ભિવંડીની મકાન હોનારતનો કેસ ૩ વર્ષ બાદ હવે શરૂ થશે - Sandesh
  • Home
  • Mumbai
  • ભિવંડીની મકાન હોનારતનો કેસ ૩ વર્ષ બાદ હવે શરૂ થશે

ભિવંડીની મકાન હોનારતનો કેસ ૩ વર્ષ બાદ હવે શરૂ થશે

 | 3:19 am IST

મુંબઈ, તા. ૨૦

ત્રણ વર્ષથી વધુ સમય અગાઉ ભિવંડીમાં એક મકાન તૂટી પડતાં છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં અને આ હોનારતને લગતો ખટલો આખરે બીજી ઓગસ્ટથી શરૂ થશે. થાણે સેશન્સ કોર્ટમાં મેજિસ્ટ્રેટ કે. આર. પાટીલ આ કેસની સુનાવણી કરશે.  

ભિવંડી નજીક કલહેર ગામમાં બિગ ગાર્મેન્ટ્સ નામની ગાર્મેન્ટ ફેક્ટરી ધરાવતી બે મજલી બિલ્ડિંગ જુલાઈ ૨૦૧૩માં તૂટી પડતાં છ જણ માર્યા ગયાં હતાં અને અન્ય ૩૦ જણ ઘવાયાં હતાં.

આઠ હજાર ચોરસ ફૂટના અરિહંત કોમ્પલેક્સમાં રાતે લગભગ પોણાબે વાગ્યે આ કરૂણાંતિકા સર્જાઈ હતી. તૂટી પડેલી બિલ્ડિંગ ૨૦૦૩માં બંધાઈ હતી. વધારાના ત્રીજા મજલાના ભાર સાથે ભારે વરસાદને કારણે બિલ્ડિંગ તૂટી પડી હતી એવું બચાવ કામગીરી કરનારા અધિકારીઓએ તે સમયે જણાવ્યું હતું.  

પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર બિગ ગાર્મેન્ટ ફેક્ટરીના માલિક પ્રેમ પંજાબીએ કૂરતા બનાવવા માટે બિલ્ડિંગના પહેલા મજલે દુકાન નં. ૫, ૬ અને ૭ ખરીદી હતી.  બિલ્ડિંગ તૂટી પડી ત્યારે ફેક્ટરીમાં ૪૫ લોકો રાતપાળીમાં હતા.

૧૩ કામદારો છટકી જવામા સફળ થયા હતા. જ્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે અન્ય ૨૬ જણને ઉગારી લીધા હતા. ત્યાર બાદ સદોષ મનુષ્યવધના આરોપોસર નારપોલી પોલીસે અરિહંત કોર્પોરેશનના સંજય અને હસમુખ દોઢિયાની સાથે પંજાબી સહિત સાત વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.  

અન્ય આરોપીઓને આર્કિટેક્ટ રવિશ ધુરૂ અને કોન્ટ્રેક્ટરો રઇસ કુરેશી, મુનશી તથા મોહમ્મદ બદગુઝર તરીકે ઓળખાવાયા હતા.તપાસકર્તાઓએ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ આ બાબતમાં ૭૦૦ પાનાંની ચાર્જશીટ સુપરત કરી હતી.

પંજાબીએ છેતરપિંડીઃઔફોર્જરીનો કેસ નોંધાવ્યો  

૯૯ દિવસ જેલમાં વીતાવનારા પંજાબીએ કહ્યું હતું કે, અરિહંત કોમ્પલેક્સ ખાતે ગેરરીતિઓ સંબંધમાં સત્તાવાળાઓ પાસેથી જવાબ મેળવવા તેમણે માહિતી અધિકાર કાયદા હેઠળ પચાસથી વધુ અરજીઓ નોંધાવી હતી. પંજાબીએ એવો દાવો કર્યો હતો કે, એક જવાબમાં એમએમઆરડીએ દ્વારા એવો સંકેત અપાયો હતો કે યોગ્ય પરવાનગીઓ વગર બિલ્ડિંગો બાંધવામાં આવી હતી. ગત્ વર્ષે ઓક્ટોબરમાં પંજાબીએ છેતરપિંડી અને ફોર્જરીનો કેસ નોંધાવ્યો હતો જેમાં દોઢિયા તથા અન્ય ચાર આરોપીએ તેમને છેતર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.  

એમએમઆરડીએઔતરફથી નોટિસ પાઠવાઈ  

આ મહિનાની શરૂઆતમાં એમએમઆરડીએ દ્વારા દોઢિયાને નોટિસ પાઠવાઈ હતી જેમાં ક્યાં તો પરવાનગીની પ્રમાણભૂત નકલો રજૂ કરવા અથવા મજકુર બાંધકામને તોડી પાડવા અને જમીનને તેની મૂળ હાલતમાં પ્રસ્થાપિત કરવા જણાવાયું હતું.  

આક્ષેપોને નકારતા સંજય દોઢિયા  

સંજય દોઢિયાએ જણાવ્યું હતું કે, હજી સુધી તેમને આવી નોટિસ નથી મળી. મારી સામેના તમામ આક્ષેપો બોગસ છે. અરિહંત કોમ્પલેક્સની અંદર તમામ ઈમારતો કાયદેસર છે. અમે ખટલો શરૂ થવાની રાહ જોઈ રહ્યાં છે. બિલ્ડિંગ તૂટી પડી હતી એ પ્લોટ પર વધુ કશું નથી.