મધમાખી એક સુંદર ડાન્સર – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS

મધમાખી એક સુંદર ડાન્સર

 | 1:01 am IST

મધમાખીઓ ખરેખર સુંદર ડાન્સર છે, વાંચવામાં આ વાક્ય મજેદાર છે. ઘણાંને તો આ વાત મજાક પણ લાગી શકે છે, પરંતુ ખરેખર આ કોઇ મજાક નથી જ. હકીકતમાં મધમાખીઓમાં ડાન્સ કરવાની આવડત કુદરતે બક્ષી છે, અને હાલ ઘણા દેશના વૈજ્ઞાાનિકો સૃષ્ટીના આ જીવની નૃત્યની કળા ઉપર શોધખોળ કરી રહ્યા છે. સવાલ અહીં એ થાય કે જો મધમાખી સારી ડાન્સર છે તો વૈજ્ઞાાનિકો શું કામ આ પાછળનું કારણ શોધી રહ્યા છે? કારણ કે જીવ જગતમાં ઘણા પક્ષીઓ એવા છે જે ડાન્સ કરતાં હોય છે, જેમ કે મોર, મોર પોતાની ઢેલને રીઝવવા અમુક સમયે કળા કરીને ડાન્સ કરતો જોવા મળે છે.

મોરનું ડાન્સ કરવા પાછળનું કારણ આપણે જાણીએ છીએ કે તે ઢેલની રીઝવવા ડાન્સ કરતો હોય છે, કળા કરતો હોય છે. જ્યારે મધમાખીના ડાન્સ પાછળનું કારણ શું છે? મધમાખીઓને શું કામ સુંદર ડાન્સર કહેવામાં આવે છે, તેના બેઝીક કારણની તપાસ થઇ ચૂકી છે, અને હાલ વૈજ્ઞાાનિકો આ માટે વધારે ઊંડી તપાસ કરી રહ્યા છીએ. તો ચાલો જાણી લઇએ મધમાખીને શું કામ સુંદર ડાન્સર ગણવામાં આવે છે.

શું કામ મધમાખી સુંદર ડાન્સર?

આપણે જાણીએ છીએ કે પક્ષીઓ અને પ્રાણીઓ મનુષ્યોની માફક બોલી નથી શકતાં, ઘણાં પક્ષીઓ એવા છે કે જેઓ ઝુંડમાં રહેતા અને ફરતા હોય છે, ખાસ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હોય કે ખોરાકની શોધ કરવી હોય તો તેઓ ઝુંડમાં જતા હોય છે, ત્યારે બોલી ન શકતાં આ જીવ એકબીજા સાથે કોમ્યુનિકેટ પોતાની ચોક્કસ રીતથી કરતા હોય છે. મધમાખીઓનું પણ એવું જ છે, તેઓ પણ ઝુંડમાં જ મધપૂડામાં રહે છે, અને અલગ-અલગ ફૂલોના બગીચામાં સાથે ફૂલોના પરાગરસને ચૂસવા માટે જતાં હોય છે.

નવી જગ્યા શી રીતે શોધે?

મધમાખીઓ જ્યારે એક જગ્યાએથી ફૂલોના બગીચામાં અથવા જે જગ્યાએ સૌથી વધારે ફૂલ હોય તે જગ્યાએથી પરાગરસ ચૂસી લીધા બાદ બીજી જગ્યા શોધે છે. જ્યાં તાજા ફૂલોમાંથી પરાગરસને ચૂસી શકાય. હવે આ ફૂલોની જગ્યા શોધવા માટે મધમાખીઓ કઇ રીતે મહેનત કરે છે, તેઓ કઇ રીતે જગ્યા શોધે છે તે ખૂબ મજેદાર છે. અમુક મધમાખીઓ જ્યારે ફૂલો શોધવા જાય છે ત્યારે તે ચારેદિશામાં ફરીને કઇ જગ્યાએ ફૂલોનો જથ્થો છે તેની શોધ કરતા હોય છે, જે પણ મધમાખીને ફૂલોનો બગીચો કે જથ્થો મળી જાય એટલે તે તરત પોતાના મધપૂડામાં પાછી આવે છે, મધપૂડામાં પાછી ફર્યાં બાદ તે પોતાની બીજી સાથી મધમાખીઓને કઇ જગ્યાએ ફૂલનો ભંડાર છે તે જણાવે છે. આપણે જાણીએ છીએ કે મધમાખી બોલી નથી શકતી, તો તે કઇ રીતે જણાવી શકે કે ફૂલનો જથ્થો ક્યા સ્થળે છે, આ જ તો કુદરતની કરામત છે, કુદરતે દરેક જીવને એક એવી શક્તિ આપી છે જેના વડે તે પોતાના સાથી જીવ સાથે કોમ્યુનિકેટ કરી શકતા હોય છે. મધમાખીઓ પાસે પણ આ કળા છે જ. મધમાખી પોતાની સાથી મધમાખીઓને ફૂલોની જગ્યા બતાવવા સુંદર ડાન્સ કરે છે, તે પોતાના ડાન્સ વળે દિશાનું સૂચન કરી બતાવે છે. મધમાખી સૂર્યથી કઇ દિશામાં ફૂલનો જથ્થો અને પોતાનો ખોરાક તેમને મળશે તે મધમાખી આવી જ રીતે ડાન્સ કરીને સાથીઓને સમજાવતી હોય છે.

ડાન્સ કરીને સમજાવે

મધમાખીને પરાગરસ ધરાવતા ફૂલોનો નવો ભંડાર મળી આવે ત્યારે તરત આ સમાચાર બીજી મધમાખીને આપવા તે મધપૂડામાં આવી જાય છે. મધપૂડામાં આવીને બીજી મધમાખીઓની પીઠ પર ફરતી જાય છે, અને પોતાનું પેટ ધ્રુજાવતી જાય છે. બાદમાં તે બધાની વચ્ચે પાંખો ફફડાવતી ગોળાકાર ફરે છે. ગોળાકાર મતલબ લંબગોળ આકારમાં ફરે છે, તેનો ઉપરનો ભાગ જે દિશામાં હોય તે દિશામાં પરાગરસનો ભંડાર હોય છે. લંબગોળ પૂરો કરતાં મધમાખી પાંખો વધારે ફફડાવે છે. એ જેટલો વધારે સમય પાંખો જોરથી ફફડાવે તેટલો પરાગરસનો ભંડાર વધારે દૂર હોય છે. એક લંબગોળની બાજુમાં તે બીજંુ લંબગોળ બનાવે છે જે સૂર્યથી કઇ દિશા તરફ જવાનું છે તેનો સંકેત હોય છે. મધમાખીઓ એક સીઝનમાં ૫૦૦ મિલિયન ફૂલો ઉપર ફરી આવે છે મતલબ કે એક સીઝનમાં તેઓ આશરે ૯૦ કિલો જેટલું મધ ભેગું કરે છે.

આમ મધમાખી ડાન્સ કરીને પોતાની સાથી મધમાખીઓને મધ કઇ દિશામાં છે તેનો સંકેત આપી જણાવે છે. તેથી મધમાખીને સુંદર ડાન્સર કહેવામાં આવે છે.