બોટાદમાં રેલી, આવેદન-આત્મવિલોપનનો પ્રયાસ - Sandesh
  • Home
  • Bhavnagar
  • બોટાદમાં રેલી, આવેદન-આત્મવિલોપનનો પ્રયાસ

બોટાદમાં રેલી, આવેદન-આત્મવિલોપનનો પ્રયાસ

 | 10:31 pm IST

ભાવનગર, તા.૨૦  

ઊનાના સમઢિયાળા ગામના દલિત યુવાનો પર કહેવાતા ગૌરક્ષકોએ અમાનુષી અત્યાચાર ગુજાર્યાની ઘટનાએ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પાડયા છે. રાજ્યભરમાં દલિત સમાજનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો છે. ત્યારે દલિત સમાજ દ્વારા આજે બુધવારે ગુજરાત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં દલિત સમાજના લોકો હજારોની સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા અને રેલી, આવેદન આપી આક્રોશ પ્રગટ કર્યો હતો. જ્યારે ગુસ્સામાં કેટલાક લોકોએ એસ.ટી. બસ અને કાર સહિતના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને ગંભીર સ્થિતિમાં ભાવનગર ખસેડવો પડયો હતો.  

ગુજરાત બંધના એલાનને પગલે બોટાદ શહેરમાં આજે સવારે દલિત સમાજના લોકોએ આક્રોશભેર રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ ટાવર રોડ, હવેલી ચોક, દિનદયાળ ચોક જેવા વિસ્તારોમાં ફરી બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જે આવેદનપત્ર આપ્યા બાદ પરત ફરતી વેળાએ પરેશભાઈ ડાયાભાઈ રાઠોડ (રહે, ટાઢાની વાડી, બોટાદ) નામના દલિત યુવાને જિલ્લા સેવા સદનના પટાંગણમાં જ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જે યુવાન ભડભડ સળગી ઉઠતા તેને ગંભીર હાલતમાં પ્રથમ બોટાદ અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  


યુવાનના આત્મવિલોપનના પ્રયાસ બાદ દલિત સમાજમાં વધુ રોષ ફેલાયો હતો અને ગુસ્સે ભરાયેલા આગેવાનો સહિતના ટોળાએ બોટાદ શહેરમાં ફરી દુકાનો બંધ કરાવી હતી. જ્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાવાને કારણે બોટાદ શહેરના સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં આર.પી.એફ., બોટાદ એલસીબી, બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડા અને પાળિયાદ પોલીસનો મસમોટો કાફલો બંદોબસ્તમાં બોલાવી લેવાયો હતો. સ્થિતિ વિસ્ફોટના બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પણ પોતે બંદોબસ્તમાં જોતરાઈ ગયા હતા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખી હતી. જો કે, તેમ છતાં દલિત સમાજનો રોષ સમવાનું નામ ન લેતું હોય તેમ પાળિયાદ રોડ પરથી પસાર થતા કાર, બાઈક સહિતના વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે વાહન ચાલકો પણ ભયભીત બની ગયા હતા. આ ઉપરાંત ગત મધરાત્રે મહેસાણાથી બોટાદ આવી રહેલ મહેસાણા-ગઢડા રૃટની એસ.ટી. બસ નં. જીજે.૧૮.વાય. ૯૦૯૮ સાળંગપુર રોડ પરથી પસાર થતી હતી. ત્યારે બસ કાચના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. જેના કારણે મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. જેની જાણ થતા બોટાદ પોલીસે તુરંત દોડી જઈ સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધો હતો.  

અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ શહેરમાં બપોરબાદ દુકાનો ફરી ખુલી જતાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તેમ છતાં દિવસભર ભારેલા અગ્નિ જેવું વાતાવરણ રહેવા પામ્યું હતુ. જેની વચ્ચે દલિત સમાજની વધુ સંખ્યા ધરાવતા સવગુણનગર અને આસપાસના વિસ્તારમાં પોલીસે વધુ બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો. વધુમાં સ્થિતિ તંગ જણાતા અને મધરાત્રે એસ.ટી. બસ પર થયેલા પથ્થરમારાને કારણે બોટાદ એસ.ટી.ડેપો દ્વારા અગમચેતીના ભાગરૃપે તમામ રૃટોની બસ બંધ કરી દેવામાં આવી હતી. 

  • બોટાદના હવેલી ચોકમાં વિરાટ સભા મળી 

ગુજરાત બંધના એલાનની સાથે આજે બોટાદમાં પણ દલિત સમાજે રોડ પર ઉતરી આવી આક્રોશ સાથે બજારો બંધ કરાવી હતી. સાથે બોટાદ શહેરના હવેલી ચોક ખાતે દલિત સમાજના આગેવાનોએ સભા યોજી હતી. જેમાં આગેવાનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકોને સંબોધી સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી સમાજને એકજૂટ થઈ લડવા માટે હાંકલ કરી હતી. 

  • સાળંગપુર ફાટક પાસે પોલીસ પર પથ્થરમારો

બોટાદ શહેરમાં બંધના એલાનની સાથે અમુક સ્થળોએ હિંસાત્મક દેખાવો પણ થયા હતા. જેમાં ટોળાએ સાળંગપુર ફાટક પાસે ધસી જઈ ટ્રેનને પણ રોકી હતી. દરમિયાનમાં પરિસ્થિતિ થાળે પાડવા માટે બોટાદ પોલીસ, એલસીબીનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પરંતુ રોષે ભરાયેલા ટોળાએ ઉશ્કેરાઈ જઈ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. જો કે, ત્યારબાદ પોલીસે થોડો બળપ્રયોગ કરતા ટોળું વિખેરાઈ જતાં મામલો શાંત પડી ગયો હતો.