બેગડાઇ માતાજીનું સ્થાનક ઃ હવે, ખોડિયાર માતાજીનું મંદિર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બેગડાઇ માતાજીનું સ્થાનક ઃ હવે, ખોડિયાર માતાજીનું મંદિર

બેગડાઇ માતાજીનું સ્થાનક ઃ હવે, ખોડિયાર માતાજીનું મંદિર

 | 3:41 am IST

રાવપુરા રોડ પર ખોડિયાર માતાના મંદિરે ૧૦૪ વર્ષથી શેરી ગરબાની ધૂમ

માતાજીની કૃપાથી રાવપુરા ચાર રસ્તે દુર્ઘટનામાં કોઇનો જીવ ગયો નથી

ા વડોદરા ા

શહેરના રાવપુરા ચાર રસ્તા પાસે બેગડાઇ માતાજી હવે ખોડિયાર માતાજીના મંદિર પાસે રાજમાર્ગ પર દર નવરાત્રીએ સન ૧૯૧૭થી શેરી ગરબા યોજાય છે. આ વર્ષે સરકારના નીતિનિયમોને આધિન ગરબા જારી છે.

ઐતિહાસિક ધરોહર ધરાવતા બેગડાઇ માતાજીના સ્થાનક સંદર્ભે એવી લોકવાયકા છે કે સન ૧૯૧૭માં માતાજીના મંદિર સ્થળે ઓટલો હતો. એ સમયે પાવાગઢથી બળદગાડામાં બેગડાઇ માતાજીની મૂર્તિ લાવવામાં આવી હતી. જે અંગે પિનલ કે રાવ, ભદ્રેશ પી રાવ, નયન પટેલ અને ધર્મેશ પંચાલે ઉલ્લેખ્યું હતું કે સૈકાઓ પૂર્વે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ હતા. ત્યારે, ધાર્મિકશાસ્ત્રોક્ત પરંપરાને આધિન લાવવામાં આવેલી બેગડાઇ માતાજીની મૂર્તિ દાયકાઓ બાદ જર્જરિત થતા નર્મદા નદીમાં વિધિવત વિસર્જિત કરાઇ હતી. ત્યારબાદ સન ૧૯૮૯ના અરસામાં માતાજીની મૂર્તિ પાસે ચિઠ્ઠી નાંખી મંજુરી માગી ખોડિયાર માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ હતી. જગત જનનીની કૃપા ગણો કે ચમત્કાર હજુ સુધી રાવપુરા ચાર રસ્તાખોડિયાર ચોક પાસે કોઇપણ અકસ્માતમાં કોઇ વ્યક્તિનો જીવ ગયો નથી. ગમે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય સૂડીનો ઘા સોયથી ટળ્યો હોય એવો સિલસિલો જારી છે.

પ્રશાંત રાવ અને શૈલેષ રાવે વધુમાં ઉમેર્યું હતું કે સન ૧૯૧૭ના અરસામાં માતાજીના મંદિર પાસે માટીની ગરબી(ઘડો)મુકી મહિલાઓ ગરબે ઘુમતી હતી. સંજય બ્રહ્મભટ્ટ,પ્રજ્ઞેશ્વર બારોટ અને મધુસુદન બ્રહ્મભટ્ટ સહિત અન્ય માઇભક્તો ક્રમાનુસાર માતાજીની સેવાપૂજાનો નિત્યક્રમ જાળવે છે. ખોડિયાર જયંતિ અને માતાજીના મૂર્તિ પ્રતિષ્ઠા પર્વે તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ અનુષ્ઠાનનવચંડીની પરંપરા જારી છે. ગાયકવાડ સરકારે મંદિરની સનદ પણ આપી હોવાનું સ્થાનિક રહીશોએ ઉમેર્યું હતું.

આ વર્ષે પણ યુવક મંડળે શેરી ગરબાનું આયોજન કર્યું છે. નવરાત્રી દરમિયાન રાજમાર્ગ પર કોઇને અડચણ ના પડે એવી વ્યવસ્થા સાથે ગરબો યોજાય છે.

સૈકા પૂર્વે બેગડાઇ માતાની ગલી હતી

શહેરના રાવપુરા ભાટવાડામાં રાવ, બ્રહ્મભટ્ટ, બારોટ પરિવારોનો જુના જમાનાથી દબદબો છે. સૈકા પૂર્વે મંદિર સામે બેગડાઇ માતાની ગલી હતી. જેની નોંધ જુના જમાનાના દસ્તાવેજોમાં છે. વર્ષો પૂર્વે શેરી ગરબામાં માત્ર મહિલાઓ જ ગરબે ઘુમતી હતી. પરંતુ, સમય, સંજોગોના સથવારે હવે માઇભક્તો પણ ગરબે ઘુમે છે.        પિનલ કે રાવ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;