મુંબઇમાં નવ કલાકમાં અઢી ઇંચ વરસાદ કલ્યાણમાં બે કલાકમાં પાંચ ઇંચ ખાબક્યો - Sandesh
  • Home
  • Mumbai
  • મુંબઇમાં નવ કલાકમાં અઢી ઇંચ વરસાદ કલ્યાણમાં બે કલાકમાં પાંચ ઇંચ ખાબક્યો

મુંબઇમાં નવ કલાકમાં અઢી ઇંચ વરસાદ કલ્યાણમાં બે કલાકમાં પાંચ ઇંચ ખાબક્યો

 | 3:44 am IST

મુંબઇ, તા.૧૯  

નાનકડા વિરામ બાદ વરસાદે મુંબઇગરાઓને ફરીથી તરબોળ કર્યા છે. સોમવારે મોડી રાતથી મુંબઇ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. મુંબઇમાં મંગળવારે નવ કલાકમાં આશરે અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કલ્યાણમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડયો હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. મુંબઇના ઉપનગરો ઘાટકોપર, વિક્રોલી, સાયન, પરેલ, અંધેરી, કોલાબા અને કાંદિવલી વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. સાથે જ મુંબઇના આસપાસના વિસ્તારો જેવા કે થાણે, નવી મુંબઇ, કલ્યાણ-ડોંબિવલી, પાલઘર, ભાયંદર, વસઇ-વિરારમાં પણ નોંધપાત્ર વરસાદ પડયો હતો. જેને કારણે શિવાજી ચોક, હિંદમાતા, પરેલ, અંબરનાથ, ઘાટકોપર , ડોંબિવલી શાક માર્કેટ જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. તેમજ સવારથી જ વેસ્ટર્ન અને ઇસ્ટર્ન એક્સપ્રેસ વે સહિત મુંબઇના મુખ્ય રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો ટ્રાફિકમાં અટવાઇ હતી.  

સમગ્ર રાજ્યમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થઇ હતી. હવામાન ખાતાના જણાવવા મુજબ મહારાષ્ટ્રના દરિયા કિનારામાં હવાના દબાણમાં પરિવર્તન આવતા રાજ્યના અંતરિયાળ ભાગો સુધી વરસાદના વાદળો સર્જાયા છે. કોંકણમાં છેલ્લા ચોવીસ કલાકમાં અતિભારે વરસાદ નોંધાતા પ્રશાસને દરિયાખેડૂઓને દરિયામાં ન જવાની ચેતવણી આપી હતી. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ સામાન્યથી વધુ વરસાદ પડયો હતો. રત્નાગિરિમાં અઢી ઇંચ, અલીબાગમાં સાડા ત્રણ ઇંચ, મહાબળેશ્વરમાં બે ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ર્હાિનલમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.  

પશ્રિવમી દરિયાકિનારાથી કેરળ સુધી નીચા દબાણનો પટ્ટો સર્જાતા આગામી ૭૨ કલાકમાં મુંબઇ સહિત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં ભારે વરસાદ પડશે, એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

જુલાઇ મહિનામાં સરેરાશ ૧૯ ઈંચ વરસાદ પડયો 

મુંબઇમાં જુલાઇ મહિનામાં સરેરાશ ૧૯ ઇંચ વરસાદ નોંધાયો છે. શહેર વિસ્તારમાં અત્યાર સુધી કુલ ૮૮૫ મિમિ, પૂર્વ વિસ્તારોમાં ૧૦૨૨ મિમિ અને પિૃમ ઉપનગરોમાં કુલ ૧૦૮૩ મિમિ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં જુલાઇ મહિનામાં સરેરાશ ૩૨ ઇંચ વરસાદ નોંધાય છે.  

ઠેર ઠેર ખાડા પડયા, કલ્યાણમાં ત્રણ વર્ષની બાળકી તણાઇ  

વરસાદને કારણે મુંબઇ શહેરના રસ્તાઓ પર ખાડા પડવાની ૪૫૪થી વધુ ફરિયાદ નોંધાઇ હતી. પશ્રિવમી ઉપનગરોમાં ૪૫૮ અને પૂર્વના ઉપનગરોમાં ૩૬૫ ફરિયાદ મળી હતી. મુંબઇ શહેર અને ઉપનગરોમાં ૧૫થી વધુ વૃક્ષો પડી ગયા હતા. શહેરમાં ૧ જગ્યાએ શોર્ટ ર્સિકટ અને બે જગ્યાએ દીવાલ ધસી પડી હતી. સદ્નસીબે કોઇ જાનહાનિ નોંધાઇ નહોતી. તો અસલ્ફામાં એક ભેખડ ધસી પડવાનો બનાવ નોંધાયો હતો. જોકે કલ્યાણના ખડવલી વિસ્તારમાં ત્રણ વર્ષની નાઝિયા નામની બાળકી નદીમાં તણાઇ ગયાના અહેવાલ છે. ફાયર બ્રિગેડ દ્વારા આ બાળકીની શોધ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી તેનો પતો લાગ્યો નહોતો. ઉપરાંત રેલવેની ત્રણેય લાઇનોને વરસાદની અસર વર્તાઇ હતી. મંગળવારે સવારથી ત્રણેય ઉપનગરીય રેલવે લાઇનોની ટ્રેનો નિયમિત સમય કરતાં મોડી દોડતી હતી. મુંબઇમાં વરસાદ સાથે દરિયામાં ભરતી હોવાને કારણે પણ અનેક નાળાઓ ઉભરાઇ જવાની સમસ્યા સર્જાઇ હતી. મંગળવારે બપોરે ૧૨:૦૮ વાગ્યે દરિયામાં ૪.૧૮ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. હવામાન ખાતાની આગાહી મુજબ બુધવારે બપોરે ૧૨:૪૨ વાગ્યે ૪.૩૫ મીટર મોજા ઉછળવાની સંભાવના છે.