મણિનગર, વસ્ત્રાલ, ઓઢવ, રામોલ અને હાટકેશ્વરમાં છૂટાછવાયાં ઝાપટાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મણિનગર, વસ્ત્રાલ, ઓઢવ, રામોલ અને હાટકેશ્વરમાં છૂટાછવાયાં ઝાપટાં

મણિનગર, વસ્ત્રાલ, ઓઢવ, રામોલ અને હાટકેશ્વરમાં છૂટાછવાયાં ઝાપટાં

 | 5:25 am IST
  • Share

  • સામાન્ય વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઇ નહીં એવું તો બને જ નહીં
  • ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયાં તો ક્યાંક ગટરનાં પાણી બેક મારતાં દુર્ગંધ ફેલાઈ
  •  બપોરના સુમારે કાળા ડિબાંગ વાદળો બાદ વરસાદ પડતાં માહોલમાં ઠંડક પ્રસરી ગઇ હતી

નવરાત્રિમાં મેઘરાજા પણ ખેલૈયાઓ ઉપર મહેરબાન બન્યા હોય તેમ લાગી રહ્યું છે. આ વર્ષે જ નવરાત્રિમાં પણ વરસાદ પડી રહ્યો છે. પરંતુ દિવસે જ વરસાદ પડતાં ખેલૈયાઓ રાતે ગરબાની મજા માણી રહ્યા છે.  કોરોનાને કારણે ગત વર્ષે ગરબા રમી ના શકતાં આ વર્ષે છુટ મળતાં જ ખેલૈયાઓ મનમુકીને ગરબા રમી રહ્યા છે. ત્યારે મેઘરાજા પણ તેમા વિધ્ન નાંખવાનું મુનાસિબ માનતા નથી એટલે ફરી સોમવારે પણ શહેરના મણિનગર, ખોખરા સહિતના પૂર્વ વિસ્તારમાં દિવસે જ અડધો કલાકમાં અડધો ઇંચ જેટલો  વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. જો કે રાત સુધીમાં આ ભરાઇ ગયેલા પાણી ઓસરી જવાના કારણે ગરબા રમવાના પ્લાન ઉપર પાણી ફરી વળતાં બચી ગયું છે.

શહેરના મણિનગર, ખોખરા, વસ્ત્રાલ, હાટકેશ્વર, વટવા, ઘોડાસર, જશોદાનગર, ઓઢવ અને રામોલ સહિતના વિસ્તારોમાં સોમવારે બપોરના સુમારે કાળા ડિબાંગ વાદળો બાદ વરસાદ પડતાં માહોલમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અચાનક વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી પણ ભરાઇ જતાં રાહદારી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઘણી જગ્યાએ તો ટ્રાફિકજામ થતાં લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. શહેરના પૂર્વ વિસ્તારના નાના ચિલોડા, નરોડાથી અસલાલી સુધીના એસપી રીંગરોડ ઉપર પણ વરસાદને પગલે ટ્રાફિકજામથી અનેક લોકો અટવાઇ ગયા હતા. જો કે સામાન્ય વરસાદમાં પણ પૂર્વ વિસ્તારમાં પાણી ના ભરાય તેવું તો બને જ નહીં. મ્યુનિ.તંત્રના વાંકે સામાન્ય વરસાદમાં પણ પૂર્વના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. તો કેટલીક જગ્યાએ ગટરના પાણી બેક મારતાં ગંદા પાણી રસ્તામાં ભરાઇ જતાં તેની દૂર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા. આખરે રાત સુધીમાં આ પાણી ઓસરી જતાં  ખેલૈયાઓએ રાહતના શ્વાસ લીધા હતા. કેટલાક ખેલૈયાઓ બોલી ઉઠયા હતા કે આ વર્ષે તો મેઘરાજા પણ આપણી ઉપર મહેરબાન છે, એટલે જ તો દિવસે વરસાદ પડે છે. નહીંતર રાતે વરસાદ પડે તો નવરાત્રિની મજા જ બગડી જાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો