ભારત NPT પર હસ્તાક્ષર નહીં કરે :સુષમા સ્વરાજે મક્કમ થઇ કહ્યું - Sandesh
  • Home
  • India
  • ભારત NPT પર હસ્તાક્ષર નહીં કરે :સુષમા સ્વરાજે મક્કમ થઇ કહ્યું

ભારત NPT પર હસ્તાક્ષર નહીં કરે :સુષમા સ્વરાજે મક્કમ થઇ કહ્યું

 | 10:39 pm IST

NSGમાં સ્થાન મેળવવામાં ભારતના પ્રયાસોમાં ચીન અડિંગો લાવે છે તે વાતનો સરકારે સ્વીકાર કર્યો હતો. સરકારે બુધવારે અધિકારિક રીતે જણાવ્યું હતું કે, ચીન ભારતને એનએસજીમાં સ્થાન મેળવવામાં પ્રક્રિયાગત નડતર ઊભો કરી રહ્યો છે. ચીન સાથેના આ મતભેદો દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકારે એવું પણ જણાવ્યું કે, ભારત એનએસજીમાં સ્થાન મેળવવા પ્રયાસ કરશે પણ એનપીટી પર હસ્તાક્ષર તો નહીં જ કરે.
 
સંસદની કામગીરી દરમિયાન લોકસભામાં સુપ્રિયા સુલે અને સૌગત બોઝના પૂરક પ્રશ્નોનો જવાબ આપવા દરમિયાન સુષમા સ્વરાજે આ માહિતી આપી હતી. સુષમાએ મક્કમતા પૂર્વક જણાવ્યું કે, હું આજે ફરીથી કહું છું, સંસદમાં કહું છું કે, ચીન માત્ર પ્રક્રિયાગત વિષયોની વાત કરીને ભારતનો વિરોધ કરી રહ્યો છે. ચીને એટલો જ વિરોધ કર્યો છે કે, એનપીટી પર હસ્તાક્ષર ન કરનારા દેશોને એનએસજીમાં સ્થાન ન આપવું જોઈએ. આ રીતે ચીન પ્રક્રિયાગત મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે.  

એક વખત વિરોધ કરે તો કાયમ જ કરે તેમ નથી હોતું 
સુષમા સ્વરાજે કોંગ્રેસને નિશાને લેતા જણાવ્યું કે, કોઈ આપણો એક વખત વિરોધ કરે તો તે કાયમ જ વિરોધ કરશે તેમ કહેવું વધારે પડતું છે. કોઈ એક વખત ન માને તો નહીં જ માને તેવું પણ સ્વીકારી લેવું અયોગ્ય છે. જીએસટી મુદ્દે અમારા કોંગ્રેસના મિત્રો નથી માનતા. અમે નથી સ્વીકાર્યું કે તેઓ નહીં માને. અમે સતત તેમને મનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે તેઓ માની જશે અને આ સત્રમાં જ જીએસટી પસાર થઈ જશે.  

એનપીટી મુદ્દે સરકાર સ્પષ્ટ છે 
એનપીટીમાં હસ્તાક્ષર કરવા અંગે સુષમાએ જણાવ્યું કે, 2008માં અસૈન્ય પરમાણુ સંબંધે આપણને જે રાહત આપવામાં આવી હતી. તેના આધારે ભારતને એનપીટીમાં હસ્તાક્ષર કર્યા વગર આગળ વધવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. આ રાહતના આધારે જ અમે કહીએ છીએ કે ભારત ક્યારેય એનપીટી પર હસ્તાક્ષર નહીં કરે. અમે તેના માટે પ્રતિબદ્ધ છીએ. આ ઉપરાંત પૂર્વ સરકારના પણ વખાણ કરતા કહ્યું કે, પૂર્વ સરકારે પણ આ પ્રતિબદ્ધતા જાળવી રાખી હતી જે સારી બાબત છે. ભારતે એનએસજી માટે પૂરતો પ્રયાસ કર્યો છે અને તે યથાવત્ જ રહેશે.