ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ - Sandesh
  • Home
  • Sports
  • ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ

 | 3:32 am IST

એન્ટિગુઆ, તા. ૨૦ 

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ પૈકી આજથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે જ્યાં ભારતીય ટીમની નજર વેસ્ટ ઇન્ડીઝમાં સિરીઝ જીતની હ્રેટિક પર રહેશે. ટીમ ઇન્ડિયાએ ૨૦૦૬માં રાહુલ દ્રવિડ અને ૨૦૧૧માં મહેન્દ્રસિંહ ધોનીના માર્ગદર્શન હેઠળ ટેસ્ટ સિરીઝ જીતી હતી. હવે વિરાટના નેતૃત્વમાં સિરીઝ જીતી ભારત સિરીઝ જીતની હેટ્રિક કરવાના લક્ષ્ય સાથે વેસ્ટ ઇન્ડીઝ પહોંચી છે. આ સિરીઝમાં અનુભવહીન વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતીય ટીમનું પલ્લું ભારે રહેવાની શક્યતા છે.  

અનિલ કુંબલેના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયા નવા અધ્યાયની શરૂઆત કરશે. કુંબલે કોચ બન્યા બાદ ભારતીય ટીમનો આ પ્રથમ પ્રવાસ છે. તેઓએ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનું મનોબળ વધાર્યું છે અને ગ્રૂપ એક્ટિવિટી દ્વારા ટીમને એકજૂટ કરી છે. વિરાટ પોતાના નેતૃત્વમાં પણ ટીમને સતત ત્રીજી સિરીઝમાં જીત અપાવવા માગે છે. તેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ૨-૧થી હરાવ્યા બાદ ગત વર્ષે સાઉથ આફ્રિકાને ૩-૦થી પરાજય આપ્યો હતો. જો કે, વેસ્ટ ઇન્ડીઝની પીચો ધીમી રહેવાની શક્યતા છે. અત્યારે પીચ પર સામાન્ય ઘાસ જોવા મળી રહી છે. જો કે, પીચ પાંચ દિવસ સુધી વધુ તૂટે નહી તે તેનો મુખ્ય ઉદ્શ્ય લાગી રહ્યો છે.   મુરલી વિજય અને શિખર ધવન ઓપનિંગ કરશે જ્યારે ત્રીજા નંબર માટે લોકેશ રાહુલ અને ચેતેશ્વર પૂજારા પૈકી એકની પસંદગી કરવી પડશે. પૂજારાએ ત્રીજા નંબરે વાપસી પછી ચાર ટેસ્ટમાં ૩૩.૬૬ની એવરેજથી જ રન બનાવ્યા છે જ્યારે લોકેશ રાહુલ છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં છે. તેણે બંને અભ્યાસ મેચમાં અર્ધી સદી ફટકારી હતી જેથી  રાહુલને તક મળે તેવી શક્યતા છે.  

બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં માર્લોન સેમ્યુઅલ્સ અને ડેરેન બ્રાવો સૌથી અનુભવી ખેલાડીઓ છે પરંતુ તેમનામાં નિરંતરતાનો અભાવ જોવા મળ્યો છે. ક્રેગ બ્રાથવેઇટ, બ્લેકવૂડ અને રાજન્દ્ર ચંદ્રિકા યુવા ખેલાડી છે તેમની પાસે કેપ્ટન હોલ્ડરને સારા દેખાવની અસર છે. બ્લેકવૂડે બીજા અભ્યાસ મેચની બંને ઇનિંગમાં સારો દેખાવ કર્યો હતો. ટીમની બોલિંગનો ભાર કેપ્ટન હોલ્ડરની સાથે કાર્લોસ બ્રાથવેઇટ, મિગુએલ કમિન્સ અને સ્પિનર દેવેન્દ્ર બિશુ પર રહેશે. ટીમનો મુખ્ય મદાર સ્પિનર બિશુ પર રહેશે. તે પોતાની લેગ સ્પિન બોલિંગ દ્વારા ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે.  

પીચ પર ઘાસ ઔરહેવાની શક્યતા 

ભારતના બેટિંગ કોચ સંજય બાંગરે કહ્યું કે, વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પીચ પર થોડી ઘાસ રહેવાની શક્યતા છે. જો પીચ પર થોડી ઘણી ઘાસ રખાય તો અમને હેરાની નહીં થાય. પીચ પર થોડી ઘાસ હોય તો પીચ બે દિવસ બાદ ધીમી થઈ જતી હોય છે. તેની અમને જાણકારી છે અને તે મુજબ અમે તૈયારી કરી રહ્યાં છીએ.

ભારત પાંચ બોલર સાથે ઊતરે તેવી શક્યતા 

ટીમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટમાં પાંચ બોલરો સાથે મેદાને ઊતરે તેવી શક્યતા છે. જેમાં અનુભવી બોલર ઇશાંત શર્મા ભુવનેશ્વરને સામેલ કરાશે જ્યારે ફિટ થઈ ગયેલા મોહંમદ શમી અથવા ઉમેશ યાદવ પૈકી એકને તક મળશે. ઇશાંત શર્માએ ૨૦૧૧ના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન ૨૨ વિકેટ ઝડપી હતી. આ વખતે પણ તેની પાસે સારા પ્રદર્શનની કોહલી આશા રાખી રહ્યો છે. ભારતીય ટીમ પાંચ બોલરો સાથે મેદાને ઊતરે તો રોહિત શર્માને બેન્ચ પર બેસવાનો વારો આવી શકે છે. રોહિત બીજી અભ્યાસ મેચમાં પણ બહાર બેઠો હતો. અમિત મિશ્રાને રોહિતના સ્થાને તક મળી શકે છે. સ્પીન બોલરમાં આર. અશ્વિનને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો સાથ મળી શકે તેમ છે. જાડેજાએ બીજી અભ્યાસ મેચમાં બેટિંગ અને બોલિંગ દ્વારા સારો દેખાવ કર્યો હતો. 

વિન્ડીઝ સામે છેલ્લા ૧૫ વર્ષથી ભારતનો દેખાવ  

વર્ષ ૨૦૦૨થી લઈને ભારત સામેની છેલ્લી ૧૫ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ જીત મેળવી શકી નથી. આ ૧૫ ટેસ્ટ પૈકી ભારતે આઠમાં જીત મેળવી છે જ્યારે સાત મેચ ડ્રો રહી છે. વેસ્ટ ઇન્ડીઝ છેલ્લે ૨૦૦૨માં ભારત સામેની ટેસ્ટ મેચ જીત્યા બાદ એકેય ટેસ્ટ મેચ જીતી શકી નથી. વેસ્ટ ઇન્ડીઝ ટીમના કથળતા પ્રદર્શનનો અંદાજ એના પરથી આવે છે કે, વર્ષ ૨૦૧૫ બાદ છેલ્લી ૨૧ ટેસ્ટ ઇનિંગમાં ઓપનિંગ જોડી ૫૦થી વધુની ભાગીદારી નોંધાવી શકી નથી.  

૯૦ ટેસ્ટ મેચ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધી રમાઈ છે જેમાં વેસ્ટ ઇન્ડીઝે ૩૦ ટેસ્ટ મેચ જ્યારે ભારતે ૧૬ ટેસ્ટ જીતી છે. બંને વચ્ચે ૪૪ ટેસ્ટ મેચ ડ્રો રહી છે.