મહિલાઓ, સાયબર ક્રાઈમ્સ અને કાયદો - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • મહિલાઓ, સાયબર ક્રાઈમ્સ અને કાયદો

મહિલાઓ, સાયબર ક્રાઈમ્સ અને કાયદો

 | 4:08 am IST

લો ફોર લેડિઝ : ડો. અમી યાજ્ઞિાક

આજકાલ કમ્પ્યૂટરની જરૂરિયાત અનિવાર્ય બની ગઈ છે. આજે બધા જ લોકો પછી તે વિદ્યાર્થીઓ હોય, શાળાએ જતાં બાળકો હોય, મહિલાઓ હોય પછી તે ઘરે કામ કરતી હોય કે ઘર બહાર કામ કરતી હોય બધાં જ કમ્પ્યૂટર અને ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. લેપટોપ, આઈપેડનો ઉપયોગ તો હોય છે જ, પરંતુ હવે મોબાઈલ ફોન ઉપર પણ આ સુવિધા એટલે કે ઈન્ટરનેટ ટેક્નોલોજીનો ઉપયોગ વધી ગયો છે. મોબાઈલ ફોનમાં પણ કમ્પ્યૂટરની સ્ક્રીન પર આવતી વિગતો જોઈ શકાય છે. ઘર બેઠાં એક સેકન્ડમાં તમારે તમારા મિત્ર કે સગાંને બીજા શહેરમાં કે પરદેશમાં સમાચાર મોકલવા હોય તો તાત્કાલિક કમ્પ્યૂટરમાંથી અથવા તો મોબાઈલમાંથી ઈન્ટરનેટ દ્વારા તે સમાચાર મોકલી શકાય છે. બધાનો વ્યવહાર આજે ઈ-મેલ અને વોટ્સ-એપથી થઈ ગયો છે.

૨૦૦૦ ની સાલમાં કેન્દ્ર સરકાર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ લાવી. ભારતમાં ભારતીય માહિતી ટેક્નોલોજી હજુ પહેલાં તબક્કે જ વિકસી રહેલી હતી અને ટેક્નોલોજી દ્વારા પ્રાપ્ત થતાં લાભો ખૂબ હતા, પરંતુ એવું પણ દેખાયું કે ટેક્નોલોજીની બીજી ઘણી બધી સ્થિતિ એવી છે જ્યાં કાયદાની જરૂર પડે એમ છે. એટલે આ કાયદો લાવવામાં આવ્યો અને એમાં ઈલેકટ્રોનિક માધ્યમો, ઈલેકટ્રોનિક ડેટા, ઈલેકટ્રોનિક દસ્તાવેજો, ઈ-ફાઈલિંગ અને કમ્પ્યૂટર નેટવર્ક આધારિત પ્રત્યેક વ્યવહારને લગતી જોગવાઈઓ કરવામાં આવી.

આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ ઈલેક્ટ્રોનિક માધ્યમો જેવા કે ઈલેક્ટ્રોનિક ડેટાઓનું આંતરિક પરિવહન અને ઈલેકટ્રોનિક માધ્યમ દ્વારા થતાં અન્ય સંદેશા વ્યવહારોને કાનૂની ઓળખ અને માન્યતા પૂરી પાડવાનો છે. બીજો ઉદ્દેશ ઈલેકટ્રોનિક દસ્તાવેજોની ફાઈલિંગ પદ્ધતિને સગવડતા પર્યાપ્ત કરાવવાનો છે. આ કાયદો ૨૦૦૦ની સાલમાં આવ્યો ત્યારે ભારતીય દંડ સંહિતની કલમોમાં સુધારા કરી ઈલેકટ્રોનિક રેકર્ડની વ્યાખ્યા કલમ-૨૯(એ)થી ઉમેરો કરવામાં આવ્યો. આવી જ રીતે પુરાવાના અધિનિયમમાં પણ ઈલેકટ્રોનિક રેકર્ડસ અને કમ્પ્યૂટર આઉટપુટ જાહેર માધ્યમો, વર્તમાન પત્રો, વગેરેની ગ્રાહ્યતા ઉપલબ્ધ કરાવી શકાય.

જે ગુનાઓ આજે ગુનાઓમાં સર્વોપરી છે તે સાયબર ગુનાઓ છે. આ ગુનાઓમાં સાયબર હેકિંગ, સાયબર બદનક્ષી, સાયબર અશ્લિલ ચિત્રણ, સાયબર ચોરી, જેમાં કોપી રાઈટ અથવા લોગોની ચોરી, ધૃણાસ્પદ ઈ-મેલ અને ઈ-કોમર્સ સાઈટનો ખોટો ઉપયોગ કર્યો હોય તો તેનો પણ સમાવેશ થાય છે. રોજબરોજ સાયબર ગુનાના પ્રકારો વધતાં જાય છે. સાયબર ગુનાઓ એટલેકે સાયબર ક્રાઈમ્સ એટલે કે જે કમ્પ્યૂટર દ્વારા થયેલ ગુનાઓ હોય તે પોલીસ માટે પણ પડકારરૂપ છે. દા.ત. કોઈ મહિલાની છેડતી કોઈ પુરૂષે કમ્પ્યૂટરનો ઉપયોગ કરી અથવા મોબાઈલનો ઉપયોગ કરી મહિલાને અશ્લિલ સંદેશો કે ઈ-મેલ મોકલ્યો હોય તો મહિલા તે અંગેની પોલીસના સાયબર સેલમાં ફરિયાદ કરી શકે છે અને આ અંગે ગુનો નોંધાવી શકે છે. કમ્પ્યૂટર દ્વારા કોઈ વેબસાઈટ ઉપર જઈને એ સાઈટનો ધૃણાસ્પદ ઉપયોગ કરી જો કોઈ કૃત્ય કરવામાં આવે તો તેને પણ ગુનો ગણાય છે.

ઘણાં ઘરોમાં કમ્પ્યૂટર ઈન્ટરનેટ સાથે વસાવવામાં આવતાં હોય છે અને ઘરનાં સૌ માણસો ઈન્ટરનેટનો ઉપયોગ દેશ વિદેશમાં બનતી ઘટનાઓના સમાચાર મેળવવા અથવા જાતજાતની માહિતી ભેગી કરવા માટે અથવા મનોરંજન માટે પણ ઈન્ટરનેટથી કમ્પ્યૂટરમાં “ સર્ફીંગ” કરતાં હોય છે એટલે કે નેટ ઉપર જેમ ચોપડીનાં પાના ફેરવીએ તેમ વેબ-પેજ એટલે કે જાત જાતના પાનાં જોતા હોય છે. ટેક્નોલોજી અદ્યતન છે અને બાળકોને ખૂબ લોભાવે છે. શાળામાં તો કમ્પ્યૂટરનું જ્ઞાન પણ આપવામાં આવે છે અને બાળકો ખૂબ રસ પૂર્વક આ કમ્પ્યૂટરનો અને ઈન્ટરનેટનો ઉપયોગ જ્ઞાન મેળવવા અને પોતાના રિસર્ચ કાર્યો માટે પણ કરતાં હોય છે, પરંતુ આ કમ્પ્યૂટર અને ઈન્ટરનેટનું એક એવું પાસું પણ છે જે ઉપર મા-બાપે અને શિક્ષકોએ ખૂબ ધ્યાન આપવા જેવું છે.

બાળકોને ખાસ કરીને અપહરણ કરાયેલાં બાળકો અને સુરક્ષા વિહોણા બાળકો જેઓને ફરજિયાત પણે જાતીય શોષણમાં ધકેલી દેવામાં આવે છે તેવા બાળકો ઉપર અને સુવ્યવસ્થિત રીતે જાતીય ઉત્પીડન કરીને ફિલ્મો બનાવવામાં આવે છે જેને બાળ પોર્નાગ્રાફી કહેવામાં આવે છે. આ પોર્નાગ્રાફી કમ્પ્યૂટર ઉપર ઈન્ટરનેટ મારફતે કોઈપણ રોકટોક વગર બાળકો જોઈ શકે છે આવી જ રીતે ઘણી વેબ-સાઈટ ઉપર મહિલાઓને લગતી પોર્નોગ્રાફી એટલે કે મહિલાઓ પર જાતીય શોષણ કે અશ્લિલતાને લગતી ફિલ્મો મૂકવામાં આવે છે અને લોકો રોકટોક વગર ઈન્ટરનેટના માધ્યમથી આ સાઈટો જોઈ શકે છે. એવી જ રીતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બાળકોને પણ આવી સાઈટો ઉપર બતાવવામાં આવે છે. આ ઈન્ટરનેટના ઉપયોગથી જો ઘરનાં બાળકો પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો સંયમ ના હોય તો આવી સાઈટો જોવાથી કે સર્ફ કરવાથી કુણા માનસ ઉપર ખૂબ વિપરીત અસર પડે છે અને એ માનસ પરિપક્વ થતાં પહેલાં જ વિકૃત થઈ જાય છે. આવા સંજોગોમાં મા-બાપની ઘરમાં ખાસ ફરજ બની જાય છે કે તેમના બાળકો કમ્પ્યૂટર ઉપર શું કરી રહ્યા છે તે ખાસ જોવું જોઈએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન