મુન્નાર હિલ સ્ટેશન એટલે કેરળનું સ્વર્ગ! - Sandesh
1.6M
1M
1.7M
APPS

મુન્નાર હિલ સ્ટેશન એટલે કેરળનું સ્વર્ગ!

 | 12:30 am IST
  • Share

ભારતમાં ફરવા માટેની જગ્યાઓનો તોટો નથી, જરૃર હોય છે તમારી પસંદગીના યોગ્ય ડેસ્ટિનેશનની પસંદગીની. જો તમને પહાડો, કુદરતી સૌંદર્યનું આકર્ષણ હોય તો એક વાર કેરળના સ્વર્ગ ગણાતા મુન્નારની મુલાકાત ચોક્કસ લેવી રહી. મુન્નાર એક મલયાલમ શબ્દ છે જેનો અર્થ થાય છે ત્રણ પહાડોનો સંગમ. અહીંના ત્રણ પહાડો મુતિરાપૂઝા, નલ્લથન્ની અને કુંડલા જ્યાં ભેગા થાય છે, ત્યાં મુન્નારનો ઉદય થાય છે. દરિયાની સપાટીથી અંદાજે ૧૬૦૦ મીટર ઊંચાઈ પર આવેલું આ હિલ સ્ટેશન એક સમયે દક્ષિણ ભારતમાં બ્રિટિશ સરકારનું ઉનાળુ વેકેશનનું આરામગૃહ હતું. તે દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર પણ છે જે ૨૬૯૫ મીટરનું છે. ચાના બગીચાઓ, વહેતી હવા જેવા રસ્તાઓ અને રજાઓ ગાળવા માટેની વિવિધ સુવિધાઓ તેને લોકપ્રિય રિસોર્ટવાળું શહેર બનાવે છે. મુન્નાર કેરળના ઈડુક્કી જિલ્લામાં આવેલું છે. આ હિલ સ્ટેશનની ઓળખ છે અહીંના વિસ્તૃત ભૂ-ભાગમાં ફેલાયેલી ચાની ખેતી, કોલોની બંગલા, નાની નદીઓ, ઝરણાં અને ઠંડું વાતાવરણ. આમ તો કોઈપણ સમયે મુન્નાર જાવ તો તમને ગમે જ, પરંતુ ગરમીની ઋતુમાં અહીં ફરવું એક યાદગાર અનુભવ બની જાય છે.

કાશ્મીર અને કેરળને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. કેરળમાં એક બાજુ જ્યાં સુંદર દરિયાઈ તટ છે, તો બીજી બાજુ ઊંચા, હરિયાળીથી ભરપૂર પહાડો અને તેના પરથી પડતાં સુંદર ઝરણાં છે. આવું જ મજાનું સ્થળ એટલે મુન્નાર હિલ સ્ટેશન. અહીંના વિશાળ ચાના બગીચા અને વાંકીચૂંકી ગલીઓને જોઈને તમે રોમાંચિત થઈ જશો. ચા સિવાય આ વિસ્તાર મસાલાની ખેતી અને તેની સુગંધને કારણે પણ ઓળખાય છે. ટ્રેકિંગ અને માઉન્ટેઇન બાઈકિંગ માટે પણ મુન્નાર એક શાનદાર સ્થળ છે. અહીં પર્યટકોમાં હાઉસબોટિંગ ખૂબ જ લોકપ્રિય છે. ચાના બગીચા, વોન્ડરલા એમ્યૂઝમેન્ટ પાર્ક, કોચી ફોર્ટ, ગણપતિ મંદિર અને હાઉસ બોટ અહીંનાં મુખ્ય આકર્ષણો છે. મુન્નારથી માત્ર ૧૫ કિમી. દૂર ઈરવિકુલમ નેશનલ પાર્ક લુપ્તપ્રાય પ્રાણી નીલગીરી ટાર માટે જાણીતું છે. ૯૭ વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ રાષ્ટ્રીય ઉદ્યાન પતંગિયાં, પ્રાણીઓ અને પક્ષીઓની અનેક દુર્લભ પ્રજાતિઓનું ઘર છે. અહીં નીલકુરિંજીનાં ફૂલોની સિઝનમાં જ્યારે સમગ્ર પહાડી વિસ્તાર લીલી ચાદરથી ઢંકાઈ જાય છે ત્યારે આ નેશનલ પાર્ક ગરમીમાં ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની જાય છે. આ છોડ પિૃમ ઘાટના આ વિસ્તારનું સ્થાનિક છે. સામાન્ય રીતે કોઈ પણ વૃક્ષ કે છોડને વર્ષમાં એક વાર ફૂલ આવતાં હોય છે, પરંતુ નીલકુરિંજી તેમાં અપવાદ છે, કેમ કે તેને વર્ષમાં નહીં પરંતુ ૧૨ વર્ષે એક વાર ફૂલ આવે છે! છેલ્લે વર્ષ ૨૦૧૮માં અહીં તેના પર ફૂલો ખિલ્યાં હતાં, મતલબ હવે છેક ૨૦૩૦માં અહીંની નીલકુરિંજી પર ફૂલો જોવા મળશે. જ્યારે અહીં ફૂલોની મૌસમ આવે છે તે વર્ષે સેંકડો પ્રવાસીઓ ઉમટી પડે છે. નીલકુરિંજીનાં ફૂલો સિવાય અહીં આનામુડી શિખર, સુંદર સરોવર માટે માટ્ટુપેટ્ટી, કુદરતી સુંદરતાથી ભરપૂર પલ્લિવાસલ, ઝરણાં માટે પ્રસિદ્ધ ચિન્નકનાલ, ચાના બગીચા અને રમત માટે જાણીતું અનયિરંગલ વગેરે અહીં મુખ્ય જોવાલાયક સ્થળો છે.  કેવી રીતે પહોંચશો? ઃ મુન્નાર પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન કોચી અથવા એર્નાકુલમ છે જે દિલ્હી, બેંગલુરુ, મુંબઈ, કોલકાતા સહિત ભારતભરના વિભિન્ન વિસ્તારોમાંથી આવતી ટ્રેનનું મુખ્ય જંક્શન છે. જ્યારે અલુવા રેલવે સ્ટેશન અંદાજે ૧૨૦ કિમી. છે. નજીકનું એરપોર્ટ કોચીન છે જે મુન્નારથી અંદાજે ૧૨૫ કિમી. દૂર છે. અહીંથી મુન્નાર જવા નિયમિત ટેક્સી મળી રહેશે. જો તમે કોચી, અલુવા કે એર્નાકુલમ ઊતરો છો તો કેબ ભાડે કરી શકો છો અથવા કેરળ રાજ્યની સરકારી બસની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવીને પણ પહોંચી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો