ભાવનગર ટોળાની બાનમાં ઃ પથ્થરમારો, તોડફોડ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગર ટોળાની બાનમાં ઃ પથ્થરમારો, તોડફોડ

ભાવનગર ટોળાની બાનમાં ઃ પથ્થરમારો, તોડફોડ

 | 10:17 pm IST

ભાવનગર, તા.ર૦ 

ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના સમઢિયાળા ગામના દલિત યુવાનો પર દમન ગુજારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતભરમાં પડયાં છે. જેના પગલે દલિત પેન્થર સેના દ્વારા અપાયેલાં સમગ્ર ગુજરાત બંધનું એલાનની સાથે આજે ભાવનગર શહેર અને જિલ્લામાં ધંધા-રોજગારને બંધ કરાવવા દલિત સમાજના ટોળાંએ રોડ પર ઉતરી આવી પથ્થરમારો કરી વાહનોની તોડફોડ અને દુકાનોના કાચ ફોડયાં હતા. જેના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરમાં અરાજકતા અને તંગદીલી ફેલાઈ ગઈ હતી.  

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે દિવસની દલિત દમનની ઘટનાના ભારે વિરોધ વચ્ચે આજે ભાવનગર બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહિ તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ એસ.પી.દીપાંકર ત્રિવેદી, ડીવાયએસપી આઈ.જી.શેખ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 

જો કે, આજે દલિત સમાજના હજ્જારોની સંખ્યામાં નીકળેલાં લોકોની રેલીએ પોલીસ અધિકારીઓના શ્વાસ અધ્ધર કરી દીધાં હતા. કેટલાંક સ્થળોએ લોકોના હલ્લાબોલ સામે મૂક પ્રેક્ષક બની જવા સિવાય કોઈ આરો રહ્યો ન હતો. જેથી રાહદારીઓ અને આમજનતામાં નારાજગી ફેલાઈ હતી. 

જાણવા મળ્યાં મુજબ શહેરના કુંભારવાડા, ચિત્રા વિસ્તારમાંથી દલિત સમાજના અગ્રણીઓની સાથેના લોકોના ટોળાંએ એસ.ટી.બસ સ્ટેશન રોડ, પાનવાડી, જશોનાથ સર્કલ પાસે એકઠાં થયા બાદ ભારે સૂત્રોચ્ચાર કરી નજીકના સાગર કોમ્પ્લેક્સમાં ઘૂસી જઈ તમામ દુકાનો બંધ કરાવી હલ્લાબોલ કરતાં આગળ વધી જિલ્લા પંચાયત કચેરી સામે આવેલાં ભાજપના જ મોટા ગજાના અગ્રણીના મે.સત્યનારાયણ પેટ્રોલપંપ તરફ ધસી જતાં એક તબક્કે અફડાતફડી થવાનો ભય સર્જાયો હતો. જો કે, પોલીસ બંદોબસ્ત તૈનાત રહેતાં કોઈ ઘટના ઘટી ન હતી. 

અહીંથી નીકળી ટોળાંએ ઘોઘા ગેટ, રૃપમ ચોક, મેઈનબજાર, ખારગેટ, વોરાબજારની ખુલ્લી દુકાનોને બંધ કરાવી હતી. તેમજ શાક માર્કેટમાં શાકભાજી, ફળ ફળાદિની લારીઓ ઊંધી વાળી દીધી હતી. ટોળાને દિશા હોતી નથી તેમ લોકોએ મેઈન બજારની કેટલીક દુકાનોના કાચ ફોડયાં હતા, આટલેથી નહિ અટકતાં ટોળાંએ મોટર સાઈકલ, સ્કૂટર, મોટરકાર વગેરે વાહનોની પણ તોડફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. અહીંથી નીકળી ટોળાંએ શહેરભરમાં અરાજકતાનો માહોલ સર્જી દીધો હતો. લોકોના હાકોટા, પડકારા અને તોડફોડ, નૂકસાન, કાયદો હાથ લેનારા તત્ત્વોની સામે પગલાં ભરવાનું તો બાજુ પર રહ્યું તેને અટકાવવામાં પણ પોલીસ હિંમત કરી શકી ન હતી. પોલીસને મૂકપ્રેક્ષક બની શહેરની રોનકને તહસનહસ થતી જોઈ રહેવા સિવાય કોઈ બીજો કોઈ આરો રહ્યો ન હતો. ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ચૂસ્ત ગોઠવાયો હતો. તોફાનીઓને અટકાવતી પોલીસને પણ લોકો સામા થતાં જોવા મળતાં હતા. 

દરમિયાનમાં દલિત સમાજના ટોળાંએ ભાવનગર શહેરના તમામ પેટ્રોલપંપ પર ધસી જઈ હોકારા પડકારા કરી તેને બંધ કરાવી દીધાં હતા. પેટ્રોલ પુરાવવા આવેલાં વાહનચાલકોએ પણ ત્યાંથી ખસી જવાની સમજદારી દાખવી હતી.  

દરમિયાનમાં આજે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ભાવનગર શહેરમાં ભારે અરાજકતા સર્જી દીધાં બાદ આશરે એકાદ હજાર માણસોના ટોળાની સાથે દલિત અગ્રણીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા દોડી ગયા હતા. 

આમ, ગુજરાત બંધના એલાનની સાથે આજે દલિત સમાજ દ્વારા ભાવનગર બંધના એલાનને સફળ બનાવવા ભારે અરાજતા, તંગદીલી સર્જી દીધી હતી. જો કે, એસપી દીપાંકર ત્રિવેદી, ડીવાયએસપી આઈ.જી.શેખ, એલસીબી પીઆઈ લાલીવાલા, પીએસઆઈ એસ.એન.ચુડાસમા, એસઓજી પીએસઆઈ કે.જે.રાઠોડ, પીઆઈ હુદા, પીઆઈ વસાવા, પીઆઈ તડવી, પીઆઈ બાંભણીયા, પીઆઈ વી.એન.રબારી સહિતના પોલીસ કર્મચારીઓનો કાફલો શહેર અને જિલ્લામાં તૈનાત કરવામાં આવતાં કોઈ અનિચ્ચનીય બનાવ બનવા પામ્યો ન હતો અને ભારે તંગદીલી, અફડાતફડી, અરાજકતાંના માહોલ વચ્ચે ભાવનગર બંધ સફળ રહ્યો હતો.

  •  શાકમાર્કેટમાં ટોળાનું ગરીબો પર દમન

ભાવનગર શાકમાર્કેટમાં આજે બુધવારે દલિતોની રેલી દરમિયાન કેટલાક શખ્સોએ ગરીબ વેપારીઓની લારીઓ ઉંધી વાળી દઇ આખો દિવસ ટાઢ-તડકાને વરસાદમાં ઉભા રહી માંડમાંડ પેટીયુ રળતા ગરીબો પર દમન કર્યું હતું. સરકારી મિલ્કતો સામે રોષ વ્યક્ત કરાઇ તે સ્વાભાવિક બાબત છે પરંતુ ગરીબ લારીધારકો સામેનો રોષ યોગ્ય ગણી શકાય તેમ નથી. જો કે, શાકમાર્કેટમાં પણ કેટલાક દલિત અગ્રણીઓએ લારીઓ ઉંધી વાળનાર યુવાનોને સમજાવીને શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા ટકોર કર્યા બાદ કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.