવી જ લાંબી શૃંખલાની જરૂર હોય છે.  

હવે રજનીશ જીવન પર થોડી નજર ફેરવીએ. તમે તેમને નાનપણથી લઈને, જ્યારથી સમજદાર થઈ ગયા ત્યારથી લઈને છેક તેમના મૃત્યુ સુધી જુઓ તો તમે તેમને એક વિલક્ષણ સંકલ્પવાન વ્યક્તિ તરીકે જોઈ શકશો. આને જો તમે બોલચાલની ટીકાત્મક ભાષામાં કહેવા માંગો, તો કહી શકો કે જિદ્દી. સંકલ્પવાન હોવું અને જિદ્દી હોવું, જો તે જિદ્દ બરબાદ કરે તેવી નથી, તો ક્યાંક ને ક્યાંક એક જ છે.  

રજનીશ શરૂઆતથી લઈને અંત સુધી એક જિદ્દી વ્યક્તિ રહ્યા છે. તેમણે જે નક્કી કરી લીધું, તે નક્કી કરી લીધું. નક્કી કરી લીધું કે હાથી પર બેસીને સ્કૂલે જઈશ, તો તમારી શું મજાલ છે કે તમે તેમને એકના બે કરી શકો. નક્કી કરી લીધું કે નોકરી છોડવી છે, તો છીડી દીધી. એ બધું તો ઠીક, જો એવું નક્કી કરી લીધું કે બધી ડિગ્રીઓને સળગાવી દેવી છે, તો તેમને એવું કરવાથી પણ કોઈ રોકી શક્યું નહીં. આવી એક બે નહીં, પરંતુ સેંકડો હજારો ઘટનાઓ તેમના જીવનમાં બની છે. એની સંખ્યા એટલી વધારે છે કે ક્યારેક ક્યારેક તો એવું લાગવા લાગે છે કે રજનીશ ખરેખર આવી જ જિદ્દીપણાવાળી મનમાની ઘટનાઓના યોગનંુ નામ છે. એમાં કોઈ બેમત નથી કે જો રજનીશ જિદ્દી ન હોત, તો તે જે પ્રકારના પરિવારના સભ્ય હતા, એક સામાન્ય તથા સામાન્ય કરતા થોડું સારું જીવન જીવીને ચાલ્યા ગયા હોત. અને તેઓ જે કાંઈપણ કરીને ગયા, તે ન કરી શક્યા હોત. ઓશોના આ જિદ્દીપણાએ જ તેમને ખરી રીતે સંકલ્પવાન બનાવ્યા હતા.          

      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન