બાળાસાહેબના સંપત્તિ વિવાદમાં દીકરા જયદેવ ઠાકરેનો નવો ધડાકો - Sandesh
  • Home
  • India
  • બાળાસાહેબના સંપત્તિ વિવાદમાં દીકરા જયદેવ ઠાકરેનો નવો ધડાકો

બાળાસાહેબના સંપત્તિ વિવાદમાં દીકરા જયદેવ ઠાકરેનો નવો ધડાકો

 | 5:36 pm IST

હું ઐશ્વર્યનો પિતા નથી. ઐશ્વર્ય તો સ્મિતા ઠાકરેનો દીકરો છે, એમ જયદેવ ઠાકરેએ આજે મુંબઇ હાઇ કોર્ટને જણાવ્યું છે. શિવસેનાના દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ વસિયતનામામાં કરેલી સંપત્તિની ફાળવણીમાં પોતાને અન્યાય થયો હોવાનું લાગતા જયદેવે વસિયતને પડકારી છે. આ પ્રકરણે અદાલતમાં સુનાવણી ચાલુ છે અને જયદેવના ભાઇ અને હાલ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વતી સિનિયર વકીલ રોહિત કાપડિયાએ જયદેવની ઉલટતપાસ કરી હતી.

જયદેવ ઠાકરેએ અદાલતને ઐશ્વર્ય પોતાના દીકરો ન હોવાનું જણાવ્યું છે. બાળાસાહેબે તેને વારસદાર બનાવ્યો છે અને માતોશ્રીમાં તેને ફર્સ્ટ ફ્લોર આપ્યો છે. સ્મિતા ઠાકરે જયદેવના પૂર્વ પત્ની છે. બંનેના છૂટાછેડા થયા છે. સ્મિતા ઠાકરેને પહેલેથી જ રાજકારણમાં રસ હતો. માસાહેબના નિધન પછી સ્મિતા રાજકારણમાં વધુ સક્રિય થઇ હતી. પરંતુ બાળાસાહેબને એ પસંદ નહોતું, એમ જયદેવ ઠાકરેએ ક્રોસ-એક્ઝામિનેશનમાં જણાવ્યું હતું. આ કેસની સુનાવણી જસ્ટિસ ગૌતમ પટેલ સમક્ષ થઇ રહી છે. સુનાવણીના બીજા દિવસે જયદેવને લગભગ ૮૦ પ્રશ્ન પૂછાયા હતા.

જયદેવે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું હતું કે પિતા બાળાસાહેબ ઠાકરે ઇચ્છતા હતા કે હું તેમનો રાજકારણનો વારસો આગળ વધારું, પરંતુ મને રાજકારણમાં કોઇ રસ નહોતો. જોકે મારી ભૂતપૂર્વ પત્ની સ્મિતાને રાજકારણમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા હતી એમ જયદેવે કોર્ટને જણાવ્યું હતું. તેમણે એવો આરોપ પણ કર્યો હતો કે તેમના ભાઇ ઉદ્ધવ ઠાકરે(હાલ શિવસેનાના અધ્યક્ષ)એ તેમનું નામ કુટુંબના રેશનિંગ કાર્ડમાંથી કઢાવી નાંખ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાળાસાહેબની વસિયત મુજબ ઉદ્ધવ ઠાકરેને તેમની મોટાભાગની સંપત્તિ આપવામાં આવી છે જ્યારે જયદેવના નામે ઝાઝું કાંઇ કરવામાં આવ્યું નથી જેના કારણે તેમણે આ મામલે અદાલતના દરવાજા ખટકાવ્યા હતા.