બોપલ પાસેના મનીપુરમાં એકસાથે બે ટ્રેનની અડફેટે 11 ગાયનાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બોપલ પાસેના મનીપુરમાં એકસાથે બે ટ્રેનની અડફેટે 11 ગાયનાં મોત

બોપલ પાસેના મનીપુરમાં એકસાથે બે ટ્રેનની અડફેટે 11 ગાયનાં મોત

 | 4:06 am IST
  • Share

  • ગેરકાયદે રેલવે ટ્રેક ક્રોસ કરાવતા કરુણાંતિકા સર્જાઈ
  • દુર્ઘટનામાં એક ગાય જીવિત બચી ગઈ હતી. પરંતુ તેના ત્રણ પગ ભાંગી ગયા હતા.
  •  મૃતદેહ ક્ષત વિક્ષત થઈને એકથી દોઢ કિલોમીટર સુધી ઢસડાયા હતા.

 

બોપલ પાસે આવેલા મનીપુર ગામે મંગળવારે વહેલી સવારે એકસાથે બે ટ્રેનની અડફેટે 11 ગાયોના મોત નિપજ્યાં હતા. કેટલાક શખ્સો દ્વારા ગાયોને ગેરકાયદે રીતે રેલવે ટ્રેન ક્રોસ કરાવતી વખતે આ કરૂણાંતિકા સર્જાઈ હતી. જો કે જીવિત બચેલી ઈજાગ્રસ્ત એક ગાયને જિલ્લા પોલીસ તંત્રે રેસ્ક્યૂ કરીને પાંજરાપોળ પહોંચાડી હતી. છેલ્લા એક વર્ષમાં આ રીતે પ0 જેટલી ગાયો આ જ સ્થળે ટ્રેન અડફેટ આવી જવાના કારણે મોતને ભેટી હોવા છતાં રેલવે તંત્ર આનો કોઈ કાયમી ઉકેલ શોધતું નથી.

ટ્રેનની ટક્કર એટલી શક્તિશાળી હતી કે ચારથી પાંચ ગાયોના મૃતદેહ ક્ષત વિક્ષત થઈને એકથી દોઢ કિલોમીટર સુધી ઢસડાયા હતા. આ દુર્ઘટનામાં એક ગાય જીવિત બચી ગઈ હતી. પરંતુ તેના ત્રણ પગ ભાંગી ગયા હતા.  આ અંગે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્ર યાદવને જાણ કરતાં તેમણે તુરંત સાણંદ ડીવાયએસપી કે.ટી. કામરિયા, બોપલ પીઆઈ ડી.એન.પટેલ સહિતના સ્ટાફને તુરંત ઘટનાસ્થળે મોકલી આપ્યા હતા. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તુરંત જીવિત બચેલી એક ગાયનું રેસ્ક્યૂ કરીને સ્થળ પર સારવાર અપાવી હતી.

મનીપુર ગામને મુખ્ય રોડ સાથે જોડતા રેલવે ફાટક પર અન્ડરપાસ બનાવવા માટે ગત્ ફેબ્રુઆરી માસથી કામ શરૂ કરવાના નામે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાયું છે. કામના નામે એક તરફ મોટો ખાડો ખોદી દેવાતા પાંચ હજાર લોકોને ફરીને જવું પડે છે. સરપંચ ભરત પટેલે જણાવ્યું કે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. જેના લીધે આવા બનાવો બની રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો