બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ. ૫૭ કરોડનો ભાવ ફેર જાહેર કરાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ. ૫૭ કરોડનો ભાવ ફેર જાહેર કરાયો

બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ. ૫૭ કરોડનો ભાવ ફેર જાહેર કરાયો

 | 2:30 am IST

૬૪મી સાધારણ સભામાં જાહેરાત ઃ ડિસેમ્બરમાં ખરીદ ભાવ રિવાઇઝ કરાશે

વર્ષાંતે જાહેર થયેલા ભાવ અનુસાર પ્રતિ કિલો ફેટ રૂ. ૬૮૫ ચુકવાયા

પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. ૧૦ વધારી રૂ. ૬૭૫ની જગ્યાએ રૂ. ૬૮૫ ચુકવાયો

ા વડોદરા ા

બરોડા ડેરીની આજે ૬૪મી સાધારણ સભા ડેરીના સભા હોલ ખાતે મળી હતી. જેમાં તાલુકા કક્ષાની મંડળીઓ તેમના તાલુકામાંથી જ ઓનલાઇન સભામાં જોડાઇ હતી. સભામાં મુખ્ય વર્ષ ૨૦૨૦૨૧ના હિસાબો તેમજ આગામી વર્ષ ૨૦૨૧૨૨ના અંદાજીત બજેટની દરખાસ્તને મંજુર કરવામાં આવી હતી. તેમજ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ રૂ. ૧૦નો એટલે કે રૂ. ૫૭ કરોડનો ભાવ ફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં આગામી ડિસેમ્બર મહિનામાં દૂધની આવક અને જાવક તેમજ મહામારીને ધ્યાને રાખી ભાવ પુનઃ રિવાઇઝ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.  

૨૬મી એપ્રીલ ૧૯૬૫માં સ્થપાયેલી બરોડા ડેરીની આજે ૬૪મી સાધારણ સભા મળી હતી. જેમાં નિયામક મંડળ દ્વારા કુલ ૧૨ એજન્ડા પર ચર્ચા બાદ સર્વાનુમત્તે તેને મંજુરી આપવામાં આવી હતી. તેની સાથે સાથે નિયામક મંડળ દ્વારા પ્રતિ કિલો ફેટ રૂ. ૧૦ એટલે કે, કુલ રૂ. ૫૭ કરોડનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૦૨૧ દરમિયાન ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટ રૂ. ૬૭૫ના ભાવે દૂધની ખરીદી કરવામાં આવી હતી. જે પૈકી રૂ. ૬૫૦ દૂધ ઉત્પાદકોને ચુકવી દેવાયા હતા. જે બાદ હવે, વધારાના રૂ. ૩૫ લેખે કુલ રૂ. ૫૭ કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવાશેડેરીની સાધારણ સભા પહેલા તાજેતરમાં જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા દૂધ ઉત્પાદકોને મળતા ભાવ ફેર સહિતના મુદ્દા પર સહાકાર મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. જે બાદ કેતન ઇનમદાર અને ડેરીના પ્રમુખ દિનેશ પટેલ (દિનુમામા) વચ્ચે છેડાયેલા વાક યુદ્ધનો અંત સમાધાનથી આવ્યો હતો. જેમાં ભાવફેરના મુદ્દે વિચારણા કરવાની પણ વાત થઇ હતી. જેની અસર આજે મળેલી બરોડા ડેરીની સભામાં જોવા મળી છે.  

 વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદકોને રૂ. ૭૧૧.૮૦ પ્રતિ કિલો ફેટ ચુકવાયા

વર્ષ ૨૦૨૦૨૧ દરમિયાન બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો પાસેથી પ્રતિ કિલો ફેટ રૂ. ૬૭૫ના ભાવે દૂધની ખરીદી કરવામાં આવી હતી. જેમાંથી રૂ. ૬૫૦ દૂધ ઉત્પાદકને ચુકવી દેવામાં આવતા હતા. જ્યારે બાકીના રૂ. ૨૫ અને રૂ. ૧૦ પ્રતિ કિલો ફેટ અનુસાર ભાવ ફેર મળી કુલ રૂ. ૩૫ હવે, ચુકવવામાં આવશે. આમ વર્ષ દરમિયાન પ્રતિ કિલો ફેટ રૂ. ૬૮૫ના ભાવે દૂધની ખરીદી કરવામાં આવી છે. જે અન્ય સંઘો કરતાં વધારે છે. પરંતુ વર્ષ દરમિયાન ખરીદેલા દૂધ અને ચુકવેલા નાણાના હિસાબો જાઇએ તો આંક તેથી વધારે છે. વર્ષ દરમિયાન ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને કુલ રૂ. ૯૦૪ કરોડ ચુકવવામાં આવ્યા છે. જેની સામે ૧.૨૭ કરોડ કિલો ફેટ દૂધની ખરીદી કરવામાં આવી છે. જે અનુસાર પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. ૭૧૧.૮૦ થાય છે.  

 ૨૦૨૦૨૧ના અંદાજપત્ર કરતાં ખર્ચ રૂ. ૨૬ કરોડ ઘટયો  

બરોડા ડેરીની ગત વર્ષની સાધારણ સભામાં રજૂ કરવામાં આવેલા ૨૦૨૦૨૧ના અંદાજપત્રમાં ખર્ચ રૂ. ૨૩૭ કરોડ થવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ દરમિયાન કરવામાં આવેલી કરકસરના પગલે અંદાજ કરતાં ખર્ચમાં રૂ. ૨૬ કરોડનો ઘટાડો થતાં નાણાકિય વર્ષ ૨૦૨૦૨૧નો કુલ ખર્ચ ૨૧૧ કરોડ થયો છે. જોકે, આગામી વર્ષ ૨૦૨૧૨૨નું અંદાજીત બજેટ કુલ રૂ. ૧૩૪૫ કરોડ આંકવામાં આવ્યું છે. જેમાં રૂ. ૨૭૦ કરોડ આસપાસ ખર્ચની ધારણા બાંધવામાં આવી છે.

          – દિનેશ પટેલ (દિનુમામા), પ્રમુખ, બરોડા ડેરી

 ૧૦૦ પૈસા આવકમાંથી ૮૮ પૈસા ઉત્પાદકોને ચુકવાય છે  

સામાન્ય રીતે સહાકારી સંઘોમાં ૧૦૦ પૈસાની આવક સામે ૮૦ પૈસા જેટલી રકમ તેના લાભાર્થીઓને ચુકવામાં આવે છે. પરંતુ બરોડા ડેરી દ્વારા તેના ખર્ચમાં કરકસર કરી તેમજ આવક વધારવામાં આવી રહી છે. જેથી નફાનું ધોરણ પણ વધી રહ્યું છે. જેથી વર્ષાંતે હિસાબો કરતાં બરોડા ડેરીની ૧૦૦ પૈસાની આવક સામે ૮૮ પૈસા દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવે છે.

 ઉત્પાદકોને નફામાં ભાગીદાર બનાવાય તો ટેક્સ ભરવો પડે  

બરોડા ડેરી સહિતના સહાકારી સંઘો માટે સરકાર દ્વારા ૨૦૦૫માં એક પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, ભાવ ફેરની રકમ વર્ષના અંતમ ચુકવવામાં આવે તો તે રકમ નફામાં ગણવામાં આવશે. જે રકમ પર સંઘે ૩૫ ટકા ટેક્સ ભરવો પડશે. જે ૩૫ ટકા ટેક્સની લાગત દૂધ ઉત્પાદકો પર ન આવે તે હેતુથી ભાવ ફેર વર્ષ દરમિયાન જ આપી દેવામાં આવતો હોય છે. એટલું જ નહીં ડેરીના નફામાં અને વિકાસમાં દૂધ ઉત્પાદકોનો સહાકાર જ અમારી મુડી છે. જેના પગલે જ ૧૦ વર્ષમાં ડેરીની મિલકતો રૂ. ૨૯.૭૩ કરોડથી વધીને રૂ. ૧૧૦.૪૮ કરોડ પહોંચી છે.       – જી. બી. સોલંકી, ઉપપ્રમુખ, બરોડા ડેરી  

 કોરોના કાળમાં અન્ય ડેરીના ખરીદ ભાવમાં ઘટાડો થયો  

કોરોના કાળમાં રાજ્યના અન્ય દૂધ ઉત્પાદક સંઘો દ્વારા દૂધની આવક ઘટતાં પ્રતિ કિલો ફેટના ભાવ ઘટાડીને રૂ. ૬૨૫થી રૂ. ૬૬૦ કરવામાં આવ્યા હતા. પરંતુ બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને નુકશાન ન થાય તે હેતુથી પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. ૬૭૫ જાળવી રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં હાલમાં બરોડા ડેરી સંપૂર્ણ પણે લોન વિના ચાલતી એક માત્ર ડેરી છે. તેમજ રાજ્યમાં ગાયના દૂધનો સૌથી ઉંચો સરેરાશ ભાવ રૂ. ૩૨.૩૩ પ્રતિ લિટર ચુકવવામાં આવે છે.  

  કર્મચારીના વારસદારોને રૂ. ૧૦ લાખની મૃત્યુ સહાય યોજના  

બરોડા ડેરીના નિયામક મંડળ દ્વારા મંડળીના પ્રમુખ, મંત્રીઓ તેમજ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે ઉપપ્રમુખ જી. બી. સોલંકીએ જણાવ્યંુ હતું કે, હાલની મહામારીના કપરા સમયમાં અનેક મંડળીના પ્રમુખ, મંત્રી અથવા કર્મચારીના અકાળે મૃત્યુ થયા છે. જેથી તેમના પરિવારને હિંમત આપવા તેમજ તેમના દુઃખમાં સહભાગી થવું નિયામક મંડળેની ફરજ છે. જેથી મંડળીના પ્રમુખ, મંત્રી કે કર્મચારીના અકાળે મૃત્યના કિસ્સામાં પરિવારજનો માટે મૃત્ય સહાય યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં પરિવારજનોને રૂ. ૧૦ લાખની સહાય આપવામાં આવશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;