બાળકને એની મનગમતી પ્રવૃત્તિ કરવા દો એમાં જ એનો સર્વાંગી વિકાસ થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • બાળકને એની મનગમતી પ્રવૃત્તિ કરવા દો એમાં જ એનો સર્વાંગી વિકાસ થશે

બાળકને એની મનગમતી પ્રવૃત્તિ કરવા દો એમાં જ એનો સર્વાંગી વિકાસ થશે

 | 3:00 am IST
  • Share

બાળક જેની સાથે રહે એના સંસ્કાર એના મનમાં કોતરાઈ જતાં હોય છે, આ ઉંમર મૂળ મજબૂત કરવાની છે. મૂળ નબળાં હશે તો છોડ નબળો જ પડવાનો

બાળકનો ઉછેર ખાસ્સી માવજત માંગી લે છે. સંતાન સમજદાર, હોશિયાર કે વિવેકી નીવડે એ કોઈ ચમત્કારી ઘટના નથી, એ પ્રયત્નપૂર્વક સીંચેલી માવજતનું પરિણામ હોય છે. અને એ માટે કેળવણીની જરૂર માબાપનેય હોય છે. બાળક જન્મે એટલે માબાપ તો થઈ જવાય પણ સારાંમાબાપ થવું અઘરું થતું જાય છે. સારાં માબાપ થવાના પ્રયાસમાં ક્યારેક બાળક પર માબાપ વધુ બોજ લાદી દેતાં હોય છે તો ક્યારેક વધુ પડતી છૂટ આપી દે છે. બાળકના સર્વાંગી વિકાસના નામ પર બાળકને ગમતી, ન ગમતી બધી પ્રવૃત્તિઓ પરાણે કરવી પડે ત્યારે ગમતી પ્રવૃત્તિઓ પણ ન ગમતી થઈ જાય છે. બધા મોરચે પ્રથમ આવવાની ઘેલછા બાળકમાં હતાશા જન્માવે છે. બાળક ઉપર દબાણ કરવા કરતાં બાળકની પસંદ-નાપસંદને સમજવાની જરૂર વધારે હોય છે. નવી પેઢીનાં બાળકો માટે સમયની સાથે માબાપે પણ બદલાતાં રહેવું પડે છે. તો મિત્રો, ચાલો આપણે પણ આ કોલમમાં અલગ રીતે પેરેન્ટિંગનો કક્કો ઘૂંટીએ. આજે : : પરિપક્વતાનો ‘  

ના યાર, આજે મૂડ ઓફ્ છે, નથી રમવું.‘ 

એ ટીચર બોરિંગ કપડાં પહેરે છે.‘ 

 ‘આ મ્યુઝિક કોમ્પિટિશનમાં જજીસ એમના ક્લાસના સ્ટુડન્ટને જ જિતાડશે જોજે, આપણે જીતવું હોય તો એ ક્લાસ જોઇન કરવા પડે.‘ 

 આવાં વાક્યો નાનાં ટાબરિયાં બોલતાં થઈ ગયાં છે. વડીલો કહે છે પણ ખરાઃ અમે નાના હતા ત્યારે મૂડ કોને કહેવાય એ ખબર નહોતી. માબાપ જે આપે એ ખાવું પડે, પહેરવું પડે, આજકાલ તો બાળકો આપણા કરતાં વધારે જાણે છે બોલો, ટીવી ને મોબાઇલમાં એ લોકોને આપણા કરતાં વધારે સમજ પડે બોલો. અરે! મારી ટીનુ તો હજુ પાંચ વરસની થઈ પણ મને કહે, ગેમ્સ રમાડતી વખતે ટીચર લુચ્ચાઈ કરે છે અને પોતાના છોકરાને જિતાડે છે. આ આજકાલનાં છોકરાં બધું સમજે. આપણે એમની ઉંમરના હતા ત્યારે કંઈ ખબર પડતી નહોતી, સાવ બાઘા હતા.‘ 

 નાનાં છોકરાં આજકાલ ગેઝેટ્સ સાથે જ રમીને મોટાં થાય છે એટલે થોડી માહિતી વધારે હોય એ સ્વાભાવિક છે. પણ બાળકો આસપાસના વાતાવરણમાંથી વધુ શીખતાં હોય છે, બાળકો સામે આજકાલના વડીલો વધારે ચર્ચાઓ કરે છે. મોટાઓની બધી જ સાચીખોટી વાતો સાંભળીને બાળકો વહેલાં મોટાં થઈ જાય છે, મોટા ભાગે તો એમનું બાળપણ પણ છિનવાઇ જાય એ હદે પરિપક્વતા આવી જાય છે, રિયાલિટી શોમાં બાળકો મોટાં હીરો-હિરોઇન પર ફ્લ્મિાવાયેલાં વલ્ગર ગીતો પર એવા જ ભાવ દર્શાવીને નૃત્ય કરતાં હોય ત્યારે લોકો વાહવાહ કરે છે પણ એમને એ વિચાર આવે છે ખરો કે આવા ભાવ એમનામાં આવ્યા ક્યાંથી? પોતાની ગરીબીની વાતો કરે ત્યારે તો ઠીક પણ સ્પર્ધામાંથી બહાર થઈ જાય ત્યારે ચોધાર આંસુએ રડતાં ભૂલકાંઓને જોઈને દયા આવે છે કે સાવ ભોળપણની ઉંમરે, ખાઈ, પી ને રમવાની ઉંમરે બાળકો કેવાં પરિપક્વ લાગે છે. નાનકડી કેરી પાકી ગઈ હોય કે કુમળા છોડને માથે શ્રીફ્ળ ઉગાડયું હોય એવું લાગતું હોય છે.  

 બાળપણ આખા જીવનનો પાયો છે, શરૂઆતનાં વર્ષોમાં બાળક જેની સાથે રહે એના સંસ્કાર એના મનમાં કોતરાઈ જતાં હોય છે, આ ઉંમર મૂળ મજબૂત કરવાની છે. મૂળ નબળાં હશે તો છોડ નબળો જ પડવાનો, ભલે એના ઉપર વહેલાં ફ્ૂલો આવે અને એ જોઈને વડીલો ખુશ પણ બહુ થાય છે, પણ એ ફ્ૂલોનો ભાર એને ઝુકાવી દેશે, એ નબળો પડશે. સારું ઘટાદાર વૃક્ષ નહીં બની શકે, ક્ષણિક પ્રસિદ્ધિ કે વાહવાહની લાયમાં સંતાન પર બોજો વધારવો અને વળી હરીફઈનો જમાનો છે, આટલું તો કરવું જ પડે કહીને જવાબદાર હોવાના અભિમાનમાં બાળકને સમયથી પહેલાં પરિપક્વ કરી દેતાં માબાપ જ ખરેખર તો અપરિપક્વ કહેવાય. વિવિધ રમત રમવાની ઉંમરે બાળકને પરાણે ટેનિસ, ચેસ, સ્વિમિંગ શીખવતા કે બેચાર ભાષાઓ શીખવતા વર્ગોમાં મૂકી દેવાથી બાળકનો સર્વાંગી વિકાસ થઈ જશે એવું માતાપિતા માની બેસે છે, પરંતુ આ રીતે વિવિધ વર્ગોમાં મૂકી દેવાથી બાળકોનો સર્વાંગી વિકાસ નહીં થાય. માબાપનું જોઈને બાળક વડીલોનાં નાનાંમોટાં કામ કરી આપે, એમની પાસે વાર્તાઓ સાંભળે, નાનકડાં ગીતો ગાય, મનગમતી પ્રવૃત્તિ કરે અને એમાંથી આનંદ મેળવે તે બાળક ભલે કોઇની વાહવાહ ન મેળવે પણ એની ઉંમર પ્રમાણે મેચ્યોર જ છે. પરિપક્વતા સમય માંગે છે, નાદાની દેખાદેખીની એક ક્ષણમાત્ર છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો