માઢીયા રોડ પર ર૭ ફ્લેમીંગના મોતથી અરેરાટી - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • માઢીયા રોડ પર ર૭ ફ્લેમીંગના મોતથી અરેરાટી

માઢીયા રોડ પર ર૭ ફ્લેમીંગના મોતથી અરેરાટી

 | 1:57 am IST

ભાવનગર તા. ૧૩

ભાવનગર શહેરના માઢીયા રોડ પર બે દિવસમાં આશરે ર૭ ફલેમીંગો પક્ષીના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ બનાવની જાણ થતા વન વિભાગ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પક્ષીના પોસ્ટ મોર્ટમ કરી તેની અંતીમવિધિ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પક્ષી પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.

વન વિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના માઢીયા રોડ પર આવેલ પટેલ સોલ્ટની નજીક ગઈકાલે મંગળવારે સાંજના સમયે વીજ શોક લાગતા આશરે ર૦ ફલેમીંગો પક્ષીના મૃત્યુ નિપજયા હતાં. આ બનાવની જાણ થતા વન વિભાગ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ અંગે વન વિભાગના અધિકારી વીજયભાઈ રાઠોડને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, પક્ષીનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતુ અને વીજ શોકથી પક્ષીના મૃત્યુ થયા હોવાનુ રીપોર્ટમાં જાણવા મળેલ છેે.

આજે બુધવારે બપોરના સમયે ઉપરોકત સ્થળેથી વધુ ૭ ફલેમીંગો પક્ષીના મૃત્યુ થયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતું. આ ઘટનાની જાણ થતા વન વિભાગ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. આ અંગે ભાવનગરના આરએફઓ પટેલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, આજે પ ફલેમીંગો પક્ષીના મૃતદેહ મળ્યા છે અને તેનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ છે. વીજ શોકથી પક્ષીના મોત થયા હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.

ફલેમીંગો ગુજરાતનુ રાજ્ય પક્ષી છે ત્યારે બે દિવસમાં ર૭ જેટલા ફલેમીંગો પક્ષીના મોત નિપજતા પક્ષી પ્રેમીઓમાં રોષ સાથે દુઃખની લાગણી જોવા મળી રહી છે અને વીજ તંત્ર સામે પગલા લેવા માંગણી ઉઠી છે.

વીજ તંત્રને નોટીસ અપાશે : અધિકારી રાઠોડ

ભાવનગર શહેરના માઢીયા રોડ પર બે દિવસમાં આશરે ર૭ ફલેમીંગો પક્ષીના મોત નિપજયા છે ત્યારે વીજ તંત્ર સામે શુ પગલા લેવાશે ? તે અંગે વન વિભાગના અધિકારી વીજયભાઈ રાઠોડને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, વીજ તંત્રને ગત વર્ષે પણ લેખીતમાં ખુલાસો પુછાયો હતો પરંતુ તેઓએ લાઈન બંધ હોવાનુ જણાવ્યુ હતુ તેથી હવે તેઓને નોટીસ પાઠવવામાં આવશે અને જો યોગ્ય પગલા નહી લે તો બેદરકારીનો ગુનો દાખલ કરાવવામાં આવશે.

દર વર્ષે વીજ વાયરના કારણે ફલેમીંગો મૃત્યુ પામે છે

ભાવનગર શહેરના માઢીયા રોડ પર જેટકોની ૬૬ કેવીની મોટી લાઈન જે નિરમા તરફ જાય છે અને તેની સાથે પક્ષી અથડાતા તેનુ વીજ શોક લાગવાથી મૃત્યુ થાય છે તેમ વન વિભાગના સુત્રોએ જણાવેલ છે, આવુ ઘણા વર્ષથી થઈ રહ્યુ છે અને દર વર્ષે અનેક ફલેમીંગો પક્ષી મૃત્યુ પામે છે. આ અંગે વન વિભાગે વીજ તંત્રને લેખીત જાણ કરી યોગ્ય પગલા લેવા જણાવેલ છે અથવા રીફલેકટર મૂકવા જણાવેલ છે પરંતુ વીજ તંત્રના અધિકારીઓના પેટનુ પાણી હલતુ નથી અને દર વર્ષે અનેક નિર્દાેષ ફલેમીંગો પક્ષી મૃત્યુ પામે છે તેથી પક્ષી પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે. પક્ષીના હિતમાં વીજ તંત્રએ યોગ્ય પગલા લેવા જરૃરી બની રહે છે અને જો વીજ તંત્ર યોગ્ય નિર્ણય ન કરે તો વન વિભાગે કડક કાર્યવાહી કરવી જરૃરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.

;