મુંબઈના એક વિસ્તારને મળશે ફ્રાન્સ, ચીન અને કેનેડા જેવી ફેસિલિટી - Sandesh
  • Home
  • India
  • મુંબઈના એક વિસ્તારને મળશે ફ્રાન્સ, ચીન અને કેનેડા જેવી ફેસિલિટી

મુંબઈના એક વિસ્તારને મળશે ફ્રાન્સ, ચીન અને કેનેડા જેવી ફેસિલિટી

 | 6:14 pm IST

વધી રહેલું પ્રદૂષણ પર્યાવરણની ઘોર ખોદી રહ્યું છે અને આ આખા વિશ્વની સમસ્યા બની ગઇ છે ત્યારે પર્યાવરણને બચાવવા માટે દરેક સ્તરે પ્રયાસ થાય એ જરૂરી છે. મુંબઈ પાલિકાએ પર્યાવરણને બચાવવા એક નવી પહેલ કરી છે. નોન મોટરાઇઝડ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે મુંબઈ મહાપાલિકાએ સૌપ્રથમ વખત શહેરમાં સાઇકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે. પાલિકાએ આ માટે પાલિકાના ૪૭ પાર્કિંગમાં સાઇકલ પાર્કિંગ માટે ૪૭૦ મફત સ્લોટ ઊભા કર્યા છે. હવે પાલિકા સાઇકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પાઇલટ પ્રોજેક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઘાટકોપરમાં આ પ્રોજેક્ટ સૌપ્રથમ શરૂ કરવામાં આવશે જેમાં ચોક્કસ માર્ગો ઉપર નાગરિકોને અત્યંત ઓછા દરે સાઇકલ સવારી આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પાલિકાને એક બિનસરકારી સંસ્થા(એનજીઓ) પણ સાથ આપશે. ઘાટકોપર વેસ્ટના પાંચ સ્થળોએ સૌપ્રથમ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોને ભાડા ઉપર સાઇકલ આપવામાં આવશે અને આ માટે પાંચ પાર્કિંગ હબ પણ નક્કી કરવામાં આવ્યા છે જેમાં સાઇકલ પાર્કિંગ સ્ટેન્ડની સુવિધા હશે.

આ પ્રકારની સેવાઓ ફ્રાન્સ, ચીન, કેનેડા વગેરે દેશોમાં ઘણી લોકપ્રિય છે. આ ટ્રેન્ડને કારણે પ્રદૂષણ ઘટાડવામાં તેમ જ ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં ઘણી મદદ મળી શકે છે. હવે મુંબઈ પાલિકા પણ આવો ટ્રેન્ડ શહેરમાં શરૂ થાય એવી અપેક્ષા સાથે આ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. ઘાટકોપરમાં આ પાંચ સ્થળોએ સેવા શરૂ થશે. આ પાંચ સ્થળો છે મેટ્રો પિલ્લર નંબર-૧૨૦, ભટ્ટવાડી વોર્ડ નંબર-૧૨૨, આર.બી.કદમ માર્ગ, અમૃતનગર સર્કલ અને પારસીવાડી નાકા.

ઓગસ્ટ મહિનાથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. પ્રવાસીઓ ઊભા કરવામાં આવેલા શેલ્ટર્સમાંથી સાઇકલ લઇ શકશે. તેમણે નક્કી કરેલી રકમ આપવી પડશે તેમ જ તેમનું ઓળખપત્ર પણ આપવું પડશે. દરેક સવારી માટે પાંચ રૂ. વસૂલવામાં આવશે. જ્યારે રજિસ્ટ્રેશન ફી ૨૫૦ રૂ. રાખવામાં આવશે, એમ પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. લોકોએ પોતાના ઓળખપત્રની ઓરિજનલ કોપી આપવાની રહેશે અને સરકારી દસ્તાવેજોને પ્રાધાન્ય આપવામાં આવશે.