મીડિયાને પોતાની સગવડતાએ વિલન અને મિત્ર બનાવતા સ્ટાર્સ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • મીડિયાને પોતાની સગવડતાએ વિલન અને મિત્ર બનાવતા સ્ટાર્સ

મીડિયાને પોતાની સગવડતાએ વિલન અને મિત્ર બનાવતા સ્ટાર્સ

 | 3:00 am IST
  • Share

પબ્લિસિટી માટે મીડિયાનો ઉપયોગ કરતા હીરોલોગ કાંડ વખતે તેને કેવી રીતે દોષી ગણાવી શકે?

થોડાં વર્ષો પહેલાં એટલે કે વર્ષ 2014માં જેકી ચેનનો દીકરો આર્યનની માફક જ ડ્રગ્સ કેસમાં ફસાયો હતો. તે ડ્રગ્સ લેતો ઝડપાયો હતો. એ સમયે જેકી ચેને ખાસ મીડિયા કોન્ફરન્સ બોલાવીને કરોડો લોકોની માફી માંગી હતી, તેમજ તેના દીકરાને જે સજા થઇ તે સ્વીકારીને તેને જેલમાં મોકલ્યો હતો. અલબત્ત, માતા-પિતા માટે આ ખૂબ જ દુઃખદ બાબત છે. પોતાનું બાળક ગંભીર વાંકમાં સપડાયું હોય તો પણ માતા-પિતા તેને દોષિત માની નથી શકતાં. આ લાગણીની વાત છે, દરેક પેરેન્ટ્સ માટે પોતાનું સંતાન નિર્દોષ જ હોય છે. શાહરુખ અને ગૌરી હાલ આર્યનને છોડાવવા માટેની નાની નાની દરેક ટ્રાય કરી લે તે સ્વાભાવિક છે, પણ હાલ બીજો માહોલ એવો સર્જાયો છે કે બી ટાઉનના ઘણાંખરાં કલાકારો એસ.આર.કેને સપોર્ટ કરવાની સાથે મીડિયા પર સવાલ કરી રહ્યાં છે.  

આ પહેલાં પણ સુશાંતસિંહ રાજપૂતનાં કેસમાં રીઆ ચક્રવર્તીને સપોર્ટ કરવા માટે ઘણાં કલાકારોએ મીડિયાને વિલન ચીતર્યું હતું. આ એ જ સેલેબ્સ છે જેઓ રોજબરોજ પોતાના ફેન્સ સુધી પહોંચવા માટે રોજ તેમના ફેન્સને નવા ફોટા મળે તે માટે મીડિયાને બોલાવી પોતાના ફોટા ક્લિક કરાવતાં હોય છે. તે સમયે તે લોકોના વિચારો એવા હોય છે કે પબ્લિસિટી માટે અને ફેન્સને પોતાની રોજેરોજની માહિતી મળવી જરૂરી છે. એ જ રીતે તે લોકો ચર્ચામાં રહી શકશે. જો તમે પબ્લિસિટી માટે આવું કરી શકતાં હો તો બાદમાં મીડિયાને તમારા ગુનાઓનું કવરેજ લેવા માટે વિલન ઠેરવવું કેટલા અંશે વાજબી કહી શકાય? અહીં પણ મીડિયા જે તે જાણીતી હસ્તીએ શું કર્યું છે અને તે કેવા કાંડ કરી રહી છે તેની જાણકારી જ પોતાના ફેન્સને આપી રહ્યું છે. તમે જ્યારે પબ્લિક ફીગર બનો છો ત્યારે તમારી પોપ્યુલારિટી વધે તે માટે પબ્લિસિટી કરાવવા મીડિયાનો સહારો લઇ શકો છો, તો તમે કરેલાં ખોટાં કર્મો વિશે પણ લોકો જાણી શકે તેમાં ખોટું શું?  

આપણે જાણીએ જ છીએ કે ફેન્સ માટે આ સ્ટાર્સ તેમના ભગવાન સમાન હોય છે. લોકો કલાકોના કલાકો સુધી આ સ્ટાર્સને જોવા માટે ભીડમાં ઊભા રહે છે, જેથી માત્ર પાંચ મિનિટ માટે સ્ટાર્સની ઝલક તેમને મળી શકે. જ્યારે જ્યારે કોઇ કલાકારની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે ત્યારે તેઓ પણ પબ્લિકને પોતાનાં માઈબાપ ગણીને બે મીઠાં બોલ બોલી ભોળવી લેતાં હોય છે, તો એ જ સ્ટાર્સ વાંકમાં આવે અને લોકો તેમને જોવા એકઠાં થાય ત્યારે તેમને પબ્લિક વિલનથી પણ બદતર લાગે છે. આ ક્યાંનો ન્યાય? તમે પબ્લિક ફીગર બન્યા છો ત્યારે માત્ર સારા દિવસોમાં જ લોકો તમારી આગળ પાછળ રહે અને ખરાબ દિવસોમાં મીડિયા અને લોકો તમને ન કવર કરે એ કેવું? અહીં મીડિયાની ફેવર કરવાનો ઇરાદો નથી, પણ સ્ટાર્સ મીડિયાને વિલન ચીતરે છે તેની વાત છે. વળી હાલ સ્ટાર્સ આર્યનને સપોર્ટ કરવા અને શાહરુખ ગૌરીના સપોર્ટમાં ઊતરી આવ્યા છે, બરાબર છે હાલ તેમનો ખરાબ સમય ચાલી રહ્યો છે, પણ આર્યન જે જગ્યાએથી પકડાયો છે ત્યાં જે થઈ રહ્યું હતું તે શું કોઇ ગર્વની વાત છે? અને આર્યનને હાલ બિચારો માની રહેલા લોકોને એ યાદ કરાવવાનું કે થોડાં વર્ષો પહેલાં આર્યનની એક પોર્ન ક્લિપ બહાર પડી હતી ત્યારે પણ બાદમાં સ્ટાર્સે એવું જ પુરવાર કર્યું હતું કે એ આર્યન નહીં પણ તેના જેવી જ દેખાતી કોઈ વ્યક્તિ હતી. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો