બારડોલીમાં લોકઅપ તોડી ફરાર થયેલા બે ગુનેગાર પૈકીનો ૧ઝબ્બે - Sandesh
  • Home
  • Surat
  • બારડોલીમાં લોકઅપ તોડી ફરાર થયેલા બે ગુનેગાર પૈકીનો ૧ઝબ્બે

બારડોલીમાં લોકઅપ તોડી ફરાર થયેલા બે ગુનેગાર પૈકીનો ૧ઝબ્બે

 | 8:35 pm IST

ચેતન શિવા પરમારને એલસીબીએે વડોદરાથી દબોચી લાધો , રામ પ્રકાશ બિંદ પોલીસ પકડથી દૂર

બારડોલી, તા. રર

રાજ્યમાં ૧૮ એટીએમ તોડીને ૩૯ લાખની ચોરી કરનારી ગેંગના પકડાયેલા વડોદરાના બે અપરાધીઓ ૧૯મીએ બારડોલી પોલીસ સ્ટેશનની જેલનું તાળું તોડી ફરાર થઈ જવાના ચકચારી બનાવમાં એક આરોપીએ એલસીબીએ વડોદરાથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જોકે તેની સાથેનો અપરાધી પોલીસ ધરપકડથી હજી સુધી દૂર છે.

બારડોલીના ગાંધીરોડ પર આવેલા એસબીઆઈ એટીએમ મશીનને ગેસકટરથી કાપી ગત એપ્રિલમાં ૧૭.૩૧લાખની રોકડની ચોરી કરી જવાના ગુનામાં અમદાવાદ ડીસીબીએ પકડેલા બે અપરાધીઓ ચેતનશિવા પરમાર અને રામપ્રકાશ રામમુરત બિંદને બારડોલી પોલીસે ટ્રાન્સફર વોરન્ટ આધારે કબજો મેળવી ધરપકડ કરી ત્રણ દિવસના પોલીસ રીમાન્ડ કોર્ટમાંથી મેળવીને જેલમાં પૂર્યા હતા. આ બંને કુખ્યાત અપરાધીઓ ૧૯મીના રોજ વહેલી સવારે જેલની લોકઅપમાં મારેલી હાથકડી તોડી ભાગી છૂટયા હતા. આ બનાવમાં બારડોલીના બે પોલીસકર્મીને તાત્કાલિક અસરથી ડીએસપીએ સસ્પેન્ડ પણ કરી દીધા હતા. બે આરોપીઓ પોલીસ સ્ટેશનની જેલ તોડીને ભાગ્યાના બનાવથી પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી હતી. આથી અપરાધીઓને પકડવા માટે એલસીબી ઉપરાંત બારડોલી પોલીસ અને એસઓજીની અલગ-અલગ પાંંચ ટીમો તપાસમાં જોતરાય હતી. તેમાંથી એલસીબી ટીમે શુક્રવારે વહેલી સવારે વડોદરાથી જેલ તોડીને ભાગેલા આરોપી ચેતન શિવા પરમારને દબોચી લીધો હતો. વડોદરાથી પકડીને એલસીબી ચોકીએ લવાયેલા ચેતન શિવા પરમારે જેલ તોડીને ભાગવા પ્રકરણમાં પોલીસને હિસ્ટ્રી સમજાવી હતી.

પોલીસ મથકમાંથી બહાર નીકળી બાઈક ચોરી વડોદરા ભાગ્યા હતા

જેલ તોડીને ભાગેલા ચેતન શિવા પરમારે પોલીસની પૂછપરછમાં પોલીસને એવી હકીકત જણાવી હતી કે, ગત ૧૯મીની રાત્રે તેની સાથેના આરોપી રામપ્રકાશ રામમુરત બિંદે લોકઅપને મારેલી હાથકડીનું તાળું ખોલી નાખ્યું હતું અને સવારના મળસ્કે તેઓ બંને લોકઅપમાંથી નીકળી ભાગી ગયા હતા. પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા બાદ રામપ્રકાશે બારડોલીમાંથી મોટરસાઈકલની ચોરી કરી આ બંને વડોદરા તરફ ભાગ્યા હતા. જોકે ચોરેલી આ મોટરસાઈકલમાં પેટ્રોલ પૂરું થઈ જતાં કોસંબા નજીક આ મોટરસાઈકલ બિનવારસી હાલતમાં છોડી દીધી હતી. પોલીસે બારડોલીમાંથી ચોરાયેલી સીબીઝડે મોટર સાઈકલ (નં.જી.જે.૧૬ એ.ક્યુ.રર૯૬) કબજે કરી છે.

ફરાર રામપ્રકાશ બિંદની ૭૧ વાહન  અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી

પોલીસ ધરપકડથી દૂર રામપ્રકાશ રામમુરત બિંદ અગાઉ વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આશરે ૭૧ જેટલા વાહનચોરી અને ઘરફોડચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી છે. અગાઉ પણ તે જેલની લોકઅપનું તાળું તોડી ભાગી છૂટયો હતો. તેવી કબૂલાત ચેતન પરમારે પોલીસ સમક્ષ કરી છે. એલસીબીએ ચેતન પરમારે વધુ પુછપરછ માટે પોતાની કસ્ટડીમાં રાખી બારડોલી પોલીસને તેનો કબજો સોંપ્યો ન હતો.