ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા કિર્તી આઝાદના પત્ની પૂનમની AAPમાં જોડાવવાની અટકળો - Sandesh
  • Home
  • India
  • ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા કિર્તી આઝાદના પત્ની પૂનમની AAPમાં જોડાવવાની અટકળો

ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા કિર્તી આઝાદના પત્ની પૂનમની AAPમાં જોડાવવાની અટકળો

 | 4:47 pm IST

ભાજપને 24 કલાકમાં બીજો મોટો ઝટકો મળ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ હવે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ કિર્તી આઝાદના પત્ની પૂનમ પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થવાના છે એવી ચર્ચાઓ થઈ રહી છે. ડીડીએને લઈને અરુણ જેટલી પર સવાલ ઉઠાવવા બદલ કિર્તી આઝાદ પર ગત વર્ષે પગલાં લેવાયા હતાં.

ભાજપને કેમ ઝટકો લાગી શકે?

દિલ્હીમાં 20 ટકા પૂર્વાંચલના વોટર છે. આવી સ્થિતિમાં પૂનમ પાર્ટી છોડે તો ભાજપને નુક્સાન થઈ શકે છે. પૂનમ આઝાદ દિલ્હી ભાજપના પ્રવક્તા છે અને અગાઉ દિલ્હી ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે અરુણ જેટલી સામે મોરચો ખોલ્યા બાદ કિર્તી આઝાદને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આઝાદે ડીડીસીએમાં કૌભાંડને લઈને અરુણ જેટલી પર આરોપ લગાવ્યાં હતાં. કિર્તી આઝાદને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ તેમની પત્ની કહ્યું હતું કે પાર્ટી તેમના પરિવાર સાથે અન્યાય કરી રહી છે. તેમણે સસ્પેન્શનના ચાર મહિના બાદ એપ્રિલમાં કહ્યું હતું કે ભાજપ આ અંગે ઝડપથી કોઈ નિર્ણય લે નહીં તો અન્ય અનેક વિકલ્પો છે.

કોણ છે કિર્તી આઝાદ અને શું છે જેટલી સાથેનો તેમનો વિવાદ?

કિર્તી આઝાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી ભગવત ઝા આઝાદના પુત્ર છે. તેમણે 1993માં ભાજપની ટિકિટ પર દિલ્હીની ગોળ માર્કેટ વિધાનસભાની સીટ પર ચૂંટણી જીતીને પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત કરી હતી. પછી પરિસ્થિતિ એવી સર્જાઈ કે તેમણે દિલ્હી છોડીને પોતાના વિસ્તાર દરભંગા જવું પડ્યું. કિર્તી દરભંગાથી ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેમની પત્ની પૂનમ સેન્સર બોર્ડની સદસ્ય રહી ચૂકી છે્. 1983માં વર્લ્ડ કપ જીત્યા હતાં તે ભારતીય ટીમમાં કિર્તી આઝાદ સામેલ હતા.

આઝાદે એક પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે ડીડીસીએમાં 14 નકલી કંપનીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યાં છે. આઝાદે જેટલીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે ડીડીસીએ કૌભાંડની સીબીઆઈ તપાસની પણ માગણી કરી હતી. 1999થી 2013 સુધી જેટલી ડીડીસીએના પ્રેસિડેન્ટ રહ્યાં હતાં. કિર્તીએ ડીડીસીએમાં થયેલી ખરીદીને લઈને કૌભાંડની વાત કરી હતી.