ભારતીય નૌસેનાના જહાજ INS વિરાટની છેલ્લી સફર - Sandesh
  • Home
  • Mumbai
  • ભારતીય નૌસેનાના જહાજ INS વિરાટની છેલ્લી સફર

ભારતીય નૌસેનાના જહાજ INS વિરાટની છેલ્લી સફર

 | 3:23 am IST

મુંબઈ,તા.૨૩  

ભારતીય નૌ સેનામાં ૩૦ વર્ષ સુધી સેવા આપ્યા બાદ આઇએનએસ વિરાટ આજે તેની અંતિમ સફરે નીકળ્યું હતું. મુંબઈના નેવલ ડોકથી વિરાટ જયારે એસેનશિયલ રિપેર એન્ડ ડ્રાય ડોકિંગ માટે કોચી જવા નીકળ્યું ત્યારે અનેકની આંખો ભીની થઈ ગઈ હતી. આ વર્ષના અંતમાં તેને નૌકા દળમાંથી રૂખસદ આપવામાં આવશે. આ પ્રસંગે ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડના વાઇસ એડમિરલ ગીરીશ લુથરા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ જહાજની મુલાકાત લઇ ખલાસીઓનું અભિવાદન કરી તેમની સાથે વાતચીત કરી હતી.  

 વિમાન વાહક યુદ્ધ જહાજ વિરાટને ૧૯૮૭ની ૧૨ મેએ નૌકાદળમાં સામેલ કરાયું હતું. વિરાટ પર સી હેરિયર(ફાઇટર એર ક્રાફ્ટ), સી કિંગ-૪૨ બી (હાર્પુન-એન્ટી સબમરિન હેલિકોપ્ટર),સી કિંગ ૪૨-સી(કમાન્ડો કેરિયર હેલિકોપ્ટર) અને ચેતક હેલિકોપ્ટર તહેનાત રહેતા અને ઉડાન ભરતા. ૩૦ વર્ષના આ સમયગાળામાં ૨૨૫૦ દિવસ દરિયામાં તરતા રહી તેણે ૧૦,૯૪,૧૨૫ નોટિકલ માઇલનો પ્રવાસ ખેડયો હતો. વિરાટના તુતક પરથી ઉડેલા વિવિધ લડાયક વિમાનોએ  ૨૨,૦૩૪ કલાક સુધી હવામા ઉડાન ભરી હતી. ૧૯૮૯માં શ્રી લંકામાં શાંતિ સ્થાપવાના ઓપરેશન જયુપિટર અને ૧૯૯૯ના કારગિલ યુદ્ધ વખતે પણ તેણે મહત્વની કામગીરી પાર પાડી હતી.  

યુનાઇટેડ કિંગડમ(ઇંગ્લેન્ડ)ની રોયલ નેવીમાં એચએમએસ હર્મેસના નામે ૨૭ વર્ષ સેવા આપ્યા બાદ ભારતીય નૌ સેનામાં વિરાટનામ આપી તેનો સમાવેશ કરાયો હતો. સેન્ટોર ક્લાક સ એરક્રાફ્ટ કરિયરે ૧૯૮૨ના ફોકલેન્ડ કેમ્પઇન વખતે મોખરે રહી એ કામગીરી પાર પાડી હતી.  

વિરાટને મ્યુઝિયમ તરીકે સચવાશે કે વિક્રાંતની જેમ ભંગારવાડે લઇ જવાશે ?  

આ પહેલા ઇન્ડિયન નેવીના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતને મ્યુઝિયમમાં ફેરવી તેને કાયમ માટે સાચવવાનો પ્રસ્તાવ હતો. અને એ માટે લોક લાગણીનો પણ જુવાળ ઉઠયો હતો અને સોશ્યલ નેટર્વિંકગ સાઇટ્સ પર તેના માટે ઝુંબેશ પણ ચાલી હતી. પણ આખરે તેને ભંગારવાડે જ ધકેલી દેવાયું હતું. જોકે એ લોકચાહનાને રોકડી કરી લેવા બજાજ કંપનીએ તેના મેટલમો ઉપયોગ કરી બાઈક બનાવી હતી. પણ હવે વિરાટની પણ શું એ જ હાલત થશે એવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.