બારડોલી પોલીસ ઊંઘતી રહી અને બે રીઢા અપરાધી લોકઅપ તોડીને ફરાર - Sandesh
  • Home
  • Surat
  • બારડોલી પોલીસ ઊંઘતી રહી અને બે રીઢા અપરાધી લોકઅપ તોડીને ફરાર

બારડોલી પોલીસ ઊંઘતી રહી અને બે રીઢા અપરાધી લોકઅપ તોડીને ફરાર

 | 8:04 pm IST

બારડોલીમાં એટીએમ તોડી ૧૭.૩૧ લાખની ચોરીના ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી બે દિવસ પહેલા લવાયા હતા

બારડોલી,તા.૧૯

રાજ્યમાં અલગ અલગ ઠેકાણે અલગ-અલગ બેન્કોના ૧૮ એટીએમ તોડી ૩૯ લાખની ચોરીના ગુનામાં અમદાવાદ ડીસીબીએ ઝડપેલા બે રીઢા આરોપીઓ બારડોલી પોલીસના રીમાન્ડ દરમ્યાન કસ્ટડીનું લોક તોડી મંગળવારે મળસ્કે ભાગી છુટ્યાના બનાવથી પોલીસની ભાગદોડ મચી ગઈ હતી.

રીઢા આરોપીઓ લોકઅપ તોડીને ભાગ્યા છતાં બારડોલી પોલીસ ઉંઘતી રહેતા જવાબદારો સામે ખાતાકીય પગલાની તલવાર લટકી છે. એપ્રિલ મહિનાની ૧૩મી તારીખે રાત્રીના સમયે બારડોલીના ગાંધી રોડ ઉપર આવેલા દર્શન એપાર્ટમેન્ટમાં સ્ટેેટ બેંક ઓફ ઈન્ડીયાના સીકયોરીટી સુવિધા વગરના એ.ટી.એમ.સેન્ટરમાં ત્રાટકી એટીએમ ગેસકટરથી કાપી ૧૭.૩૧ લાખની રોકડ રકમની ચોરી કરી ભાગી છુટેલા તસ્કર ગેંગના બે શખ્સ રામપ્રકાશ રામસુરત બીંદ (કેવટ) (રહે કલ્પના નગર, એસ.ટી. બસ, સ્ટેન્ડ પાછળ, મકરપુરા, વડોદરા) તથા ચેતન શીવાભાઈ પરમાર (રહે. સહજાનંદ સોસાયટી, વડસર, તા. વડોદરા)ને થોડા દિવસો પહેલા અમદાવાદ ડી.સી.બી.એ ભારે જહેમતે ઝડપ્યા હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા બારડોલીમાં એ.ટી.એમ. મશીન તોડી કરેલી ૧૭.૩૧ લાખની ચોરીની કબુલાત થતા આ ગુનામાં બારડોલી પોલીસે આ બંને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી કોર્ટમાં રજુ બંનેના ર૦મી સુધીના રીમાન્ડ મેળવ્યા હતા. જોકે અત્યંત રીઢા અને એ.ટી.એમ. મશીનના લોક તોડવામાં માહેર તસ્કરો મંગળવારે મળસ્કે ૪.૦૦ થી ૫.૦૦ વાગ્યાના સમય દરમ્યાન બારડોલી પોલીસ મથકની કસ્ટડીનું તાળુ તોડી ફરજ પર હાજર મહિલા પી.એસ.ઓ.ની નજર ચૂકવી ભાગી છુટયા હતા.

આથી જીલ્લામાં ચારેતરફ નાકાબંધી સાથે જીલ્લાના વિવિધ પોલીસ મથકો સહિત એલ.સી.બી., એસ.ઓ.જી. પોલીસ શાખા દ્વારા ભાગેડું આરોપીઓને ઝડપી લેવા માટે સવારથી જ દોડધામ શરૂ કરી દેવામાં આવી હતી. જોકે મોડી સાંજે સુધી આરોપીઓનો પોલીસને પત્તો લાગ્યો ન હતો.

કસ્ટડીમાં લોકની જગ્યાએ લગાવેલી હાથકડી રીઢા તસ્કરોએ પળવારમાં ખોલી કાઢી?

બારડોલી પોલીસ મથકે લવાયેલા આરોપીઓ પોલીસની નિષ્કાળજીનો લાભ લેતા લોકઅપના દરવાજે લગાવાયેલા હાથકડીના લોકને પળવારમાં તોડી ફરજ ઉપર તૈનાત મહિલા પોલીસને ચકમો આપી ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. રીઢા ગુનેગારો પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ હેઠળ બંધ હતા. ત્યારે અગમચેતી વાપરી કસ્ટડીનો જાપ્તો વધારવાની બારડોલી પોલીસની નિષ્કાળજીનો લાભ લેતા ભલભલા તાળા તોડવામાં કુશળ એવા રીઢા ગુનેગારો સરકાર દ્વારા માન્યતા અપાયેલી હાથકડીનું લોક તોડવામાં સફળ રહ્યા તે બાબત સમગ્ર ઘટનામાં સુચક પ્રશ્નાર્થ બની રહે છે.

બારડોલી પોલીસ સ્ટેશનના સીસી કેમેરા એક મહિનાથી બંધ

બારડોલી પોલીસ મથકના સીસીટીવી કેમેરા છેલ્લા એક મહીનાથી બંધ પડયાની ગંભીર બેદરકારી બહાર આવી છે. આજે જ્યારે રીઢા ગુનેગારો પોલીસ લોકઅપનું તાળુ તોડી બિન્દાસ્તપણે પોલીસની હાજરીમાં પોલીસ સ્ટેશનમાંથી ભગી ગયા છે. ત્યારે બારડોલી પોલીસ મથકના સીસીટીવી કેમેરા બંધ હતા આ અંગે પીઆઈ પારેખે જણાવ્યુ કે, બારડોલી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા એક મહીનાથી બંધ છે. કેમેરાનું ડીવીઆર સિસ્ટમ અને તેમાં સર્કીટ આઈસી સિસ્ટમ ઉડી ગઈ છે. જેના કારણે સીસીટીવી કેમેરા સિસ્ટમ બંધ હતી. તેથી ભાગેલા આરોપીઓના વીડીયો કુટેજ મળી શક્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન