બોલો, ઝિબ્રાને કાળા શરીરે સફેદ પટ્ટા છે કે સફેદ શરીરે કાળા? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • બોલો, ઝિબ્રાને કાળા શરીરે સફેદ પટ્ટા છે કે સફેદ શરીરે કાળા?

બોલો, ઝિબ્રાને કાળા શરીરે સફેદ પટ્ટા છે કે સફેદ શરીરે કાળા?

 | 2:03 am IST

સિમ્પલ સાયન્સ : જ્વલંત નાયક

એક વખત, આપણા સંસ્કૃત સાહિત્યના પ્રખ્યાત કવિ કાલિદાસથી અભિભૂત થયેલી એક સુંદર ગોરી સ્ત્રીએ, કાલિદાસની બુદ્ધિ-ક્ષમતાની કસોટી કરવા માટે તેમને પૂછયું કે હે મહાકવિ, તમે આટલા બુદ્ધિશાળી હોવા છતાં કદરૂપા અને કાળા છો! જો તમે મારા જેવી ગોરી સ્ત્રીને પરણો, તો આપણા સંતાનો કાળા થાય કે સફેદ-ગોરા?” પેલી સ્ત્રીનો વ્યંગ પામી ગયેલા ચતુર કાલિદાસે ઉત્તર વાળ્યો, “કાળા-ધોળા, ચટાપટાવાળાં“. પેલી સ્ત્રીએ કવિની હાજર-જવાબીથી ખુશ થઈને એમની સાથે લગ્ન કર્યાં કે નહિ એ તો આપણને ખબર નથી, પણ જ્યારે આવી કોઈ ચટાપટાધરાવતી વસ્તુ વિષે વાત થાય, ત્યારે આપણને એક પ્રાણી અવશ્ય યાદ આવે, ‘ઝિબ્રા‘! ઝિબ્રા ના શરીર પર રહેલા કાળા અને ધોળા રંગના પટ્ટાઓ એક પેટર્ન માર્ક બની ચૂક્યા છે, તે એટલે સુધી કે રસ્તો ક્રોસ કરવા માટે દોરાયેલા સફેદ પટ્ટા પણ ઝિબ્રા ક્રોસિંગતરીકે ઓળખાય છે! જે રીતે ગાય, ભેંસ, બળદ, આખલા વગેરે ગૌવંશના પ્રાણીઓ ગણાય છે, તેમ ઝિબ્રા અશ્વ (equine ancestors), એટલે કે ઘોડાના પરિવારનું સભ્ય ગણાય છે. જોકે ઘોડા, ખચ્ચર કે ગધેડા કરતાં, આફ્રિકામાં જોવા મળતું ઝિબ્રા અલગ તરી આવે છે, તેના કાળા-ધોળા ચટાપટાને કારણે! હવે જે હોશિયાર હોય એ જવાબ આપે, ઝિબ્રાને કાળા શરીર પર સફેદ પટ્ટા છે કે પછી સફેદ શરીર પર કાળા પટ્ટા છે? 

 અલગ અલગ થીયરીઝ તારવવા છતાં, હજી સુધી પ્રાણીશાસ્ત્રીઓ ઝિબ્રાના આવા અટપટા ચટાપટાની ગૂંચ ઉકેલી શક્યા નથી, પણ ઝિબ્રા તેની આ પ્રકારની ચામડી વડે ઘણા લાભમેળવે છે. જેમ કે, ચામડી ઉપર સફેદ અને કાળા રંગોની ચોક્કસ ગોઠવણી વડે રચાતી પેટર્નસૂર્ય દ્વારા ફેંકાતી કુલ ગરમીનો ૭૦% જેટલો મોટો હિસ્સો રિફ્લેક્ટકરે છે. આ રીતે, મોટા ભાગની ગરમી પરાવર્તન પામવાથી, ઝિબ્રા આફ્રિકાની ગરમ આબોહવામાં પણ એકદમ ફૂલરહી શકે છે. ઝિબ્રાની ચામડી ઉપર રંગોની પટ્ટીઓની ગોઠવણી, દરેક ઝિબ્રાને અલગ ઓળખ આપવામાં પણ મદદરૂપ થાય છે. રંગોની આ પેટર્ન આપણી ફ્ગિંર-પ્રિન્ટ્સની જેમ, દરેક ઝિબ્રાએ અલગ-અલગ હોય છે. પહેલી નજરે એકસરખા લાગતા ઝિબ્રાનો ગ્રુપ ફેટો જોશો, તો ખ્યાલ આવશે કે દરેક ઝિબ્રાના ગળાની પાસે આવેલા સ્કંધના હાડકા (withers) આગળના રંગોની પેટર્ન, બીજા કોઈ ઝિબ્રા સાથે મેળ ખાતી નથી હોતી! 

જો તમે ઝિબ્રા પેટર્નના વસ્ત્રો પહેરીને બજારમાં ફ્રવા નીકળો તો સેંકડો લોકો વચ્ચે પણ તરત જ આંખે ચડી આવો, પણ બધા લોકો જો એકસરખા, ‘ઝિબ્રા પેટર્નવાળાં કપડા પહેરીને ટોળામાં ઊભા રહે તો! તો ભયંકર દ્રષ્ટિભ્રમ ઊભો થાય! જ્યારે ખુલ્લા મેદાનોમાં ઘાસચારો ચરતા અનેક ઝિબ્રાનું મોટું ટોળું ઊભું હોય, ત્યારે કાળા-ધોળા પટ્ટાઓ વડે રચાતી એક સરખી પેટર્નને કારણે એક અદભૂત છલાવરણરચાય છે. જો દસેક ઝિબ્રા એકસાથે ઊભા હોય, તો આવા સમૂહને દૂરથી જોતા, દ્રષ્ટિભ્રમને કારણે, તેઓ એકબીજા સાથે ભળી જતા હોય એવું લાગે છે. પરિણામે ઝરખ અને સિંહ જેવા, ઝિબ્રાના પરંપરાગત શિકારીઓને એવું લાગે છે કે જાણે એક જ મસમોટું જનાવર ઊભું છે. આથી તેઓ ઝિબ્રાના આ સમૂહ પર હુમલો કરવાનું ટાળે છે! મેલેનોસાઈટનામના કોષો જે રંગદ્રવ્ય (pigment) ઉત્પન્ન કરે છે, તે ઝિબ્રાની ચામડી ઉપર, જીનેટિક ઓર્ડર (જૈવિક અનુક્રમ) મુજબ સફેદ કે કાળા પટ્ટા પાડે છે. અનેક વાર પ્રયત્નો કરવા છતાંયે વિજ્ઞાાનીઓ એવું કોઈ જૈવિક બંધારણનું મોડેલ રજુ નથી કરી શક્યા, જેના વડે ઝિબ્રાની સ્કીન પેટર્નને સમજાવતું ગાણિતિક સમીકરણ આપી શકાય. જો કે સ્કીન પેટર્ન માટેનો અનુક્રમ, ગર્ભાવસ્થાના તબક્કે જ નક્કી થઇ જાય છે, એ વિષે કોઈ મત-મતાંતર નથી. ઝિબ્રાની આ પ્રકારની સ્કીન પેટર્નથી ઘણાને મુંઝવણ થતી હશે કે ઝિબ્રાને કાળા શરીર પર સફેદ પટ્ટા છે કે પછી સફેદ શરીર પર કાળા પટ્ટા છે! એટલાન્ટાના લાર્જ મેમલ ઝૂના ક્યુરેટર લિસા સ્મિથના મતે ઝિબ્રાની ચામડી કાળા રંગના એવા કોટ જેવી છે, જેનો રંગ ઉખડી જવાને કારણે તેના ઉપર સફેદ પટ્ટા પડી ગયા છે. આની પાછળનો તર્ક સમજાવતાં તેઓ કહે છે કે, ‘મેલેનોસાઈટનામના કોષોમાંથી કાળા રંગનું જે રંગદ્રવ્ય નીકળે છે તે ઝિબ્રાની ચામડીને કાળા રંગથી રંગે છે. રંગદ્રવ્ય વડે કુદરતી રીતે ચામડીને રંગ ચડવાની પ્રક્રિયા દરેક સજીવમાં થાય છે, જે પીગમેન્ટેશનતરીકે ઓળખાય છે. હવે, ઝિબ્રાની ચામડીની વિશેષતા એ છે કે તેનું સંપૂર્ણપણે પીગમેન્ટેશન કદી થતું જ નથી. ચામડીનો જે ભાગ રંગાવાનો બાકી રહી ગયો હોય, એ સફેદ દેખાય છે. આમ અધૂરા પીગમેન્ટેશનને લીધે જ ઝિબ્રાની ચામડી પર કાળા-ધોળા ચટાપટાની સુંદર ભાત પડે છે! ખરેખર આ કુદરતની કરામત જ છે, કે તે પોતાના અધૂરા કામોમાંથી પણ અપ્રતિમ સૌન્દર્ય નીપજાવી શકે છે. 

અને છેલ્લે એક આડવાત, યુરોપના દેશોમાં જે રેસિઝમ – ગોરા કાળાનો ભેદભાવ – આજની તારીખે ય ચાલે છે, એનાથી નારાજ કુદરત, કાલે ઊઠીને માણસોને પણ ગોરા કે કાળાને બદલે ચટાપટાવાળા બનાવવા માંડશે તો?!                                        

    [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન