મનજીકાકાનું ટ્રેેક્ટર ફસાયું! - Sandesh

મનજીકાકાનું ટ્રેેક્ટર ફસાયું!

 | 2:26 am IST

સતત ત્રણ દિવસ ઝરમર ઝરમર વરસાદ પડવાથી ગામના બધા જ ખુશ હતા. આખા ગામમાં ચારેબાજુ ભીની માટી અને વચ્ચે વચ્ચે ક્યાકં ખાબોચિયાં દેખાતા હતા. આમ તો રસ્તા સિમેન્ટના પાકા બની ગયા હતા. જોકે હજી ઘણી જગ્યાએ કાચા રસ્તા હતા, ત્યાં કાદવ થયો હતો. એટલે જ અમે શેરીના પાંચ છોકરા-છોકરી સ્કૂલે જવા માટે એ રસ્તા પર સ્લીપર કાઢીને નીકળ્યા.  

સાચવીને ચાલતાં ચાલતાં બજારમાંથી આગળ વધી પાદરના રસ્તે નીકળ્યા તો એક ટ્રેકટર રસ્તા વચ્ચે ઊભું હતું. ટ્રેકટર ચાલુ હતું, એની ઘરઘરાટીનો મોટો અવાજ સંભળાતો હતો. અમે નજીક જઈને જોયું તો ખબર પડી કે ટ્રેકટરનું એક પૈડું કાદવમાં હતું. ટ્રેકટરમાં મનજીકાકા હતા, એ ટ્રેક્ટર જોશથી ચલાવતા હતા. એના પૈડાં પણ જોશભેર ફરતા હતા. કાદવમાં ફસાયેલું પૈડું ફરે તો કાદવ ઉડતો હતો, પણ પૈડું આગળ વધતું નહોતું.  

રીના બોલી, ‘અલી આ તો મનજીકાકા છે. એમનું ટ્રેક્ટર આજે ફસાઈ ગયું.  

હા, ચાલને આપણે એમને મદદ કરીએ!મેં વાત ઝીલી લીધી.  

રીના કહુ, ‘ના હોં. સ્કૂલે જવાનું મોડું થશે. કાકા તો કોઈને બોલાવી લાવશે.  

પણ હું ન માની. મેં કહી દીધું, ‘બધાએ જવું હોય તો જાવ. પણ હું તો મનજીકાકા પાસે જઈશ. એમને પૂછીશ પણ ખરી કે મદદ કેવી રીતે કરી શકાય?’  

આખરે અમે બધા ટ્રેક્ટર પાસે ગયા. મનજીકાકા વરસાદમાં પલળેલા હતા. એ ઘડીક નીચે ઉતરીને ટ્રેક્ટરના પૈડાં પાસે જાય અને પાછા ટ્રેક્ટર પર બેસીને જોશભેર ચલાવે. પણ કશો ફાયદો થતો નહોતો. પૈડું જ્યાં હતું ત્યાં ખાડો વધતો જતો હતો.  

નજીક જતાં જ હરેશ કહે, ‘મનજીકાકા અમે મદદ કરીએ?’  

મનજીકાકા કહે, ‘મદદની જરૃર તો છે જ! પણ છોકરાંવ તમે શું મદદ કરશો?’  

હરેશ કહે, ‘અમારા સાહેબે વિજ્ઞાાનમાં શીખવાડેલું એ રીતે મદદ કરીએ?’  

એમ! શું શીખવાડેલું તમારા સાહેબે?’ મનજીકાકા થાક્યા હતા. એમણે નિરાંતે ટ્રેક્ટર પર બેઠક જમાવી.  

થોડી ઈંટો લઈ આવવી પડશે.હરેશે કહ્યું, ‘તમે મદદ કરશો?’  

મનજીકાકા અને હરેશ સાથે અમે પણ પાદરે બંસીધરકાકાના ખેતરે ઓરડી બનતી હતી ત્યાં ગયા. બધાએ બે-બે ઈંટ ઉપાડી. બંસીધર કાકા અને એમના બે દાડિયાઓએ પણ ઈંટો ઉપાડી. અમે બધા ટ્રેક્ટર પાસે પાછા આવ્યા.  

હરેશે ટ્રેક્ટરના મોટાં પૈડાં આગળ ઈંટોના એક એક કરીને ત્રણ થર પાથર્યા. બરાબર દબાવી દીધા. પછી મનજીકાકાને કહે, ‘કાકા હવે ટ્રેક્ટર ચાલુ કરીને આગળ ચલાવો.  

મનજીકાકાએ ટ્રેક્ટર ચાલુ કર્યું. અમે બધાએ ભેગા મળીને ધક્કો માર્યો. તરત જ ટ્રેક્ટર આગળ ચાલ્યું અને કાદવમાંથી નીકળીને બહાર આવી ગયું. મનજીકાકા ખુશ થઈ ગયા. કહે, ‘લ્યા છોકરાંવ તમારા સાહેબને મળવું પડશે. તમને હોશિયાર કરી દીધા હોં!