ભારતની દિવાળી બગાડવાના પાકિસ્તાનના કારસા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ભારતની દિવાળી બગાડવાના પાકિસ્તાનના કારસા

ભારતની દિવાળી બગાડવાના પાકિસ્તાનના કારસા

 | 4:08 am IST
  • Share

  • દિલ્હી પોલીસની સ્પેશિયલ સ્કવોડે પાકિસ્તાની આતંકવાદી અલી અહમદ નૂરીને ઝડપી લીધો. 
  • નેતાઓની આવી વાતોના કારણે પાકિસ્તાન આખી દુનિયામાં હાસ્યાસ્પદ બન્યું છે.
  • પાકિસ્તાનના બૌદ્ધિકો એવું કહી રહ્યા છે કે, ખાવાનું ઓછું કરવાની સલાહ આપવી એ દેશના ગરીબોની મજાક છે.

 

કાશ્મીરમાં છેલ્લા થોડા દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓમાં ચોંકાવનારો ઉછાળો આવ્યો છે. લગભગ દરરોજ કાશ્મીરમાં કોઇ ને કોઇ ઠેકાણે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ રહી છે. સોમવારે આવી જ એક અથડામણમાં આપણી સેનાના પાંચ જવાનોએ શહીદી વહોરી. કાશ્મીરમાં આતંકવાદીઓએ મોડસ ઓપરેન્ડી બદલી છે. હવે આતંકવાદીઓ કાશ્મીરી પંડિતો અને નોન કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યાં છે. કાશ્મીરમાં તો ઉકળાટ છે જ, આ દરમિયાનમાં દિલ્હીમાંથી એક પાકિસ્તાની આતંકવાદી પકડાયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સ્કવોડે પાકિસ્તાની આતંકવાદી અલી અહમદ નૂરીને ઝડપી લીધો. તેણે પોતાનું નામ મોહમ્મદ અશરફ્ રાખ્યું હતું. તેની પાસેથી એક-47, પિસ્ટલ અને ગ્રેનેડ પણ મળી આવ્યાં છે. નકલી ઇન્ડિયન પાસપોર્ટ અને બીજાં ઓળખપત્રો પણ તેની પાસેથી મળ્યાં. પોલીસને એવા ઇનપુટ મળ્યા હતા કે, આતંકવાદીઓ દિવાળીના તહેવારોમાં કોઇ મોટો ધડાકો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એક શક્યતા એ પણ છે કે, અલી અહમદ નૂરીના સાથીદારો હજુ દિલ્હીમાં જ છે. સુરક્ષા એજન્સીઓની તપાસ દરમિયાન હજુ ઘણું બધું બહાર આવશે. આ આતંકવાદીની ધરપકડથી દિલ્હી એક મોટી ઘાતમાંથી ઉગરી ગયું છે.

કાશ્મીર અને દિલ્હીની ઘટનાઓ સાબિત કરે છે કે, પાકિસ્તાન રઘવાયું બન્યું છે. અફ્ઘાનિસ્તાનનો મામલો પતે એ પછી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધશે એવી ધારણાઓ સાચી ઠરી રહી છે. અફ્ઘાનિસ્તાનમાંથી પાકિસ્તાની આતંકવાદીઓ હવે નવરા પડયા છે. પાકિસ્તાને પોતાના આતંકવાદીઓને તાલિબાનો વતી લડવા માટે અફ્ઘાનિસ્તાન મોકલ્યા હતા. પાકિસ્તાનની દાનત તો એવી પણ છે કે, તાલિબાનો કાશ્મીરમાં તેનો સાથ આપે. પાકિસ્તાનની અત્યારની સ્થિતિ વિશે નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે, પાકિસ્તાન કાશ્મીરનાં ગાણાં ગાઈને પોતાના દેશના લોકોનું ધ્યાન બીજે દોરવા માંગે છે. પાકિસ્તાનની આંતરિક સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. મોંઘવારી અને બેરોજગારીના કારણે લોકોમાં ઉશ્કેરાટ છે. પાકિસ્તાનના લોકોને એ વાત સારી રીતે સમજાઇ રહી છે કે, દુનિયામાં કોઇ દેશ આપણો ભાવ પૂછતું નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ફેન પર વાત કરવા પણ તૈયાર નથી. પાકિસ્તાનનો ઇતિહાસ ગવાહ છે કે, પાકિસ્તાનના સત્તાવાળાઓને જ્યારે જ્યારે આંતરિક જોખમ ઊભું થયું છે ત્યારે તેમણે કાશ્મીર અને ભારતથી ખતરાની વાતોનો આશરો લીધો છે.

પાકિસ્તાનની આર્િથક હાલતનો અંદાજ એ વાત પરથી આવી જાય છે કે, હવે ત્યાંના જ નેતાઓ લોકોને એવી અપીલો કરી રહ્યા છે કે, જમવાનું થોડુંક ઘટાડો! ચામાં થોડીક ઓછી ખાંડ નાખો. નેતાઓની આવી વાતોના કારણે પાકિસ્તાન આખી દુનિયામાં હાસ્યાસ્પદ બન્યું છે. પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાન સંબંધિત મામલાઓના મંત્રી અલી અમીન ગંડાપુરે જાહેરસભામાં એવી વાત કરી કે, ચામાં ખાંડના સો દાણા નાખતા હોવ તો નવ દાણા ઓછા નાખો, એનાથી ચા મોળી નહીં થઇ જાય! રોટલીના સો કોળિયા ભરતા હોવ તો નવ ઓછા ભરો! તેણે તો લોકોને એવો સવાલ પણ કર્યો કે, તમે દેશ માટે આટલું ન કરી શકો? અલી અમીન ગંડાપુર કંઇ એકલા એવા નથી જેણે લોકોને આવી વાત કરી હોય. પાકિસ્તાનના ઘણા નેતાઓ ભૂતકાળમાં પણ લોકોને અડધી રોટલી ઓછી ખાવાનું કહેતા રહ્યા છે. પાકિસ્તાનમાં જેની સત્તા છે એ ઇમરાનની પાર્ટી તહેરિક-એ-ઇન્સાફ્ના નેતા રિયાઝ ફ્તિયાને પણ લોકોને કહ્યું હતું કે, ગરીબીથી બચવું હોય તો ખાવાનું થોડુંક ઘટાડી નાખો! અલી અમીન ગંડાપુરની ક્લિપ પાકિસ્તાનમાં વાઇરલ થઇ છે અને તેના પર લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી વાતો લખવામાં આવી રહી છે કે, આ લોકોનું ચાલે તો ગણી ગણીને ખાવાનું આપે એમ છે. પાકિસ્તાનના બૌદ્ધિકો એવું કહી રહ્યા છે કે, ખાવાનું ઓછું કરવાની સલાહ આપવી એ દેશના ગરીબોની મજાક છે.

પાકિસ્તાને પોતાનાં નાણાં ક્યારેય સારાં કામોમાં વાપર્યાં જ નથી. જેને ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ ઝીયા ઉલ હકે ફંસીના માંચડે ચડાવી દીધા હતા એ ભૂતપૂર્વ વડાપ્રધાન ઝૂલ્ફ્ીકાર અલી ભુટ્ટોએ એવું કહ્યું હતું કે, અમે ઘાસ ખાશું પણ અણુ બોંબ બનાવીશું. 1998માં જ્યારે પાકિસ્તાને અણુ પરીક્ષણ કર્યું ત્યારે તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ્ે લોકોને સંબોધીને એવું કહ્યું હતું કે, હવે અમેરિકા આપણા પર આકરા પ્રતિબંધો લાદશે એટલે એક ટાઇમ ભૂખ્યા રહેવા માટે તૈયાર થઇ જાવ. ઇમરાન ખાને વડાપ્રધાન બન્યા પછી મોંઘી સરકારી કારોની હરાજી કરવાથી માંડીને વડાપ્રધાનનું નિવાસસ્થાન શાદી અને બીજા પ્રસંગો માટે ભાડે આપવા સુધીની વાતો કરી હતી. પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓ કહે છે કે, આવું બધું કરવાથી દેશ ન ચાલે. દેશને ચલાવવા માટે લાંબા ગાળાની યોજનાઓ હોવી જોઈએ. કરુણતા એ છે કે, પાકિસ્તાનના નેતાઓમાં કોઇ વિઝન જ નથી.

ઇમરાન ખાનને ઇતિહાસ કે ભૂગોળનું જ્ઞાાન પણ નથી. એને બોલવું કોને કહેવાય અને બાફ્વું કોને કહેવાય એની પણ સમજ પડતી નથી. લંડનના ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ ‘મિડલઇસ્ટ આઇક્રને હમણાં જ આપેલા ઇન્ટરવ્યૂમાં ઔઇમરાને મનમાં આવે એવી વાતો કરી હતી. ઔઇમરાને કહ્યું કે, નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે જાય છે અને પછી કાશ્મીરમાંથી 307મી કલમ હટાવી દેવામાં આવે છે. ઔઇમરાનનો ઇરાદો ભારત અને ઇઝરાયલને એક સાથે ટાર્ગેટ કરવાનો હતો પણ એમાં એ મૂરખ સાબિત થયા છે. નરેન્દ્ર મોદી 2017માં ઇઝરાયલની મુલાકાતે ગયા હતા અને સરકારે 2019માં કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવ્યો હતો. ઇમરાને કહ્યું કે, ભારત પાસે ખૂબ નાણાં છે, ઇન્ટરનેશનલ ક્રિકેટને પણ ભારત કંટ્રોલ કરે છે. ઇમરાન એ નથી જોતા કે, તમારે ત્યાં તો દુનિયાનો કોઇ દેશ ક્રિકેટ રમવા પણ આવતો નથી. ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લી ઘડીએ પાકિસ્તાન સાથેની મેચ રદ કરીને ઘરભેગી થઇ ગઇ હતી.

પાકિસ્તાનની ગાડી આડે પાટે ચડી ગઇ છે અને એ ગાડી ગમે ત્યારે અકસ્માત સર્જવાની છે. પાકિસ્તાનનું જે થવું હોય એ થાય, આપણને ચિંતા એટલી જ છે કે એ આપણને હેરાન કરવામાં સફ્ળ ન થાય. આપણી સેના અને ઇન્ટેલિજન્સ સહિતની તમામ મશીનરી સક્રિય છે. સુરક્ષા જવાનો રોજેરોજ કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારી રહ્યા છે. જે સંકેતો મળે છે એ એવા જ છે કે, આતંકવાદી ગતિવિધિઓ વધવાની છે, એની સામે સતર્ક રહેવું પડશે. નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે!

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો