મઢમાં પતરી ગોઠવી, પ્રથમ ડાકે ક્ષણમાં જ મહારાણીની ઝોળીમાં મળ્યો પ્રસાદ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • મઢમાં પતરી ગોઠવી, પ્રથમ ડાકે ક્ષણમાં જ મહારાણીની ઝોળીમાં મળ્યો પ્રસાદ

મઢમાં પતરી ગોઠવી, પ્રથમ ડાકે ક્ષણમાં જ મહારાણીની ઝોળીમાં મળ્યો પ્રસાદ

 | 2:00 am IST
  • Share

છેલ્લા ૭૦ વર્ષથી કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા માતાના મઢ ખાતે બિરાજમાન મા આશાપુરાની પતરી વિધિ કરવામાં આવતી હતી, પરંતુ તેમના અવસાન બાદ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદા મુજબ સ્વ. મહારાઓ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી  પ્રીતિદેવી દ્વારા પતરી વિધિ કરવામાં આવી હતી. કચ્છનાં ઇતિહાસમાં પહેલીવાર રાજ પરિવારના મહિલાનાં હસ્તે પતરી વિધિ સંપન્ન કરવામાં આવી હતી, તો ભુજના આશાપુરા મંદિરમાં રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજાએ પતરી ગ્રહણ કરી હતી. આ ધાર્મિક વિધિને નિહાળવા માટે બંને મંદિરોમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડયા હતા.
છેલ્લા ૭૦ વર્ષથી કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા હસ્તે પતરી ગ્રહણ કરવામાં આવતી હતી, પરંતુ તેમના દેહાંત બાદ આ વર્ષે પહેલીવાર મહારાણી પ્રીતિદેવીનાં હસ્તે માતાના મઢ ખાતે પતરી ગ્રહણ કરવામાં આવી હતી, તે પૂર્વે મા આશાપુરા પાસે સર્વે લોકોના હિત માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે મહારાણીને ગણતરીની સેકન્ડમાં જ માતાએ પતરીરૂપી પ્રસાદ આપતાં આ ઘટના પણ ઐતિહાસિક બની રહી. જે નિહાળીને ઉપસ્થિત માઇભક્તોમાં પણ હર્ષની લાગણી ફેલાઇ જવા પામી હતી. પતરી વિધિ સમયે પૂજારી રાજાબાવા, ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ જ રીતે ભુજમાં આશાપુરા મંદિર રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજાનાં હસ્તે પતરી વિધિ સંપન્ન કરવામાં આવી તે પૂર્વે દરબાર ગઢમાં પ્રસ્થાપિત મોમાયમાતાજીનાં મંદિર ખાતે ચામર પૂજા કરવામાં આવી હતી અને અહીંથી વાજતે ગાજતે કાફલો મા આશાપુરાના સ્થાનકે પહાંેચ્યો હતો અને અહીં શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક મા આશાપુરાનાં મસ્તક ઉપર પતરી ચડાવવામાં આવી હતી અને રોહા ઠાકોર માતાજીની સન્મુખ પોતાનો ખેસ પાથરીને ઊભા રહ્યા હતા, ત્યારે ડાકના સથવારે માતાની સ્તુતિ ગવાતી હતી તે દરમ્યાન માતાજીએ પોતાના મસ્તક ઉપરથી પતરી આશીર્વાદરૂપે મળતાં સંકુલમાં જય માતાજીના નારા ગુંજ્યા હતા. મંદિરનાં પૂજારી મહંત જનાર્દન દવે, પૂજારી કવન અને મારુત દવેની ઉપસ્થિતિમાં મંદિરનાં ટ્રસ્ટ વતી રજનીકાંત જોષીએ જહેમત ઉઠાવી હતી. પતરી વિધિ પૂર્ણ થયા બાદ સર્વે માઇભક્તોને નૈવેધ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, જેમાં આરતી ગ્રૂપના કાર્યકરો સહયોગી રહ્યા હતા.
નોંધનીય છે કે, શક્તિની આરાધના પૂજાનાં ભાગરૂપે રાજવંશમાં છેલ્લા સાડા ચારસો વર્ષથી પતરી વિધિની પરંપરા ચાલી આવી છે.  આ પ્રથા સાડા ચારસો વર્ષ પૂર્વે પ્રતાપી જાડેજા રાજવી ખેંગારજી પ્રથમથી ચાલુ થઇ તે આજપર્યંત રાજવી પરિવાર દ્વારા પરંપરા જાળવી રાખવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો