મુંબઈ મેટ્રોના બોર્ડ મેમ્બરોએ વિમાન પ્રવાસ ખેડવા રૂ. ૧૪.૫૦ લાખ ખર્ચ્યા - Sandesh
  • Home
  • Mumbai
  • મુંબઈ મેટ્રોના બોર્ડ મેમ્બરોએ વિમાન પ્રવાસ ખેડવા રૂ. ૧૪.૫૦ લાખ ખર્ચ્યા

મુંબઈ મેટ્રોના બોર્ડ મેમ્બરોએ વિમાન પ્રવાસ ખેડવા રૂ. ૧૪.૫૦ લાખ ખર્ચ્યા

 | 3:23 am IST

મુંબઈ,તા.૨૩

એક તરફ રાજ્ય સરકાર નાણાકીય કટોકટીમાં સપડાયેલી છે અને મુખ્ય પ્રધાન તથા નાણાં પ્રધાન મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિ. (એમએમઆરસીએલ)ના બોર્ડ ડિરેકટરોને કરકસરના પગલાં અનુસરવા અનુરોધ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ આ ડિરેકટરો બિઝનેસ કલાસમાં વિમાન પ્રવાસ ખેડીને નાણાં ઉડાવી રહ્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીને એમએમઆરસીએલ તરફથી પૂરી પડાયેલી માહિતી મુજબ આવા પ્રવાસ પાછળ રૂ. ૧૪.૫૦ લાખ ખર્ચાયા છે. 

અનિલ ગલગલીએ વિમાન પ્રવાસ સહિત બોર્ડ ઓફ ડિરેકટર્સની મિટિંગો તથા સંકળાયેલા અન્ય ખર્ચો વિશે માહિતી માગી હતી. એમએમઆરસીએલના પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર અને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ ઓફિસર પી.ડી. યેરકુરવાર તરફથી એવી માહિતી અપાઈ હતી કે કુલ ૯ મિટિંગો યોજાઈ હતી જેમાંથી ૪ દિલ્હીમાં અને પાંચ મુંબઈમાં યોજાઈ હતી. મિટિંગો માટે ખરીદવામાં આવેલી ૩૦ ટિકિટોમાંથી ૨૪ ટિકિટો બિઝનેસ કલાસની હતી અને ૬ ટિકિટો ઈકોનોમી કલાસની હતી. 

૨૪ ટિકિટોમાંથી નીતિન કરીર અને યુપીએસ માદનની પ્રત્યેકની ત્રણ-ત્રણ ટ્રિપોનો ખર્ચ રાજ્ય સરકારે ભોગવ્યો હતો. ડી.કે. જૈનને લગતા ખર્ચની વિગતો ઉપલબ્ધ નહીં હોવાની માહિતી અપાઈ હતી. ટોચના પાંચ ખર્ચમાં અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ડો. નીતિન કરીરે ૨૭ મે, ૨૦૧૬ના રોજ બિઝનેસ કલાસમાં ખેડેલા પ્રવાસનો ખર્ચ રૂ. ૭૪,૨૬૯ એમએમઆરડીએના કમિશનર યુપીએસ માદનનો રૂ. ૬૩,૫૬૭, એ.એ.ભટ્ટનો રૂ. ૬૧,૮૦૨, એમએમઆરસીએલના મેનેજિંગ ડિરેકટર અશ્વિની ભિડેનો રૂ. ૬૦,૯૭૭ અને ઝાંજા ત્રિપાઠીનો રૂ. ૬૦,૫૩૧ થાય છે. 

પ્રવાસના ખર્ચની અધૂરી વિગતો 

મુંબઈમાં ૬ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ એમએમઆરડીએના મુખ્યાલય ખાતે યોજાયેલી મિટિંગ માટે ચાર અધિકારીઓના ઉતારા માટે રૂ. ૫૦૧૧૪ ખર્ચાયા હતા. મુકુંદ કુમાર સિંહાના ઉતારા માટે પણ રૂ. ૩૦૪૮ અને રૂ. ૨૧૮૦ અને મધુસુદન માટે રૂ. ૬૦૯૭ ખર્ચાયા હતા. અન્ય ૨૬ અધિકારીઓ પાછળ થયેલા ખર્ચની વિગતો પૂરી નહોતી પડાઈ. એ જ પ્રમાણે ૮ અધિકારીઓ માટે વાહન પાછળ રૂ. ૧૯,૪૯૯ ખર્ચાયા હતા.

વિડિયો કોન્ફરન્સિંગથી મીટિંગો યોજી શકાય 

અનિલ ગલગલીએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે, રાજ્ય સરકાર નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે આઈએએસ અધિકારીઓએ બિઝનેસ કલાસમાં પ્રવાસ ખેડવા નાણાં ઉડાવવા નહીં જોઈએ. હવે તો વિડિયો-કોન્ફરન્સિંગ મારફતે પણ મિટિંગો યોજી શકાય છે અને મિટિંગો પૂર્વ આયોજિત હોવાથી ટ્રેન દ્વારા પણ પ્રવાસ ખેડી શકાય, એવું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પાઠવેલા પત્રમાં ગલગલીએ જણાવ્યું છે અને એવી માગણી કરી છે કે ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે ગેઝેટેડ અધિકારીઓને મુખ્ય પ્રધાન સૂચના જારી કરે અને ખર્ચની મર્યાદા નક્કી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન