ભાદરવા ઃ નલ સે જલ યોજનાની તપાસની માગણી - Sandesh
  • Home
  • Newspaper
  • ભાદરવા ઃ નલ સે જલ યોજનાની તપાસની માગણી

ભાદરવા ઃ નલ સે જલ યોજનાની તપાસની માગણી

 | 3:13 am IST

સરપંચ દ્વારા કલેક્ટર સહિત અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો

બોરવેલ માટે ૧૫ની મોટર ગ્રામજનોની મજાક સમાન ઃ સરકારની યોજના પર સવાલો ઉભા થયા

ા સાવલી ા

સાવલી તાલુકાના ભાદરવા ગામે નલ સે જલ યોજના અંતર્ગત પાણીના બોર તથા અપૂરતા પ્રમાણમાં પાણીના પ્રેશર બાબત યોજનામાં વાસ્મો અને પાણી પુરવઠાની કામગીરી સામે સવાલો ઉભા કરી તેની તપાસની માંગ કરતો પત્ર ભાદરવા સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને પાઠવતા વધુ એક વાર સરકારની યોજના પર સવાલો ઉભા થયા છે.

સાવલી તાલુકાના ભાદરવા ગામે નલ સે જલ યોજના અંતર્ગત હાલ કામગીરી ચાલુ છે. પાણી પુરવઠા વિભાગ, સાવલી અને વાસ્મો દ્વારા રૂ. ૮૫ લાખની યોજના મંજુર કરવામાં આવેલ છે. પાણી પુરવઠા વિભાગ,સાવલી દ્વારા એક સંપ,બોર, અને બોર થી સંપ સુધીની પાઇપ લાઇન મંજૂર કરવામાં આવેલ છે. સંપ અને પાણીની પાઇપ લાઇન નાખી દીધી છે, પરંતુ પાણીના બોરવેલ માટે માત્ર ૧૫ની મોટર મંજૂર કરી છે જે ગ્રામજનોની મજાક સમાન છે.૧૫ની પાણીની મોટર અને ૩ની પાઇપ લાઇન નાખી ૧૦,૦૦૦ની વસ્તીને પાણી આપવાની વાત છે. જે શક્ય નથી. માત્ર કાગળ પર યોજના કરી હોય તેવી ગ્રામજનો દ્વારા ચર્ચા કરવામાં આવી છે. સરપંચ દ્વારા પત્રમાં કરાયેલા લેખિત આક્ષેપો મુજબ વાસ્મો દ્વારા ૫૦,૦૦૦ લિટર પાણીની ટાંકી બનાવેલ છે. જે ૧૨ મીટરની ઊંચાઇ પર આવેલ છે. હાલ ૧૫૦૦૦૦ લિટરની પાણીની ટાંકીનુ કામ પ્રગતિમાં છે. પાણીની ટાંકીથી ૨૦૦ મીટરના અંતર એ બે ઝોન પાડેલા છે. હજુ ૮૦૦ થી ૧૦૦૦ મીટર અંતર ના નવ ઝોન પાડવાના બાકી છે. હાલ હજુ યોજના પ્રારંભીક તબક્કામાં છે ત્યારે પાણીની આ સ્થિતિ છે. તો આગળ શું પરિસ્થિતિ થશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ અગાઉ વાસ્મો માં પાણી ના અપુરતા પ્રેશર માટે લેખીત રજુઆત કરવામાં આવેલી છે.૧૫૦૦૦૦ લિટરની પાણીની ટાંકી ઊંચાઇ ૧૫ મીટર કરવા માટે રજૂઆત કરવા છતાં પણ વાસ્મો દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. ભાદરવા સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ જિલ્લા કલેકટર તેમજ યુનિટ મેનેજર તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર અને તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને અલગ ટીમ મોકલી જાતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અરજ કરી છે. અન્યથા સરકાર દ્વારા ખર્ચ કરેલ રૂપિયા ૮૫ લાખ નો કોઇ જ મતલબ રહેશે નહિ. જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા માંગ કરી છે.

ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર તમામ બાબતથી બેખબર

આ બાબતે વાસ્મોના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ભરતભાઈ વિરડીયાને આ યોજના બાબતે અને સો ટકા નળ કનેક્શન બાબતે પૂછતાં મારા આસિસ્ટન્ટ કોર્ડીનેટર ફરૂક ભાઈને પૂછો આ બધું તેઓ જુએ છે તેવો જવાબ આપ્યો હતો.

કરોડોની ગ્રાન્ટ વેડફાતી હોવાનો ભય

ભાદરવાના સરપંચ મહેન્દ્રસિંહ રાણાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સરકારની યોજના પ્રજાલક્ષી હોઈ શકે છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ વેડફઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે સાથે સાથે સાવલી તાલુકામાં કોઈ તટસ્થ એજન્સી દ્વારા તપાસ કરાવાય તો આ યોજનામાં ભારે હયગય થઈ હોય તેવું પ્રથમ નજરે જણાઈ રહ્યું છે જ્યારે મુખ્યમંત્રીએ ભલે વડોદરા જિલ્લા અને સાવલી તાલુકા ને સો ટકા નળ કનેકશન વાળો જાહેર કર્યો હોય પરંતુ મારા ભાદરવા ગામ માં જ અઢીસોથી ત્રણસો નળ વગરના ઘર છે તો તાલુકામાં કેટલા હશે ?? તેવા વેધક સવાલો કર્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;